એ મેરે હમસફરની ટીના ફિલિપનો નવો લુક તેણે જાતે જ ઊભો કર્યો
ટીના ફિલિપ
દંગલ ચૅનલના શો ‘એ મેરે હમસફર’ની વિધિ એટલે કે ટીના ફિલિપના નવા લુકને તમે હવે જોઈ લીધો છે, પણ એ નવા લુકની ખાસિયત એ છે કે એ માટે કોઈ પ્રકારના ડિઝાઇનરની હેલ્પ લેવામાં નથી આવી. આ લુક ટીનાએ પોતે ડિઝાઇન કર્યો છે. ટીનાએ કહ્યું હતું, ‘પહેલાંનો મારો લુક એક બહુ સીધીસાદી અને સરળ છોકરીનો હતો, જેમાંથી વાર્તા મુજબ આ નવો લુક આવ્યો છે. આ લુક માટે અમે કોઈની હેલ્પ લીધી નહોતી અને એ માટે ઘણાં કારણો હતાં, જેમાંનું એક કોવિડ પણ ખરું. આ લુક આખો મેં ડિઝાઇન કર્યો અને એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ કે એમાં પહેલી વખત બાંધેલી બંગડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બંગડીનો સેટ તમે હાથમાં જોશો તો તમને તરત જ પૂછવાનું મન થઈ આવે કે એ ક્યાંથી ખરીદી.’
ટીનાએ જાતે ડિઝાઇન કરેલા પોતાના લુક અને ખાસ તો આ ચૂડીઓના સેટની એવી તે ડિમાન્ડ નીકળી છે કે તેના ફૅન્સ સોશ્યલ મીડિયા પર તેને સતત પૂછી રહ્યા છે કે અમારે આ ખરીદવી છે. ટીનાએ કહ્યું હતું, ‘થોડા સમય પછી એ બનાવવાની રીત પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાની છું.’


