`ત્રણ એક્કા` બાદ અભિનેતા યશ સોની નવા અવતારમાં આવી રહ્યો છે. તેની આગામી ગુજરાતી ફિલ્મ `ડેની જીગર`નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં તેનો અંદાજ અને અવતાર સાઉથની ફિલ્મનો અનુભવ કરાવે તેવું લાગે છે.
યશ સોની (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
અભિનેતા યશ સોની (Yash Soni)ની ફિલ્મ `ત્રણ એક્કા` તાજેતરમાં રિલીઝ થઈ છે. હજી તો આ ફિલ્મની ચર્ચાઓ થઈ રહી છે એવામાં અભિનેતાની બીજી ફિલ્મના ટીઝરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. યશ સોનીની આગામી ફિલ્મ `ડેની જીગર`નું ટીઝર આજે રિલીઝ થયું છે. આ પહેલા નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)એ અને અભિનેતાએ ફિલ્મ‘ડેની જીગર’ (Danny Jigar)નો ફર્સ્ટ લૂક સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
ફિલ્મના ટીઝરની વાત કરીએ તો શરૂઆતમાં યશ સોની પોલીસ ઓફિસર તરીકે ખાખી યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. ટીઝરમાં પહેલું દ્રશ્ય જીપનું દેખાઈ છે, જીપ જે રીતે સ્પીડમાં ફરે છે, સ્ટોપ થાય છે અને એમાંથી યશ સોનીની એન્ટ્રી થાય છે તે જોઈને ચોક્કસ તમને સાઉથના ફિલ્મની યાદ આવી જશે. ખાખી યુનિફોર્મ, બ્લેક ચશ્મા અને મોઢામાં સિગારેટ સાથે યશ સોનીનો એટિટ્યુડ જોરદાર લાગે છે.
ADVERTISEMENT
ફિલ્મના ટીઝર પરથી લાગે છે `ડેની જીગર` ગુજરાતી સિનેમામાં ધમાલ માચવશે. ટીઝરમાં જે દ્રશ્યો દેખાઈ છે તે જોઈને અનુમાન લગાવી શકાય કે આ ફિલ્મ સાઉથની એકશન ફિલ્મ જેવો અનુભવ કરાવશે.
`ડેની જીગર` ફિલ્મનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરુ થયું હતું. ફિલ્મના ટીઝર પહેલા કૃષ્ણદેવ યાજ્ઞિકે ફિલ્મમાં યશ સોનીના લૂકની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. અને સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘હૅશટેગ ડેની જીગર. તો બીજી બાજુ અભિનેતા યશ સોનીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી હતી. યશના હાથમાં એક ફાઇલ છે જેના પર લખ્યું છે, ‘ડેની’સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. ફોટોમાં તે ડેવિલ સ્માઇલ આપી રહ્યો છે.
View this post on Instagram
આ ફિલ્મનું નિર્માણ નિલય ચોટાઈ અને દિપેન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. `ડેની જીગર` ફિલ્મ 8 ડિસેમ્બરે સિનેમામાં રિલીઝ થશે. નોંધનીય છે કે યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકે અત્યાર સુધી જેટલી પણ વાર સાથે આવ્યા છે ત્યારે તેમણે સ્ક્રિન પર ધમાલ જ કરી છે. આ પહેલા યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકે ‘છેલ્લો દિવસ’, ‘શું થયું?’, ‘રાડો’ અને ‘નાડી દોષ’માં સાથે કામ કર્યું છે. આ બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે. એવામાં `ડેની જીગર` ફિલ્મનું ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ પણ સુપરહિટ થાય તો નવાઈ નહીં.


