Inside Edge 2 Review : પાવર અને પૉલિટિક્સની ઇનિંગ
ઇન્સાઇડ એજ 2
વેબ -શો રિવ્યુ : ઇન્સાઇડ એજ 2
૨૦૧૭માં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘ઇન્સાઇડ એજ’ની બીજી સીઝન હાલમાં જ રિલીઝ થઈ છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ શોની સીઝનને દસ એપિસોડમાં રિલીઝ કરવામાં આવી છે. પહેલી સીઝનના મોટા ભાગના ઍક્ટર્સને બીજી સીઝનમાં પસંદ કરવામાં આવ્યા છે.
એક સ્ટેપ આગળ
પહેલી સીઝનને ઇન્ડિયન પ્રીમિયર લીગથી ઇન્સ્પાયર થઈને પાવરપ્લે લીગમાં
મૅચ-ફિક્સિંગની વાત કરવામાં આવી હતી. જોકે બીજી સીઝન એનાથી એક સ્ટેપ આગળ જઈને એમાં પૉલિટિક્સ, પાવર, બદલો અને સ્પૉટ ફિક્સિંગની સાથે કટેલાક સબ પ્લૉટ દ્વારા મેસેજ આપવાની પણ કોશિશ કરવામાં આવી છે.
શું છે સ્ટોરી?
પહેલી સીઝનનો જ્યાં અંત થયો હતો ત્યાંથી બીજી સીઝનની શરૂઆત થાય છે. પહેલી સીઝનમાં ભાઈસાબ(આમિક બશિર)નું નામ જાહેર કરવામાં આવ્યું હોય છે જેની આંગળી પર બધા નાચતા હોય છે. આ ભાઈસાબ એટલે કે યશવર્ધન પાટીલ જે પાવરપ્લે લીગનો ફાઉન્ડર અને ઇન્ડિયન ક્રિકેટ બોર્ડનો પ્રેસિડન્ટ હોય છે. આમિર પોતાની પાવર ગેમ ચાલુ રાખે છે ત્યાં અંગદ બેદી એટલે કે અરવિંદ વશિષ્ઠ તેના કોચ નિરંજન સુરીના મર્ડર માટે વિક્રાંત ધવન (વિવેક ઑબેરૉય)ને શોધતો હોય છે. મુંબઈ મૅવરિક્સમાંથી અલગ થયા બાદ અરવિંદ ક્રિકેટથી દૂર થઈ ગયો હોય છે, પરંતુ હરિયાણા હરિકેનની ટીમના માલિક તેને ધવન શોધી આપશે એવી લાલચ આપી ટીમમાં લાવે છે. બીજી તરફ વાયુ રાઘવન (તનુજ વિરવાણી) મુંબઈ મૅવરિક્સનો કૅપ્ટન બને છે. ઝરીના મલિક (રિચા ચઢ્ઢા) કો-ઓનર હોય છે, પરંતુ આ ટીમની સંપૂર્ણ માલિક બનવા માગતી હોય છે. આ તમામ વચ્ચે વિક્રાંત ધવન પણ ફરી ગેમમાં આવી બાજી પલટતો જોવા મળે છે.
ડિરેક્શન અને ગ્રાફિક્સ
આ શોના દસ એપિસોડને આકાશ ભાટિયા તેમ જ કરણ અંશુમન અને ગુરમીત સિંહની જોડીએ ડિરેક્ટ કર્યા છે. આકાશના ડિરેક્શન હેઠળ સ્ટોરી ખૂબ જ ધીમી ચાલે છે તેમ જ દૃશ્યોને પણ ખેંચવામાં આવ્યાં હોય એવું લાગે છે. કરણ અને ગુરમીતના એપિસોડમાં ડિરેક્શનમાં કન્ટ્રૉલ દેખાઈ આવે છે. ઘણી જગ્યાએ કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થયો હોવા છતાં એ ખૂબ જ રિયલ લાગે છે. તેમ જ ત્રણેય ડિરેક્ટર્સે આઇપીએલના રેફરન્સથી શોને એકદમ રિયલ બનાવવાની કોશિશ કરી છે. સ્ટેડિયમના દરેક એપિસોડ ખૂબ જ અદ્ભુત લાગે છે.
