Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ડેની જીગર – એકમાત્ર…’ Review : એકમાત્ર લોજીકની સદંતર ઉણપ, ઓવરએક્ટિંગનો ગોળીબાર

‘ડેની જીગર – એકમાત્ર…’ Review : એકમાત્ર લોજીકની સદંતર ઉણપ, ઓવરએક્ટિંગનો ગોળીબાર

06 January, 2024 11:30 AM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

‘ડેની જીગર – એકમાત્ર…’ Review : મગજ બંધ કરીને ફિલ્મ જોવામાં છે મજા

‘ડેની જીગર – એકમાત્ર…’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Film Review

‘ડેની જીગર – એકમાત્ર…’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)


કી હાઇલાઇટ્સ

  1. ફિલ્મમાં કૉમિક બૂક્સ, સાઉથ, રણવીર સિંહ, ટીવી સિરિયલની છાંટ દેખાશે
  2. ગુજરાતી ફિલ્મોમાં કૃષ્ણદેવ યાજ્ઞિક ફરી કંઈક નવું લઈને આવ્યા
  3. સ્પૂફ ફિલ્મને સ્વિકારવામાં ગુજરાતી પ્રેક્ષકો કેટલા તૈયાર તે સમય કહેશે

ફિલ્મ : ડેની જીગર – એકમાત્ર…

કાસ્ટ : યશ સોની, તર્જની ભાડલા, જીતેન્દ્ર ઠક્કર, ચેતન દૈયા, પ્રેમ ગઢવી, ઓમ ભટ્ટ, રાહુલ રાવલ



લેખક : જસવંત પરમાર, કૃષ્ણદેવ યાજ્ઞિક


દિગ્દર્શક : કૃષ્ણદેવ યાજ્ઞિક

રેટિંગ : ૨.૫/૫ (ઓવરએક્ટિંગ અને દ્વિઅર્થી સંવાદનો અડધો સ્ટાર કટ)


પ્લસ પોઇન્ટ : અભિનય, સિનેમેટોગ્રાફી

માઇનસ પોઇન્ટ : વાર્તા, ડાયલોગ્સ

ફિલ્મની વાર્તા

મ્યુઝિયમમાંથી ચોરાયેલી ૬૦૦ વર્ષ જૂની મૂર્તિને શોધવા માટે જે બધી કરામત થાય છે તેની આસપાસ આખી ફિલ્મની વાર્તા ફરે છે. દેશ વિદેશ સમિટ માટે એક ૬૦૦ વર્ષ જૂની મૂર્તિ આપણા નેતા વિદેશના નેતાને ભેટ આપવા છે, પણ તેના એક મહિના પહેલા આ મૂર્તિ ચોરાઇ જાય છે અને મૂર્તિને શોધવા માટે પોલીસ કામ પર લાગે છે. ત્યારે આ મિશન સોંપવામાં આવે છે, ઇન્સ્પેક્ટર ડેની જીગર, એકમાત્ર (Danny Jigar – Ek Matra)ને. સ્ટાઇલિશ અને વિનોદી સ્વભાવ વાળો ઇન્સ્પેક્ટર ડેની જીગર મૂર્તિ શોધવાના મિશન દરમિયાન પૂ જાડી નામની છોકરીના પ્રેમમાં કઈ રીતે પડે છે અને ટીમની મદદથી કઈ રીતે આ મૂર્તિ શોધે છે તેની આસપાસ ફરે છે ફિલ્મની વાર્તા.

પરફોર્મન્સ

ફિલ્મમાં ઇન્સ્પેક્ટર ડેની જીગરની મુખ્ય ભૂમિકામાં યશ સોની (Yash Soni) છે. ફિલ્મમાં તેને જે પ્રકારનું પાત્ર આપવામાં આવ્યું છે તે અભિનેતાએ સુપેરે નિભાવ્યું છે. હીરોઈન પૂજા ડીના પાત્રમાં તર્જની ભાડલા (Tarjanee Bhadla) છે. આ પાત્ર માટે અભિનેત્રી ખરેખર પ્રશંસાને પાત્ર છે. કારણકે આ ફિલ્મમાં તેણે પોતાના શરીરની મજાક ઉડાડાય તેવું પાત્ર ભજવ્યું છે. મૂળે ડાયરેક્ટરે કહ્યું એટલે કરી નાખ્યું, વિચાર કરવાની તસ્દી નથી, એ દેખાઇ આવે છે. 

યશ અને તર્જનીનો સાથ આપ્યો છે જીતેન્દ્ર ઠક્કર (Jitendra Thakkar), ચેતન દૈયા (Chetan Daiya), પ્રેમ ગઢવી (Prem Gadhavi), ઓમ ભટ્ટ (Om Bhatt) અને રાહુલ રાવલ (Rahul Raval)એ. ઓવરએક્ટિંગની ભરમાર ફિલ્મમાં દરેક એક્ટરે પોતાના ભાગે આવેલો રોલ બરાબર કર્યો છે. જોકે, દરેક પાત્ર પોતાના ઓલ્ટર ઇગોમાં ફરે છે એટલે કદાચ ઓવરએક્ટિંગ કરતા હોય તેવું લાગે છે. ઓવર ધ ટોપ એક્ટિંગમાં મજા આવે, પણ એ જ્યારે ઓવર ધ ટોપનું પણ ઓવર ધ ટોપ થાય ત્યારે કરકસર કરીને રેટિંગ આપવું પડે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

