તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયાસ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વર પધારવો સાવધાન’નું પોસ્ટર રિલીઝ

તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ
ઢોલીવૂડ (Dhollywood)માં ફરી બેક-ટુ-બેક મનોરંજક ફિલ્મો રિલીઝ થવાનો સિલિસીલો શરૂ થઈ ગયો છે. આજે વધુ એક ગુજરાતી ફિલ્મ (Gujarati Film)નું પોસ્ટર સામે આવ્યું છે. તુષાર સાધુ (Tushar Sadhu) અને કિંજલ રાજપ્રિયા (Kinjal Rajpriya) સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વર પધારવો સાવધાન’ (Var Padharavo Saavdhan)નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર જોતાં આ રોમેન્ટિક કૉમેડી ફિલ્મ લાગે છે.
અભિનેત્રીએ આ પોસ્ટર પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર શેર કર્યું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “જ્યાં થશે કન્યાની જગ્યા એ વરનું દાન…!! છોકરી માટે લગ્ન માત્ર લગ્ન નથી, તે પ્રેમ, લાગણીઓ, હિંમત પણ છે. પ્રસ્તુત છે #VarPadhravoSaavdhanની રિવર્સ રોલર કોસ્ટર રાઈડનું ઑફિશિયલ પોસ્ટર.”
View this post on Instagram
પોસ્ટરમાં તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા બંનેનાં ગળામાં વરમાળ છે. તો કિંજલ તુષારની વરમાળા પકડી તેને લઈ જતી દેખાય છે. તુષારના હાથમાં ટ્રાવેલ બેગ છે. પરંપરા અનુસાર સામાન્ય રીતે કન્યા `ગૃહ પ્રવેશ`ની વિધિ કરે છે, પરંતુ પોસ્ટરમાં વરરાજા આ વિધિ કરી ઘરમાં પ્રવેશતા હોય તેમ લાગે છે. બેકગ્રાઉન્ડમાં ઘર પણ બતાવવામાં આવ્યું છે. પાછળ રહેલા ટીવી પર સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે.
ફિલ્મ વિપુલ શર્માએ લખી અને દિગ્દર્શિત કરી છે. તેમણે અગાઉ ગુજરાતી હિટ ફિલ્મ `કેમ છો?`નું પણ દિગ્દર્શન કર્યું હતું. તો ફિલ્મનું નિર્માણ શૈલેષ ધામેલિયાએ કર્યું છે. પ્રોડ્યુર-ડિરેક્ટરની આ જૂની જોડી નવી ફિલ્મ સાથે ફરી ગુજરાતી દર્શકોને સિનેમાઘરો સુધી આકર્ષિત કરવા તૈયાર છે.
ફિલ્મમાં તુષાર અને કિંજલ સહિત જય પંડ્યા, રાગી જાની, જિમિત ત્રિવેદી, કામિની પંચાલ, પ્રશાંત બારોટ, કૃણાલ ભટ્ટ, રિધમ રાજ્યગુરુ, રિષભ ઠાકોર, અંશુ જોશી, માનસી ઓઝા અને કૌશલ વ્યાસ પણ જોવા મળશે. ફિલ્મમાં મ્યુઝિક રાહુલ પ્રજાપતિએ આપ્યું છે. ગીતોને અવાજ આદિત્ય ગઢવી, સાંત્વની ત્રિવેદી અને જિગરડાન ગઢવીએ આપ્યો છે.
આ પણ વાંચો: ‘શુભ યાત્રા’ Review : અભિનયને મામલે બિઝનેસ ક્લાસનો પ્રવાસ કરાવે છે એક્ટર્સ
ગુજરાતી ફિલ્મોમાં નવતર પ્રયોગ થઈ રહ્યા છે, ત્યારે આ ફિલ્મ પણ એક નવી વિષયવસ્તુ રજૂ કરવા જઈ રહી છે. હવે વરનું દાન કર્યા પછી શું તે ઘર જમાઈ પણ બનશે ખરા? આ સવાલનો જવાબ તો ફિલ્મ જોયા બાદ જ મળશે. ફિલ્મ આ વર્ષે જૂનમાં રિલીઝ થશે.