આ ફિલ્મનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું
બ્રૅડ પિટ
હૉલીવુડ સ્ટાર બ્રૅડ પિટ હવે બ્રિટીશ ગ્રાં પ્રિમાં રેસિંગ કરતો જોવા મળશે. બ્રૅડ પિટ રેસર નથી બન્યો, પરંતુ તે તેની ફિલ્મના શૂટિંગ માટે રિયલ રેસમાં શૂટ કરતો જોવા મળશે. આ ફિલ્મનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. જોકે એને ફૉર્મ્યુલા વન રેસર ડ્રાઇવર લુઇસ હૅમિલ્ટનનું પ્રોડક્શન હાઉસ પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ ફિલ્મમાં બ્રૅડ પિટ રિટાયર્ડ ડ્રાઇવરનું પાત્ર ભજવી રહ્યો છે જે એક ઊભરતા સિતારાને ટ્રેઇન કરવા માટે ફરી ટ્રૅક પર આવે છે. આ ફિલ્મમાં કાસ્ટિંગ માટે પણ લુઇસ પ્રોડક્શન હાઉસની મદદ કરી રહ્યો છે. આ ફિલ્મને જોસેફ કોસિન્સ્કી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે જેને આગામી વર્ષમાં રિલીઝ કરવામાં આવશે. ‘ટૉપ ગન : મૉવરિક’ ડિરેક્ટરે અગાઉ ૨૦૧૩માં રેસિંગ ફિલ્મ ‘ગો લાઇક હેલ’ બનાવવાની કોશિશ કરી હતી. આ ફિલ્મ માટે જુલાઈમાં સિલ્વરસ્ટોનમાં યોજાઈ રહેલી બ્રિટિશ ગ્રાં પ્રિમાં કાર ચલાવતો જોવા મળશે. તે પરેડ લેપમાં લુઇસ હૅમિલ્ટનની બાજુમાં કાર ડ્રાઇવ કરશે. આ દૃશ્યને ફિલ્મ પહેલાં દરેક વ્યક્તિ ટીવી પર પણ જોઈ શકશે, કારણ કે એ રિયલ રેસ દરમ્યાન શૂટ કરવામાં આવશે અને એથી જ એ લાઇવ ટીવી પર પણ જશે. આ વિશે લુઇસે કહ્યું હતું કે ‘આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે. બ્રૅડ પિટ સાથે સમય પસાર કરવાની પણ ઘણી મજા આવી રહી છે.’