સ્ક્રિપ્ટ અને ઍક્ટિંગ
શોમાં એક ચોક્કસ લય જાળવી રાખવામાં આવ્યો છે કે વધુપડતી ડીટેલમાં જવા કરતાં દર્શકોને એન્ટરટેઇનમેન્ટ મળે એના પર જ ફોકસ કરવું. ભાઈસાબના પાત્રમાં આમિર બશિરે ખૂબ જ સારું કામ કર્યું છે. તેમ જ ઝરીના મલિક પણ હવે પાવરફુલ બિઝનેસવુમન બની ગઈ છે. જોકે તેની પાસે સારી રીતે કામ કરાવવામાં ડિરેક્ટર નિષ્ફળ ગયા છે. ઘણાં દૃશ્યમાં તે ઓવરઍક્ટિંગ કરતી હોય એવું લાગે છે. અગંદ બેદીએ સારું કામ કર્યું છે અને તેના ક્રિકેટના દરેક શૉટ પણ પર્ફેક્ટ હતા. જોકે વાયુ રાઘવન પાસે જબરદસ્તી ઍક્ટિંગ કરાવવામાં આવી રહી હોય એવું લાગ્યું હતું. રિચાની સાથે સયાની ગુપ્તાનું પાત્ર પણ ખૂબ જ મહત્ત્વનું છે. તે એક ક્રિકેટ ટીમની ચીફ ઍનૅલિસ્ટ હોય છે. જોકે સપના પાબીને મુંબઈ મૅવરિક્સની માલિક તરીકે રજૂ કરવામાં આવી છે, પરંતુ તેનો વાયુ સાથેનો લવ ઍન્ગલ જબરદસ્તી હોય એવું લાગે છે. આ સાથે જ ચિયરલીડરના પાત્રમાં એલી અવરામને શું કામ પસંદ કરવામાં આવી એ એક સવાલ છે. ‘ગલી બૉય’ દ્વારા નામના મેળવનાર સિદ્ધાંત ચતુર્વેદી હંમેશાં સ્ટ્રેસમાં જોવા મળે છે. વિવેક ઑબેરૉય મહાભારતના કૃષ્ણની જેમ બધું તેની મરજી મુજબ ચલાવતો જોવા મળે છે. તે હંમેશાં હુડીમાં અને દાઢીમાં જોવા મળે છે, પરંતુ પહેલી સીઝનના વિક્રમ ધવનને અહીં મિસ કરો તો નવાઈ નહીં. (જોકે આ કોઈ સ્પૉઇલર નથી.)
અન્ય ચટાકો
આ સીઝનમાં પાવરપ્લે લીગની સાથે અન્ય ઘણી ચર્ચા કરવામાં આવી છે. હોમ મિનિસ્ટર કેમ બીજી સીઝનને ઇન્ડિયામાં રમાવાની પરવાનગી નહીં આપી રહ્યો, ક્રિકેટમાં પૉલિટિક્સ કેવી રીતે ભાગ ભજવે છે, તેમ જ ક્રિકેટની કન્ટ્રોવર્સીને અટકાવવા પાવરમાં હોય એવી વ્યક્તિ કેવી રીતે ફિલ્મને લઈને કન્ટ્રોવર્સી ઊભી કરે છે એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. આ દૃશ્ય અહીં આડકતરી રીતે સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ સાથે જોડવામાં આવ્યું છે. આ સાથે જ રંગભેદ અને જાતિવાદનો પણ ખૂબ જ સારી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમિત સિયાલ અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે જાતિવાદને લઈને જે દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે એ ખૂબ જ સુંદર છે.
માઇનસ પૉઇન્ટ
આ સીઝન બે વર્ષના ગૅપ બાદ બનાવવામાં આવી હોવા છતાં એમાં જોઈએ એટલું એક્સાઇટમેન્ટ નથી. સ્લો સ્ક્રિપ્ટ અને ઉપરછલ્લા ઇશ્યુને દેખાડવાને કારણે ક્યાંક માર ખાઈ જાય છે. એક એપિસોડમાં ક્રિકેટ અને પાવરગેમની જગ્યાએ સ્ટોરી ટ્રાવેલ શોમાં કન્વર્ટ થઈ જાય છે. સાઉથ આફ્રિકાના ટૂરિઝમને પ્રમોટ કરવા માટે દૃશ્યો ઉમેરવાં એ કોઈ લૉજિક નથી. આમિર, અંગદ, વિવેક અને સયામીને બાદ કરતાં ઘણા ઍક્ટર્સ પાસે સારી રીતે ઍક્ટિંગ નથી કરાવી શકાઈ. ઘણી જગ્યાએ વધુપડતા સબ પ્લૉટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાયુ અને પ્રશાંત એમ બન્નેના લવ ઍન્ગલ સાથે સ્ટોરીને કોઈ લેવાદેવા નહોતી. તેમ જ વાયુ અને રોહિણીના કોચ-કમ-ફાધરનો ઍન્ગલ પણ જરૂરી નહોતો લાગતો.
આ પણ જુઓ : ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો
આખરી સલામ
આ શોને એવી રીતે એન્ડ કરવામાં આવ્યો છે કે એની ત્રીજી સીઝન પણ બનાવી શકાય. મોટા ભાગની સીઝનને હવે ઓપન એન્ડિંગ રાખવામાં આવે છે જેથી વધુ પૉપ્યુલરિટી મળે તો સીઝન આગળ વધારી શકાય. ‘ઇન્સાઇડ એજ’ પણ એમાંથી બાકાત નથી. આ શોની પણ ત્રીજી સીઝન બહુ જલદી જાહેર કરી શકાય એમ છે.


