સાવ અજાણી ઇન્ડસ્ટ્રીની વાતને પણ એટલી સરસ રીતે હંસલ મહેતાએ સૌની સામે મૂકી છે કે સામાન્ય માણસને પણ સમજાઈ જાય કે સ્ટૅમ્પપેપર સેક્ટર કઈ રીતે વર્ક કરતું હોય છે?
ફાઇલ તસવીર
હંસલ મહેતાની ૧૫ દિવસ પહેલાં રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘સ્કૂપ-2003’ની સૌથી મોટી બ્યુટી જો કોઈ હોય તો એ કે બહુ સરળ બોલીમાં અને સ્ટોરી-ટેલિંગ સાથે આખી વેબ-સિરીઝ આગળ વધારવામાં આવી છે. અફકોર્સ, આ સિરીઝ હજી પૂરી નથી થઈ. પાંચ જ એપિસોડ આ વેબ-સિરીઝના આવ્યા છે અને સેકન્ડ ભાગ હવે આવતા મહિને રિલીઝ થવાનો છે, પણ ‘સ્કૂપ-2003’ પરથી આપણે સમજવાની જરૂર છે કે વાત કહેવાની એક સ્પેસિફિક સ્ટાઇલ હોય અને એ સ્ટાઇલને તમારે પકડી રાખવાની હોય.
હંસલ મહેતાની અગાઉની વેબ-સિરીઝની પણ એ જ બ્યુટી રહી છે. સ્ટૉક માર્કેટ જેવા અઘરા સબ્જેક્ટ સાથે આગળ વધતી હોય એવી ‘સ્કૅમ-1992’ હોય કે જર્નલિઝમ જેવા અટપટા કહેવાય એવા વિષયને દર્શાવતી ‘સ્કૂપ’ હોય. ‘સ્કૅમ-1992’નો સબ્જેક્ટ સહેજ પણ સહેલો નહોતો. સ્ટૅમ્પપેપરની દુનિયા પણ આપણે ત્યાં સામાન્ય રીતે કોઈને ખબર હોય એવું બને નહીં. અરે, માણસ પોતાની લાઇફમાં સ્ટૅમ્પપેપર જવલ્લે જ ખરીદતો હોય છે. હું તો કહીશ કે ૫૦ વર્ષની લાઇફમાં માણસે પાંચથી સાત વખત સ્ટૅમ્પપેપર લીધાં હોય. એ ક્યાં બને છે, કેવી રીતે બને, કેવી રીતે એનું ટ્રાન્સપોર્ટેશન ચાલતું હોય, એને વેચવાની રીત કઈ હોય અને એવી જે બધી વાતો છે એના વિશે ભાગ્યે જ કૉમનમૅનને ખબર હોય. વાત જ્યારે આવી સ્પેશ્યલાઇઝ્ડ ઇન્ડસ્ટ્રીની હોય એવા સમયે તમારે વાત કરવાનું શરૂ કરતી વખતે જ યાદ રાખવું પડે કે સામે જે ઑડિયન્સ બેઠી છે તેને આ બધા વિશે બહુ ખબર નથી અને જ્યારે તમને ખબર હોય કે ઑડિયન્સ ઘણું બધું જાણતી નથી તો તમારી જવાબદારી બને છે કે તમે એ વાતને સરળ અને સહજ કરીને એ લોકો સામે એવી રીતે મૂકો કે તે તમારા સ્ટોરી-ફ્લોમાં આગળ વધતા જાય અને સહેજ પણ કંટાળ્યા વિના.
ADVERTISEMENT
‘સ્કૅમ-2003’ની બીજી જો કોઈ બ્યુટી હોય તો એનાં કૅરૅક્ટર્સ અને કાસ્ટિંગ.
