આપણી ગુજરાતી ફિલ્મોનું મેકિંગ સુધરી ગયું છે, પણ એના માર્કેટિંગમાં તો હજી પણ આપણે જૂની મેન્ટાલિટીના જ રહ્યા છીએ અને એ પણ એક કારણ છે કે આજે પાંચમાંથી ત્રણ ફિલ્મ સુધી ઑડિયન્સ પહોંચતી જ નથી
એન્ડ એક્શન
ભવ્ય ગાંધી
તમે જુઓ, ગુજરાતી ફિલ્મની વાત આવે એટલે ફિલ્મ રિલીઝ થતી હોય એ પ્રકારની જે ટિપિકલ એન્ટરટેઇનમેન્ટ ઍડ આવે એ દેખાવાની શરૂ થાય અને પછી સીધી પ્રીમિયરની વાત આવે. ૯૯.૯૯ ટકા તો એવું જ હોય કે પ્રીમિયર બે જ સિટીમાં થાય. અમદાવાદ અને મુંબઈ અને એમાં પણ આવે કોણ, તો કહે, ઇન્ડસ્ટ્રીના જ લોકો. પછી એ બધા લોકો ફિલ્મ માટે પોતાના સોશ્યલ મીડિયા પર લખે અને પ્રોડ્યુસર-ડિરેક્ટર એવું માને કે હવે તો ઑડિયન્સની લાંબી લાઇન લાગી જશે, પણ બીજા જ દિવસે રિયલિટી આંખ સામે આવી જાય. કહેવું જ પડશે કે હવે તો ગુજરાતી ફિલ્મની જે ઑડિયન્સ છે એ પણ એટલી સ્માર્ટ થઈ ગઈ છે કે એ સમજી જાય છે કે પ્રીમિયર થયું છે એમાં આ ભાઈ કે બહેનને ઇન્વિટેશન હતું એટલે એ ભાઈ કે બહેન ફિલ્મ વિશે બહુ સારું-સારું લખે છે. હું કહીશ કે સારું નહીં, સાચું લખશો અને એમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક આપવાને બદલે ૯૦ માર્ક આપશો તો પણ ઑડિયન્સને તમે ટ્રસ્ટવર્ધી લાગશો, પણ બધું જ સારું છે અને આવી ફિલ્મ તો ક્યારેય આવી જ નહોતી અને આવી ફિલ્મ તો આ જ ડિરેક્ટર બનાવી શકે એવી વાતોને હવે ઑડિયન્સ ઓળખવા માંડી છે. બધાને સમજાઈ ગયું છે કે અહીં માર્કેટિંગ કે રિવ્યુની વાત નથી, પણ અહીં વાત છે એ રિલેશનશિપ રાખવા માટેની છે અને જો તમારે રિલેશન રાખવાં હોય, જો તમને પ્રીમિયરમાં આવ્યાનું ઋણ ઉતારવું હોય તો બહેતર છે કે અમે આ રિવ્યુને સાચો માનવાને બદલે જેન્યુઇન રિવ્યુની રાહ જોઈશું અને એ પછી પૈસા ખર્ચવાનું વિચારીશું. આ રિયલિટી છે અને આ રિયલિટીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ સમજવાની જરૂર છે.