નામ પડતાંની સાથે જ ‘દયા, દરવાઝા તોડ દો...’ ડાયલૉગ આંખ સામે આવી જાય એ દયાશંકર શેટ્ટી હોટેલના માલિક છે. દયા કહે છે, ‘મારે ઍક્ટર બનવું નહોતું અને મેં ક્યારેય મારી ઍક્ટિંગ કરીઅર માટે કોઈ ટ્રાય પણ નથી કરી
જાણીતાનું જાણવા જેવું
દયાશંકર શેટ્ટી
નામ પડતાંની સાથે જ ‘દયા, દરવાઝા તોડ દો...’ ડાયલૉગ આંખ સામે આવી જાય એ દયાશંકર શેટ્ટી હોટેલના માલિક છે. દયા કહે છે, ‘મારે ઍક્ટર બનવું નહોતું અને મેં ક્યારેય મારી ઍક્ટિંગ કરીઅર માટે કોઈ ટ્રાય પણ નથી કરી. બસ, ડેસ્ટિની મને એ દિશામાં લેતી ગઈ અને હું આગળ વધતો ગયો’
‘દયા, દરવાઝા તોડ દો...’
ADVERTISEMENT
આ એક લાઇન તમારા કાનમાં પડે કે બીજી જ ક્ષણે તમારી આંખ સામે ‘CID’ સિરિયલનો પોલીસ-ઑફિસર દયા આવી જાય. મજાની વાત એ છે કે આ દયાનું કૅરૅક્ટર જ્યારે દયાશંકર શેટ્ટીને આપવામાં આવ્યું ત્યારથી લઈને સિરિયલ શરૂ થયાના એક મહિના સુધી તે આ રોલ કરવા માટે રાજી નહોતા. દયાશંકર ચોખવટ કરતાં કહે છે, ‘આ જ રોલ નહીં, હું તો કોઈ રોલ કરવા માટે રાજી નહોતો. હું મારી જાતને ડેસ્ટિની ચાઇલ્ડ કહું છું. મારું ડ્રાઇવિંગ ડેસ્ટિનીએ જ કર્યું છે અને હું આગળ વધતો રહ્યો છું. મારે ઍક્ટર બનવું નહોતું અને મેં ક્યારેય એ માટે ટ્રાય પણ કરી નહોતી. બસ, રસ્તામાં બધું આવતું ગયું અને હું આગળ વધતો ગયો.’
દયાશંકરની ઍક્ટિંગ કરીઅરને જોવા-જાણવા જેવી છે. રિઝવી કૉલેજમાં કૉમર્સ ગ્રૅજ્યુએટ થયા પછી દયાશંકર શેટ્ટીની કરીઅર ક્લિયર હતી. દયાશંકર કહે છે, ‘મુંબઈમાં આવેલા મોટા ભાગના શેટ્ટીઓની હોટેલ છે. મારા ફાધરની પણ હોટેલ હતી અને મારે એ હોટેલ બિઝનેસમાં જ જવાનું હતું એટલે કરીઅર સેટ કરવા માટે કોઈ સ્ટ્રગલ નહોતી. હું તો મસ્ત રીતે કૉલેજ પછીના દિવસો પસાર કરતો હતો ત્યાં અમારી શેટ્ટી કમ્યુનિટીનું એક ફંક્શન આવ્યું જેમાં કેટલાક યંગસ્ટર્સે ફૅશન શોનું પ્લાનિંગ કર્યું. એક છોકરો ઘટ્યો એટલે મને બોલાવી લીધો. મારાં હાઇટ-બૉડી બધાથી વધારે બ્રૉડ એટલે હું રૅમ્પ-વૉકમાં નજરે ચડ્યો. એ જ કમ્યુનિટી ફંક્શનમાં બીજું એ થયું કે એમાં વૉઇસ ઓવર આપવાનો હતો, જે મેં આપ્યો હતો. મારો વૉઇસ અમારી જ કમ્યુનિટીના પ્રકાશ શેટ્ટીએ સાંભળ્યો. તેના ફ્રેન્ડનું ચંદ્રપ્રકાશ થિયેટર હતું જેમાં નાટકો બનતાં. પ્રકાશ શેટ્ટીએ મને એક નાટકમાં રોલ કરવા માટે કહ્યું. અપન રેડી... તમે ડેસ્ટિની જુઓ, એ નાટક કૉમ્પિટિશનમાં ગયું અને કૉમ્પિટિશનમાં નાટક જોવા માટે ‘CID’ સિરિયલના કાસ્ટિંગ-ડિરેક્ટર આવ્યા અને તેણે મને ઑડિશન માટે બોલાવ્યો.’
