વાર્તા સારી છે પરંતુ દર્શકોના મન પર છાપ છોડવામાં નિષ્ફળ : રોનક કામદાર અને અંજલી બારોટની કૅમેસ્ટ્રી સરસ
‘ચબૂતરો’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
ફિલ્મ : ચબૂતરો
કાસ્ટ : રોનક કામદાર, અંજલી બારોટ, છાયા વોરા, ભૂમિકા બારોટ, ધર્મેશ વ્યાસ, શિવમ પારેખ, અન્નપૂર્ણા શુક્લા, આકાશ પંડ્યા
ADVERTISEMENT
લેખક : ચાણક્ય પટેલ
ડિરેક્ટર : ચાણક્ય પટેલ
રેટિંગ : ૩/૫
પ્લસ પોઇન્ટ : લોકેશન, સિનેમેટોગ્રાફિ
માઇનસ પોઇન્ટ : ડિરેક્શન, ડાયલૉગ્સ
ફિલ્મની વાર્તા
પોતાની ઓળખ અને ઇચ્છાઓની શોધમાં નીકળેલા એક યુવાન વિરાજ (રોનક કામદાર)ની વાર્તા છે. મૂળ અમદાવાદના ખ્યાતનામ બિલ્ડર અને શ્રીમંત પરિવારનો દીકરો વિરાજ હાઇર સ્ટડિઝ માટે અમેરિકા જાય છે અને પછી ત્યાં જ સેટલ થઈ જાય છે. તેને ભારત (અમદાવાદ)ની લાઇફસ્ટાઇલથી તકલીફ હોય છે. જોકે વિઝામાં કંઈક અડચણ આવે છે અને તેને ભારત પાછા ફરવું પડે છે. દીકરો ઘરે આવતા જ પિતા તેને ફૅમેલિ બિઝનેસ જોઈન કરવાનું દબાણ કરે છે, જેની વિરાજને જરાક પણ ઇચ્છા નથી હોતી.
અમદાવાદમાં વિરાજની મુલાકાત નિવેદિતા (અંજલી બારોટ) નામની આર્કિટેક્ચર સ્ટુન્ડ સાથે થાય છે. જે અમદાવાદની પોળના રિસ્ટોરેશન પ્રોજેક્ટ પર કામ કરતી હોય છે. બન્ને વચ્ચે મિત્રતા થતા વિરાજ પોતાના મનની વાત જણાવે છે કે, તેને અમદાવાદની લાઇફસ્ટાઇલ ગમતી નથી અને યુએસ પાછા જવાની રાહ જુએ છે. ત્યારે નિવેદિતા તેને સમજાવે છે કે, અમદાવાદ કેટલું બ્યુટિફુલ છે અને તે પોતાના સપના અહીંયા રહીને પણ પૂરા કરી શકે છે. આ કામ માટે તે પ્રોત્સાહન પણ આપે છે. પછી બન્નેના જીવનમાં શું બને છે તે ફિલ્મમાં દર્શાવ્યું છે.
પરફોર્મન્સ
ફિલ્મ ‘ચબૂતરો’ દ્વારા ‘સ્કૅમ ૧૯૯૨’ ફૅમ અભિનેત્રી અંજલી બારોટે ઢોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ડેબ્યૂડન્ટ તરીકે અભિનેત્રીએ સારો અભિનય કર્યો છે. જોકે, ફિલ્મ દરમિયાન તેનામાં અમદાવાદી છોકરીના મિજાજની થોડીક કમી જોવા મળે છે. તેમજ ગુજરાતી ભાષા બોલવામાં થોડુંક ઓગણીસ-વીસ છે. છતા અંજલીના અભિનયને કારણે આ બધુ ઢંકાઇ જાય છે.
હિરો તરીકે રોનક કામદાર પણ સ્ક્રિન પર સારી છાપ છોડે છે. અમેરિકન લાઇફસ્ટાઇલને ફૉલો કરતા રોનકના વાણી-વર્તનમાં અમેરિકન સ્ટાઇલ-લૂક-વાણીનો અભાવ જોવા મળે છે. અમુક સીનમાં ફ્લેટ એક્ટિંગને બાદ કરતા એમ્બિશિયસ યુવાનનું પાત્ર રોનકે સારી રીતે ભજવ્યું છે. રોનક અને અંજલીની કૅમેસ્ટ્રી સારી છે.
ફિલ્મમાં શિવમ પારેખે વિરાજના મિત્ર તરીકે ફની અને મહત્વનું પાત્ર ભજવ્યું છે. આ પાત્ર દર્શકોના દિલ પર રાજ કરી જાય છે.
વિરાજની બા ના પાત્રમાં પીઢ અભિનેત્રી અન્નપૂર્ણા શુક્લાને જોઈને ઘરના પ્રેમાળ બાની યાદ આવી જાય.
વિરાજના ગુસ્સાવાળા બિઝનેસમેન પિતાની ભૂમિકા ધર્મેશ વ્યાસ અને માતાની ભૂમિકા છાયા વોરાએ ભજવી છે.
ફિલ્મમાં ભૂમિકા બારોટે પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે.
આ બધાથી જુદુ અને મહત્ત્વનું પાત્ર છે વિરાજના પાળતૂ શ્વાન ‘બડી’નું. બડીની ભાષાને અવાજ આપ્યો છે મલ્હાર ઠાકરે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ચાણક્ય પટેલનું છે. સ્ક્રિપ્ટની વાત કરીએ તો વાર્તા સારી છે, પણ દર્શકો સુધી પહોંચવામાં થોડીક કાચી પડી છે. ડાયલૉગ્સ રોજિંદા જીવનમાં બોલવામાં આવે તેવા જ છે. વાર્તા ફસ્ટ હાફમાં બહુ જ ધીમી છે, ઑડિયન્સને ઝકડી રાખવામાં નિષ્ફળ જાય છે. પરંતુ ઇન્ટરવલ બાદ ફિલ્મ સ્પિડ પકડે છે. બીજો હાફ ક્યા પતી જાય છે તે ખબર જ નથી પડતી. જોકે, વિરાજને બાદ કરતા ફિલ્મના બધા જ પાત્રોને ડૅવલપ કરવા માટે જોઈએ તેવો સમય અપાયો નથી, એટલે પાત્રો સાથે કનેક્ટ કરવામાં કદાચ થોડીક વાર લાગે.
ડિરેક્શનની વાત કરીએ તો શરુઆતમાં અમેરિકાની જે સિકવન્સ છે તે બહુ જ સરસ રીતે શૂટ કરવામાં આવી છે. પછી જોઈએ તેવી મજા નથી આવતી. અમદાવાદ શહેરના અમૂક શોટ્સ સારા છે. તે સિવાય અમદાવાદની પોળના દ્રશ્યો બહુ જ સરસ રીતે ડિરેક્ટ કર્યા છે. બાકી રોજબરોજના જીવનમાં ચાલતી ઘટનાઓનો અનુભવ કરાવે છે દિગ્દર્શક.
મ્યુઝિક
ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારનું છે. ફિલ્મમાં સંગીત પણ સિદ્ધાર્થે આપ્યું છે. ગીતકાર નિરેન ભટ્ટ છે. ફિલ્મના ગીતો સારા છે પણ દર્શકોના મનમાં વસી જાય તેવા નથી. સંગીત યુવાનોને એકાદવાર સાંભળવું ગમશે પણ હંમેશા ગણગણવાની ઇચ્છા થાય તેવુ નથી લાગતું. ફિલ્મમાં ઓસમાન મીર અને અમિત ત્રિવેદીના અવાજમાં ગરબો છે ‘મોતી વેરાણા’ તે લોકપ્રિય થયો છે.
ફિલ્મ જોવી કે નહીં?
રોનક કામદાર અને અંજલી બારોટની કૅમેસ્ટ્રી તેમજ અમદાવાદની પોળના મજેદાર દ્રશ્યો નિહાળવા માટે ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.