તમે જુઓ તો ખરા. હંસલ મહેતા ડિટ્ટો તેલગી જ લાગે એ પ્રકારના ઍક્ટરને શોધી લાવ્યા. હર્ષદ મહેતાને પણ તમે આજે યાદ કરો તો તમારી સામે પ્રતીક ગાંધી જ આવે. બસ, એવું જ તેમણે અબ્દુલ તેલગીમાં કરી નાખ્યું. તમે હવે તેલગીને જ્યારે પણ યાદ કરશો ત્યારે સીધો જ તમને ગગન દેવ રૈયર જ યાદ આવશે. તેલગી જેવો તેનો સીધો લુક નથી જ નથી, પણ ઍસ્થેટિક મેકઅપ અને મેનરિઝમ જે પ્રકારે તેણે ઊભાં કર્યાં છે એ જોતાં તમને એવું જ લાગે જાણે તમે તેલગી સામે ઊભા છે અને તમે વિન્ડોમાંથી આખો ઘટનાક્રમ જુઓ છો.
‘સ્કૅમ-2003’ સમજાવે છે કે ડેપ્થ શું કહેવાય અને ‘સ્કેમ-2003’ સમજાવે છે કે તમારે વાત કહેતી વખતે કયા સ્તરે પહેલાં એજ્યુકેટ થવું પડે. જરા વિચાર તો કરો કે ‘સ્કૅમ-2003’ પહેલાં શું મેકર્સને ખબર હતી ખરી કે સ્ટૅમ્પપેપરની દુનિયા કેવી હોય અને ક્યાં હોય. તેમને એ પણ ખબર હતી કે સ્ટૅમ્પપેપરનું ઉત્પાદન ક્યાં થતું હોય અને એ વેચવા માટેની આખી માર્કેટિંગ ચૅનલ કેવી રીતે સરકારે ગોઠવી હોય? કોઈ નહોતું જાણતું. જો તમે કશું નવું કામ કરવા માગતા હો, જો તમારે કશું નવું કરવું હોય, નવી દુનિયા લોકો સામે મૂકવી હોય તો તમારે એ દુનિયા પહેલાં એક્સપ્લોર કરવી પડે અને એ કામ સ્પેસિફિકલી વેબ-સિરીઝના પ્રોડ્યુસર-ડિરેક્ટર અને ક્રીએટર કરતા રહ્યા છે. આ જ વાત તમામેતમામ લોકોએ સમજવાની જરૂર છે.
હવે ઑડિયન્સ વેબ-સિરીઝ જોતી થઈ છે. એ બહારથી ડબલ ગ્રૅજ્યુએટ થઈને તમારા થિયેટરમાં આવે છે ત્યારે તમે જો એ વાતને સહેજ પણ ગણકાર્યા વિના તમારી રીતે, ગેરવાજબી રીતે, તમારી વાત સામે મૂકી દો તો પહેલી ૧૦ જ મિનિટમાં તમારે રિજેક્શન જોવાનો વારો આવી જાય. આજના સમયમાં મળેલું રિજેક્શન બહુ ઝડપથી વાઇરલ થાય છે અને વાઇરલ થયેલું એ રીઍક્શન બહુ ઝડપથી લોકો સુધી પહોંચે છે. જો તમે ઇચ્છતા હો કે તમારી ફિલ્મ કે વેબ-સિરીઝ કે પછી કોઈ પણ કન્ટેન્ટ વિશે નકારાત્મક વાત એ ઝડપે આગળ ન વધે તો તમારે એ વાત સમજી લેવી પડશે કે ક્રીએશન કરતાં પહેલાં તમારે એ આખી પ્રોસેસમાંથી પસાર થવું પડશે, જેમાંથી તમારાં કૅરૅક્ટર પસાર થયાં છે અને હા, સાથોસાથ એ પણ એટલું જ સાચું કે પ્લીઝ, હવે આપણે થોડા ગ્રો થઈએ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે એસ્ટૅબ્લિશ્ડ થઈ ગઈ. હવે એને એકસરખા સબ્જેક્ટમાંથી બહાર લાવીએ. બન્ને સેક્ટરને આ વાત લાગુ પડે છે. ફિલ્મમેકિંગમાં અને વેબસિરીઝ મેકિંગમાં પણ....
પ્લીઝ, હવે બહાર આવીએ.