અગેઇન, દયાશંકર શેટ્ટી પહોંચી ગયા ‘ફાયર વર્ક્સ’ પ્રોડક્શન્સની ઑફિસ પર, જ્યાં તે પહેલે ઝાટકે જ ઇન્સ્પેક્ટર દયાના રોલમાં સિલેક્ટ થઈ ગયા. દયાશંકર શેટ્ટીને એ દિવસો આજે પણ યાદ છે, ‘મેં તો ના પાડી દીધી કે મને કૅમેરા ફેસ કરતાં નહીં ફાવે. મને સોની અને અમારી પ્રોડક્શન કંપનીના બધાએ મનાવી-સમજાવીને આગળ વધાર્યો, પણ હું રોજ એવી તૈયારી સાથે જ સેટ પર જાઉં કે આજે કંઈક એવું બને અને હું સિરિયલ છોડી દઉં. યુ વૉન્ટ બિલીવ, સોની ટીવીના કોઈ સિનિયર ઑફિસર સેટ પર આવ્યા અને તેણે મને કહ્યું કે તારા ડાયલૉગમાં સાઉથ ઇન્ડિયાનો ટોન આવે છે, એને રિમૂવ કરજે. મેં તો કહી દીધું, નૅચરલી, હું ત્યાંનો હોઉં તો એ ટોન આવશે!’
ભાગ્યા તો પણ મળ્યું કામ જ...
એક વાર તો દયાશંકર શેટ્ટી ‘CID’નું શૂટ પડતું મૂકીને ભાઈબંધો સાથે બે દિવસ આઉટિંગ પર ચાલ્યા ગયા અને ત્યાં પણ તેમને ઍક્ટિંગ જ સામે મળી. દયાશંકર કહે છે, ‘એ બહુ અનપ્રોફેશનલ અપ્રોચ કહેવાય. એ રીતે કામ છોડીને ન જવું જોઈએ, પણ એ સમયે એવી બધી ખબર નહોતી પડતી. ફ્રેન્ડ્સ ખંડાલા જતા હતા એટલે હું પણ સેટ પર કંઈ કહ્યા વિના એ લોકો સાથે ચાલ્યો ગયો. ત્યાં અમે બધા જે હોટેલમાં ઊતર્યા હતા એમાં કોઈ ભાઈ હતા, તે મારી પાસે આવ્યા. સિરિયલ તો હજી આવી પણ નહોતી એટલે ઓળખી જવાનો પ્રશ્ન નહોતો. એ ભાઈ આવીને મને કહે કે તમારો કૉન્ટૅક્ટ નંબર આપોને. મેં થોડી વધારે વાત કરી તો મને કહે કે તે ઍડ્વર્ટાઇઝિંગ કંપનીમાં હતા જે ડાબર ચ્યવનપ્રાશ માટે મૉડલ શોધતા હતા અને મારામાં તેમને એ મૉડલ દેખાયો હતો.’
એ ઍડ દયાશંકરે કરી પણ એ ઍડની સાથોસાથ દયાશંકરને એ પણ સમજાયું કે તેણે ઍક્ટિંગ ફીલ્ડને સિરિયસલી લેવું જોઈએ. દયાશંકર કહે છે, ‘વારંવાર તમારી સામે કંઈ આવે પછી એ વ્યક્તિ હોય કે કામ, પણ તમારે માનવું કે તમારા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. એનો રિસ્પેક્ટ કરજો.’
ફૅમિલી બિઝનેસમાં સામેલ...
દયાશંકર શેટ્ટીનો જન્મ બૅન્ગલોર પાસે આવેલા શિરવા નામના ગામમાં થયો. તે ત્રણેક વર્ષના હતા ત્યારે જ પપ્પા ચંદ્રપ્રકાશ શેટ્ટી અને મમ્મી ઉમા સાથે મુંબઈ આવી ગયા. દયાશંકરને બે બહેનો છે. બન્ને બહેનો મૅરિડ છે. શરૂઆતનાં વર્ષોમાં દયાશંકરના પપ્પા મુંબઈમાં ભાડા પર હોટેલ ચલાવતા, જે ઇન્ડસ્ટ્રીને આજે પણ દયાશંકરે પકડી રાખી છે. કાંદિવલીમાં દયાશંકરને હોટેલ સપના નામની રેસ્ટોરાં-કમ-બાર છે તો આ જ નામની કાંદિવલીમાં જ તેમની રેસિડેન્શિયલ હોટેલ પણ છે. બોરીવલી લિન્ક રોડ પર રહેતા દયાશંકર બુધવારે એટલે કે ૧૧ ડિસેમ્બરે પપ વર્ષના થશે.
