રૉકેટની સ્ટોરીને એક્સપ્લોર કરવી એ ડિરેક્ટરનો માસ્ટર સ્ટ્રોક કહી શકાય : ઍક્શનથી ભરપૂર દૃશ્યોમાં પણ જેમ્સ ગુને ઇમોશન્સને દેખાડવાની જબરદસ્ત કોશિશ કરી છે
ફિલ્મ રિવ્યુ
ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલૅક્સી વૉલ્યુમ 3 રિવ્યુ: ડાર્ક ટેરિટરીમાં કૉમેડી, ઍક્શન અને ઇમોશન્સનો તડકો
ફિલ્મ: ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલૅક્સી વૉલ્યુમ 3
કાસ્ટ: ક્રિસ પ્રૅટ, ડેવ બટિસ્ટા, ઝોઇ સલ્ડાના
ADVERTISEMENT
ડિરેક્ટર: જેમ્સ ગન
રિવ્યુ: સાડા ત્રણ સ્ટાર (પૈસા વસૂલ)
માર્વલ સિનેમૅટિક યુનિવર્સની આગામી ફિલ્મ ‘ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલૅક્સી વૉલ્યુમ 3’ હાલમાં થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને જેમ્સ ગન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી છે. માર્વલ સિનેમૅટિક યુનિવર્સમાં અને ગાર્ડિયન્સ સિરીઝમાં આ તેમની છેલ્લી ફિલ્મ છે. તેઓ હવે હરીફ કંપની ડીસીમાં જઈ રહ્યા છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મમાં બે સ્ટોરી લાઇન ચાલી રહી છે, પરંતુ એમાં મુખ્ય પ્લૉટ રૉકેટની આસપાસ ફરે છે. સ્ટાર-લૉર્ડ એટલે કે પીટર પ્રેમમાં ઘાયલ હોય છે. ‘ઍવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’માં તેના પ્રેમ ગમોરાનું મૃત્યુ થાય છે, પરંતુ ‘ઍવેન્જર્સ : એન્ડગેમ’માં ગમોરાને ભૂતકાળમાંથી ફરી લાવવામાં આવે છે. જોકે તે સ્ટાર-લૉર્ડને મળી ન હોવાથી તેને તેમની વચ્ચેના પ્રેમ વિશેની જાણ નથી હોતી. આથી પ્રેમમાં પાગલ સ્ટાર-લૉર્ડ દારૂના નશામાં હોય છે. થોર જે રીતે દારૂમાં નશામાં જોવા મળ્યો હતો એ જ રીતે અહીં સ્ટાર-લૉર્ડની હાલત હોય છે. જોકે તેની અને ગમોરાની એક સ્ટોરી લાઇન ચાલે છે ત્યારે ફિલ્મનો મુખ્ય પ્લૉટ રૉકેટની આસપાસ ફરે છે. રૉકેટના ભૂતકાળને દેખાડવામાં આવ્યો છે. ધ હાઈ ઇવલ્યુશનરીના નામે ઓળખાતા વિલને તેના પર એક્સપરિમેન્ટ્સ કર્યા હોય છે. આ વિલન પણ થાનોસ જેવો હોય છે. તે એક પ્લૅનેટ બનાવવા માગતો હોય છે અને એ માટે એક પર્ફેક્ટ પ્રજાતિ બનાવી રહ્યો હોય છે. આ માટે તેમના પર તે એક્સપરિમેન્ટ્સ કરે છે. રૉકેટ પણ એનો શિકાર બન્યો હોય છે. જોકે તેના પર થયેલા અટૅકને કારણે તે ઘાયલ થયો હોય છે અને તેને બચાવવા માટે ૪૮ કલાકનો સમય હોય છે. આથી સ્ટાર-લૉર્ડ તેની ટીમને લઈને રૉકેટની મદદ માટે ઊપડે છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શનની જવાબદારી જેમ્સ ગને પોતે ઉપાડી હતી. આ તેની છેલ્લી ફિલ્મ હોવાથી તેણે સ્ટોરી અને દરેક પાત્રને ટ્રિબ્યુટ આપવાની કોશિશ કરી હોય એ દેખાઈ આવે છે. આ ફિલ્મને તેણે ખૂબ જ ડાર્ક વિષય પર બનાવી છે, પરંતુ એમ છતાં એમાં કૉમેડી, ઍક્શન અને ઇમોશન્સનો તડકો ભરપૂર દેખાય