જસવંત પરમાર (Jaswant Parmar) અને કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik) લિખિત ફિલ્મની સ્ક્રિપ્ટમાં લોજીક અને કનેક્ટિવીટીને કોઈ સંબંધ જ નથી. સ્ટોરી લાઈન તો છે પણ સ્ટોરી જેવું આમ ખાસ કંઈ છે જ નહીં જો એવું કહીએ તો તેમા જરાય અતિશયોક્તિ નથી. ફિલ્મમાં અમુક વનલાઇનર્સને બાદ કરતા તમને બહુ જ ગમી જાય એવું કનટેન્ટ થોડું ઓછું છે. કેટલાક ડાયલોગ્સ સાંભળીને એવું થાય કે ના આની જરુર નથી. તો કેટલાક ડાયલોગ્સ સાથે તમે તરત રિલેટ કરી શકશો. જોકે, ફિલ્મમાં શાલિનતાની મર્યાદા અને દ્વિઅર્થી સંવાદોની મર્યાદા જળવાઈ હોત તો ફિલ્મ વધુ રસપ્રદ લાગત. અમે રિવ્યુમાં ઓવરએક્ટિંગ અને દ્વિઅર્થી સંવાદનો અડધો સ્ટાર કટ કર્યો છે. 

દિગ્દર્શનની વાત કરીએ તો તે કૃષ્ણદેવ યાજ્ઞિકનું છે. ગુજરાતીમાં આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે ખરેખર કેડીને દાદ આપવી પડે. પણ આ વખતે તેઓ જોઈએ તેવું મેજીક સ્ક્રિન પર ક્રિએટ કરવામાં થોડા કાચા પડ્યા અને એમાં જ બધા લોચા પડ્યા હોય તેવું લાગે છે. કેડીએ આ ફિલ્મ દ્વારા ગુજરાતી દર્શકોને કંઈક નવું પિરસ્યું છે, પણ દર્શકોને કેટલું ગમશે તે નક્કી કરવું થોડુંક મુશ્કેલ છે. આમ તો કહેનારાઓ ફિલ્મને ધબડકો કહી ચૂક્યા છે પણ કેડીના ચાહકો એક ચાન્સ આપીને ફિલ્મ જોઇ આવે અને પછી બળાપો કાઢે એવું થવાની શક્યતા પણ છે.  કૉમેડી દર્શાવવાના ચક્કરમાં બીજા ઈમોશન અને લોજીક નેવે મુકાઈ ગયા છે. જોકે, એક્શનના દ્રશ્યો બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે, પણ અગેઇન એમાં લૉજિક શોધવા જતા નહીં નહિંતર મંગળ પર પહોંચી જશો. 

ફિલ્મમાં સાઉથ, બૉલિવૂડ, ટેલિવિઝન વગેરેની છાંટ જોવા મળશે. ક્યારેક તમને હૃતિક રોશન દેખાશે તો ક્યારેક તુષાર કપૂર. હા, રણવીર સિંહ તો ફિલ્મમાં થ્રુઆઉટ જોવા મળશે. અને હા, ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂને વખાણવી પડે પણ વાર્તા વગરની પ્રોડક્શન વેલ્યૂનું શું કરવું?

ગુજરાતીમાં સ્પૂફ જોનરમાં આ પહેલી ફિલ્મ છે. જો સ્પૂફ જ બનાવવું હોય તો હૉલિવૂડની ફિલ્મોનો રેફરન્સ લઈ શકાય. એમાં સ્પૂફ ઓવર ધ ટોપ નથી હોતું. એમાં રમૂજ બહુ ધારદાર હોય છે જ્યારે આ ફિલ્મમાં એ સાવ જ મિસિંગ છે. તેમ છતાં ફિલ્મમાં ક્વર્કી કોન્ટેન્ટ જોવાની મજા આવશે.

મ્યુઝિક

ફિલ્મનું સંગીત કેદાર અને ભાર્ગવ (Kedar & Bhargav)નું છે. ફિલ્મના ગીતો તમારા હોઠે ચડે એવા નથી, પરંતુ મ્યુઝિક ચોક્કસ ગમશે. ગીતના ડાન્સમાં તમને ક્યારેક ૮૦ના દાયાકાના બૉલિવૂડનો અનુભવ થશે તો ક્યારેક તમને ભોજપુરી ટચ જોવા મળશે. ગુજરાતી ફિલ્મમાં આઇટમ સોન્ગ કદાચ પહેલી જ વાર છે. પણ એ ગીત આઇટમ નંબર વન બનવાની રેસમાં બહુ પાછળ છે.

‘ડેની જીગર – એકમાત્ર…’ના બીજીએમની વાત કરીએ તો તે એન્ડ્રુ સેમ્યુઅલ (Andrew Samuel)નું છે. ફિલ્મ લાઉડ છે એટલે એનું બીજીએમ તો લાઉડ જ રહેવાનું. ફિલ્મના પહેલા સીનથી જ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું લાઉડ છે. શરુઆતના કેટલાક સીનમાં તો મ્યુઝિક ડાયલોગ્સને ઑવરલેપ કરે છે. જોકે, એકંદરે બીજીએમ ગુજરાતી કૉમેડી એક્શન ફિલ્મને સાઉથનો ટચ આપે છે.

ફિલ્મ જોવી કે નહીં?

‘ડેની જીગર – એકમાત્ર…’ ફિલ્મ જોવાનું એકમાત્ર કારણ યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિક કહી શકાય. આ પ્રકારની ફારસ ફિલ્મો માટે ગુજરાતી પ્રેક્ષકો કેટલા તૈયાર છે એ તો ફિલ્મ જોવા જશો ત્યારે ખબર પડશે. પણ હા મગજ થિયેટરમાં નહીં લઈ જતા. 

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2024 11:30 AM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK