વિદેશમાં શૂટ થયેલી ફિલ્મ સમાજને એક અસરકારક સંદેશ આપે છે
‘હું તારી હીર’નું પોસ્ટર
ફિલ્મ : હું તારી હીર
કાસ્ટ : પૂજા જોશી, ઓજસ રાવલ, ભરત ચાવડા
ADVERTISEMENT
લેખક : ધ્વની ગૌતમ, રજત ભાટિયા, પ્રેમ ગઢવી અને અદિતિ વર્મા
ડિરેક્ટર : ધ્વની ગૌતમ
રેટિંગ : ૩/૫
પ્લસ પોઇન્ટ : ડાયલોગ, લોકેશન્સ, મ્યુઝિક
માઇનસ પોઇન્ટ : માઠી શરુઆત
ફિલ્મની વાર્તા
ફિલ્મનું ટાઈટલ `હું તારી હીર` પરથી જ ખબર પડી જાય કે ક્યાંક લવ એન્ગલ તો જોવા મળશે જ. ફિલ્મની વાર્તા સુંદર, સુશીલ, આજ્ઞાકિંત અને સાથે સાથે મોર્ડન પણ એવી હીર (પુજા જોશી)ની આસપાસ ફરે છે. હીર ખુબ જ મહત્વકાંક્ષી હોય છે પરંતુ ઘરના રૂઢિચુસ્ત નિયમો સામે તે હારી જતી હોય છે. હીર મોટી થતાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તેના રૂઢિચુસ્ત માતા-પિતા સારો છોકરો જોઈ તેના લગ્ન કરાવવાનું નક્કી કરે છે. આ દરમિયાન સરપંચ પિતાના મિત્રનો દિકરો હર્ષ (ઓજસ રાવલ) વિદેશથી ઘરે પરત ફરે છે અને તે હીરથી મોહિત થઈ જાય છે. હીરના સુંદર રૂપથી આકર્ષાઈને હર્ષ લગ્ન માટે તેનો હાથ માગે છે. હર્ષને બિલકુલ ન પસંદ કરતી હીર માત્ર માતા-પિતાની ખુશી માટે તેની સાથે ખુશીથી લગ્ન તો કરી લે છે પણ લગ્નનું સુખ નથી માણી શકતી.
લગ્ન બાદ હર્ષ હીરને વિદેશ લઈ જાય છે. જે દુનિયા હીર માટે તદ્દન નવી અને અજાણી હોય છે. નવી જગ્યાએ મુંજાયેલી હીરને જ્યારે ખરા સમયે પતિના સાથની જરૂર હોય છે તેવા જ સમયે તેના હાથનો માર સહન કરવો પડે છે. એવામાં પતિ હર્ષમાં રાંજાની શોધ કરેલી હીરની મુલાકાત ઈત્તફાકથી હૅરી (ભરત ચાવડા) સાથે થાય છે. અંદરથી નરમ પણ બહારથી સ્ટ્રોન્ગ, નોટી અને કૂલ દેખાતા હૅરી માટે હીર સ્પેશ્યલ બની જાય છે, પરંતુ હીર માટે તે ફક્ત એક મિત્ર જ હોય છે. થોડા સમય બાદ સ્થિત એવી ઉભી થાય છે કે હર્ષ હીર સાથે ડિવોર્સ લેવાનું નક્કી કરે છે. આ દરમિયાન હૅરી પણ પોતાની હીરનો શોધતો શોધતો તેણીના ઘરે પહોંચી જાય છે. પછી તો શું જે જોવા જેવી થાય છે! હીર એવું પગલું ભરે છે, જેવું આખા ગામમાં કોઈ પણ યુવતીની હિંમત ન થઈ હોય. જો કે આખરે હીરને તેનો રાંજા જરૂર મળે છે. પણ રાંજા છે કોણ હૅરી કે હર્ષ?
પરફોર્મન્સ
એક સંસ્કારી અને આજ્ઞાકારી દીકરીના પાત્રમાં પુજા જોશી ખુબ જ સરસ લાગી રહી છે. ફિલ્મની શરૂઆતમાં થોડા અંશે ફ્લેટ એક્સપ્રેશન છે પરંતુ ઈન્ટરવલ બાદ પૂજા જોશીએ અસરકારક અભિનય કર્યો છે. પૂજાએ નિર્મળ હાસ્ય સાથે હજારો બંધનો વચ્ચે રહેનારી હીરની નિદોર્ષતા સારી રીતે જાળવી રાખી છે.
મોટે ભાગે પોઝિટિવ અને કૉમિક રોલમાં જોવા મળતા ઓજસ રાવલે હર્ષ તરીકે નેગેટિવ ભૂમિકામાં લોકોના દિલ જીતી લીધા છે. શરૂઆતથી જ પોતાના કામકાજમાં વ્યસ્ત અને અગ્રેસિવ રહેતા હર્ષના પાત્રમાં ઓજસે ઉમદા અભિનય કર્યો છે.
તો સાથે સાથે બેસ્ટ લવરની ભૂમિકામાં ભરત ચાવડા પણ સ્ક્રીન પર ઉભરી આવ્યાં છે.
એકતરફી પ્રેમી તરીકે ભરત ચાવડા, અત્યાચાર પતિના રૂપમાં ઓજસ અને સંસ્કારી દીકરીના પાત્રમાં પૂજા જોશીએ દર્શકોને અંત સુધી પકડી રાખ્યાં છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની વાર્તા ધ્વની ગૌતમ, રજત ભાટિયા, પ્રેમ ગઢવી અને અદિતિ વર્માએ લખી છે. ફિલ્મમાં રહેલા દરેક સંવાદો ખુબ જ અસરકાર છે. સ્ક્રીનપ્લે દર્શકોના દીલ જીતી લે તેવો છે. આ ફિલ્મનું શૂટિંગ ભારતની બહાર કરવામાં આવ્યું હોવાથી સુંદર અને નવા લોકેશન્સ ફિલ્મની વાર્તાને સરસ ન્યાય આપે છે. હૅરી અને હીરના ડ્રન્ક સીનને વધારે રસપ્રદ અને બહેતરીન બનાવી શકાયો હોત. નિર્દેશક તરીકે ધ્વની ગૌતમ વાર્તાને લોકો સમક્ષ ખુબ જ સરળ રીતે રજૂ કરવામાં સફળ રહ્યાં છે.
મ્યુઝિક
ફિલ્મમાં મ્યુઝિકે ચાર ચાંદ લગાવી દીધા છે. `મહેરબાન`, `યાદ સતાવે`, `લઈ જા રે...` અને `સાથી મળે ના મળે` ગીતો સાંભળી વાગોળવાનું મન થાય તેવા છે. તેમજ કિર્તીદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદારના અવાજમાં `ઢોલ વાગે` ગરબો પણ ખરો જ. બ્રેકગ્રાઉન્ડ સંગીત સાથે ભુમિ ત્રિવેદી, ગીતા રબારી, જીગરદાન ગઢવી અને મીત જૈનના અવાજમાં ગીતના શબ્દો દિલ ખુશ કરી દે એવા છે.
જોવી કે નહીં?
વિદેશી લોકેશન્સ અને સારા સંવાદો સાથે એક સારી હળવી સ્ટોરીનો આનંદ માણવો હોય તો આ ફિલ્મ જોવી જોઈએ.

