રત્ના પાઠક શાહ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે

રત્ના પાઠક શાહ અને માનસી પારેખ ઇન કચ્છ એક્સપ્રેસ
રત્ના પાઠક શાહ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે અને આ ફિલ્મ તેની પહેલી ગુજરાતી ફિલ્મ હોવાની તેને ખુશી છે. આ ફિલ્મમાં તેની સાથે માનસી પારેખ, દર્શિલ સફરી અને ધર્મેન્દ્ર ગોહિલ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને માનસી પારેખ ગોહિલ અને પાર્થિવ ગોહિલે પ્રોડ્યુસ કરી છે અને વિરલ શાહે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં રત્ના અને માનસી સાસુ-વહુના રોલમાં દેખાશે. ફિલ્મની ટીમની પ્રશંસા કરતાં રત્ના પાઠક શાહે કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે ‘કચ્છ એક્સપ્રેસ’ મારી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે. ફિલ્મની ટીમ હોશિયાર, નિપુણ, સખત મહેનતુ અને ઇન્ટેલિજન્ટ છે. મારા કો-સ્ટાર્સના જોશ અને કાબેલિયત પ્રશંસનીય છે. એક કો-ઍક્ટર તરીકે માનસી સમજદાર અને કુશળ છે અને એ સિવાય તે નૉન-સેન્ટિમેન્ટલ પણ છે. એક પ્રોડ્યુસર તરીકે તે કાળજી લેનારી, પ્રભાવશાળી અને સાથે એ બાબતનું પણ ધ્યાન રાખતી કે કામ કરતી વખતે કોઈને તકલીફ તો નથી પડતીને. આ ક્ષેત્રમાં તેના જેવી વધુ મહિલાઓની જરૂર છે.’
તો બીજી તરફ માનસીએ કહ્યું કે ‘રત્ના પાઠક શાહ જેવાં વરિષ્ઠ કલાકાર સાથે કામ કરવાનો અનુભવ હું આજીવન ભૂલીશ નહીં. આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે, પરંતુ તેઓ એટલાં બધાં રિહર્સલ કરતાં હતાં અને જ્યારે તેઓ ડાયલૉગ બોલતાં હતાં ત્યારે તો એ સ્વાભાવિક લાગતું હતું. તેઓ સુપર પૅશનેટ, પર્ફેક્શનિસ્ટ અને એના બદલામાં તેઓ માત્ર બેસ્ટ આપવા સિવાય કાંઈ નથી માગતાં.’