દયાશંકર શેટ્ટીએ સ્મિતા સાથે અરેન્જ્ડ મૅરેજ કર્યાં છે. બન્નેને વિવા નામની દીકરી છે જે અત્યારે કૉલેજમાં સ્ટડી કરે છે. દયા કહે છે, ‘મને ક્યારેય પ્રેમ થયો જ નથી. હું ચોપાટી પર કપલને એકલાં બેઠેલાં જોઉં ત્યારે મને પહેલો વિચાર આવે કે એ બન્ને શું વાતો કરતાં હશે. હું એવી રીતે રહી જ ન શકું. કૉલેજમાં પણ બધા મને ખડૂસ જ કહેતા. આજે પણ હું છોકરીઓની બાબતમાં તો એવો જ છું.’
ઢોસા ઑલ્વેઝ વેલકમ...
સાઉથ ઇન્ડિયન ફૂડની વાત આવે કે તરત દયાના મોઢામાં પાણી આવી જાય. દયા કહે છે, ‘સાઉથ ઇન્ડિયાના દરેક શહેરના ફૂડનો ટેસ્ટ જુદો છે અને મને એ બધા ટેસ્ટ બહુ ભાવે. ઢોસાની વાત આવે એટલે મારી હંમેશાં હા હોય અને એવી જ વરાઇટી છે વડાપાંઉ. અફકોર્સ, વડાપાંઉ ખાવામાં હું કન્ટ્રોલ રાખતો હોઉં છું પણ ઢોસામાં નો કન્ટ્રોલ, ઢોસા ઑલ્વેઝ વેલકમ.’
દયાશંકર ઢોસા-ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. દયાશંકર કહે છે, ‘મુંબઈમાં અમુક જ જગ્યાએ તમને રિયલ ચટણીનો ટેસ્ટ મળશે. બાકી બૅન્ગલોરમાં તો તમારા ટેબલ પર ચટણી આવે કે તરત તમને કોકોનટની અરોમા આવવાનું શરૂ થઈ જાય. ત્યાં કોપરું પથ્થરથી વાટીને ચટણી બનાવે એટલે એનો ટેસ્ટ સાવ જુદો હોય છે.’
શેટ્ટી-શેટ્ટી ભાઈ-ભાઈ...
ના, બ્લડ રિલેશન તો નથી પણ સુપરહિટ ડિરેક્ટર રોહિત શેટ્ટી અને દયાશંકર બન્ને જિગરી ભાઈબંધ છે. દયાશંકર કહે છે, ‘અમારા પપ્પા પણ ફ્રેન્ડ્સ. રોહિતના પપ્પાને કંઈ કામ ન હોય તો તે મારા પપ્પાની હોટેલ પર જઈને બેસે અને બન્ને વાતો કરે. એ પછી હું અને રોહિત ફ્રેન્ડ બન્યા પણ બન્નેએ જુદી-જુદી ઇન્ડસ્ટ્રી પકડી એટલે સાથે કામ કરવાનું ખાસ બન્યું નહીં. હા, રોહિત તેની દરેક ફિલ્મ વખતે એકાદ નાનો રોલ કાઢે અને મને ફોન કરીને કહે કે રોલ છોટા હૈ, પર ઇસી બહાને હમ સાથ મેં રહેંગે...’
શિકારી ખુદ યહાં શિકાર હો ગયા...
‘હું બહુ રિસ્કી છું અને એટલે જ કદાચ મને કોઈ વાતનો રિગ્રેટ બહુ રહેતો નહીં હોય.’ પોતાની રિસ્ક લેવાની ક્ષમતા વિશે વાત કરતાં દયાશંકર કહે છે, ‘મને સ્વિમિંગ આવડતું નથી પણ ‘CID’ માટે મારે એક છોકરીને ડૂબતી બચાવવાની હોય એવો સીન કરવાનો હતો. ડિરેક્ટરે મને પૂછ્યું નહીં અને મેં પણ કંઈ કહ્યું નહીં. ઍક્શન કહેવાયું અને હું તો કૂદી ગયો પાણીમાં... પેલી છોકરીને બચાવીને મેં તેને બહારની તરફ ખેંચી લીધી પણ પછી હું અંદર ખેંચાયો અને સીન કરતાં ઊંધું થયું. મારે જેને બચાવવાની હતી તે રિયલમાં સારી સ્વિમર, તે મને બચાવવા પાણીમાં પડી અને પછી ડિરેક્ટરને ખબર પડી કે મને સ્વિમિંગ નથી આવડતું.’
આવું તો દયાશંકરે અનેક વાર રિસ્ક લીધું છે. પહેલી કાર લીધા પછી તે બધા ફ્રેન્ડ્સને લઈને રાઉન્ડ મરાવવા નીકળ્યા અને અડધે પહોંચ્યા પછી બધાને ખબર પડી કે દયાને ડ્રાઇવિંગ નથી આવડતું! દયા કહે છે, ‘હસવા માટે આ બધી ઘટનાઓ સારી છે પણ રિયલમાં આવું ન કરવું જોઈએ. તમારે લીધે કોઈનો જીવ જોખમમાં મુકાઈ જાય.’