છે. આ ફિલ્મમાં જેમ્સ ગને દરેક પાત્રને પૂરતો સમય અને પૂરતી બૅક સ્ટોરી સાથે લખ્યો છે. તેમ જ દરેક પાત્રને એ રીતે લખ્યા છે કે તેમની છેલ્લી ફિલ્મમાં દરેકને તેમનું એક્ઝિસ્ટન્સ સાબિત કરવાનો ચાન્સ મળે. કેટલાંક દૃશ્યને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યાં છે. દરેક બાજુ જ્યારે ઍક્શન ચાલતી હોય, એકબીજાને મારામાર કરતા હોય, બંદૂકની ગોળીઓનો વરસાદ થતો હોય ત્યાં એક દૃશ્ય આવે છે જ્યાં રૉકેટને તેનો ભૂતકાળ અને પોતે કેવી-કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હતો એ યાદ આવે છે. અન્ય પ્રાણીઓને એ પરિસ્થિતિમાં જોઈને રૉકેટ માટે જાણે સમય અટકી ગયો હોય એવું લાગે છે અને એ જ ફીલિંગ દર્શકોને પણ આવે છે. આ ડિરેક્ટરની કમાલ છે. પાત્ર જે ફીલ કરી રહ્યું હોય એ જ દર્શક પણ કરે ત્યારે ડિરેક્ટરની જીત કહેવી રહી. જોકે ફિલ્મ થોડી લાંબી જરૂર છે. એને શૉર્ટ બનાવી શકાઈ હોત. માર્વલ સિરીઝની છેલ્લી ઘણી ફિલ્મોમાં આ ફિલ્મ ખૂબ જ સારી છે. ઍક્શન અને ગ્રાફિક્સમાં માર્વલને કોઈ પહોંચી નહીં શકે અને આ ફિલ્મમાં દરેક ઍક્શન અને દરેક ગ્રાફિકને જસ્ટિફાઇ કરવામાં આવ્યાં છે.
પર્ફોર્મન્સ
સ્ટાર-લૉર્ડના પાત્રમાં ક્રિસ પ્રૅટ એક અદ્ભુત ચૉઇસ છે. તે પહેલા પાર્ટથી તેના કૉમિક ટાઇમિંગ અને ઍક્શનને લઈને પોતાને સાબિત કરતો આવ્યો છે. આ ફિલ્મમાં તેને એક દિલ તૂટેલા વ્યક્તિ તરીકે દેખાડવાનો પણ ચાન્સ મળ્યો છે અને એ તમામની વચ્ચે પોતાના પ્રેમને સાઇડ પર મૂકી તેની ગૅલૅક્સીના તેની ટીમના ખાસ વ્યક્તિ રૉકેટને બચાવવાની પ્રાયોરિટી તેનામાં જોઈ શકાય છે. ગમોરાના પાત્રમાં ઝોઇ સલ્ડાનાએ કામ કર્યું છે. તેની પાસે વધુ સ્ક્રીન ટાઇમ તો નથી, પરંતુ તેને જેટલો મળ્યો છે એને તેણે જસ્ટિફિકેશન આપ્યું છે. ડેવ બટિસ્ટા ડ્રેક્સના પાત્રમાં છે અને તેણે પણ ખૂબ જ ઉમદા કામ કર્યું છે. તેની ઍક્શન પણ સારી છે. ગ્રૂટના પાત્રનો અવાજ વિન ડીઝલે આપ્યો છે અને એ માટે તેને કેમ પસંદ કરવામાં આવ્યો હતો એ આ ફિલ્મમાં જોવા મળશે. રૉકેટનું પાત્ર આ ફિલ્મમાં મોટા ભાગે દરેક દૃશ્યમાં જોવા મળે છે. તેના પાત્રનો અવાજ બ્રૅડલી કૂપરે આપ્યો છે. તેની સ્ટોરીને એક્સપ્લોર કરવી એ જેમ્સ ગનનો માસ્ટર સ્ટ્રોક કહી શકાય, કારણ કે એની કોઈએ આશા નહીં રાખી હોય. ચુકવુડી ઇવુજીએ આ ફિલ્મમાં ધ હાઈ ઇવલ્યુશનરી વિલનનું પાત્ર ભજવ્યું છે. તે પણ ખૂંખાર હોય છે અને તેણે પણ તેના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. થાનોસ બાદ જાણે માર્વલમાં પણ વિલનની અછત પડી હોય એવું લાગી રહ્યું હતું.
આખરી સલામ
માર્વલ સિનેમૅટિક યુનિવર્સ અને ગાર્ડિયન્સ ફ્રૅન્ચાઇઝીના ચાહક માટે આ એક ટ્રીટ છે. તેમ જ જેમ્સ ગન દ્વારા ફિલ્મને જે ટ્રિબ્યુટ આપવામાં આવી છે એ પણ અદ્ભુત છે.