આવો બચાવ કરનારાઓએ સ્વીકારવાની હિંમત પણ રાખવી પડશે કે અમારી ફિલ્મ ખરાબ હતી એટલે ઑડિયન્સે એ સ્વીકારી નહીં. જો ભૂલ સ્વીકારી શકો તો જ સફળતાને પણ પચાવી શકો

ફાઇલ તસવીર
મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યનું ૧૦૦ ફુટથી વધુ ઊંચા સ્ટૅચ્યુનું અનાવરણ હજી હમણાં થયું અને ત્યાં જ ન્યુઝ આવ્યા કે આશુતોષ ગોવારીકરે પોતાની નવી ફિલ્મ ‘શંકર’નું કામ શરૂ કર્યું, જે આદિ શંકરાચાર્યની લાઇફ પર આધારિત છે. કેવો સરસ સબ્જેક્ટ, કેટલી સરસ વાત. તમને કહેવાનું મન થઈ આવે કે આને સબ્જેક્ટ કહેવાય, જેની વાત લોકોને જાણવામાં ઇન્ટરેસ્ટ હોય, લોકો એ માટે આતુર હોય. આશુતોષ ગોવારીકરની એ બધી ફિલ્મો પણ યાદ કરો, જેમાં તેમણે એવી-એવી વાતો કરી છે જે ખરેખર લોકોના માનસ પર અસર કરીને જાય. મને યાદ છે કે ‘સ્વદેશ’ રિલીઝ થયા પછી અમુક સમય સુધી લોકો રીતસર ફૉરેનથી પાછા ઇન્ડિયા આવવા માંડ્યા હતા અને એ પણ કાયમ માટે. જો તમારો દેશ અંધારામાં જીવતો હોય અને તમે બીજા દેશની ફૅસિલિટી વાપરતાં એ દેશને સાયન્સમાં વધારે સ્ટ્રૉન્ગ કરતા હો તો તમને સંકોચ થવો જોઈએ કે તમે એવું કામ કરી રહ્યા છો. તમે સ્વાર્થી છો અને એટલે તમે માત્ર અને માત્ર તમારા સ્વાર્થને જોઈને એ દેશમાં પડ્યા છો.
આ જે મેસેજ હતો એ મેસેજ એવો સ્ટ્રૉન્ગ હતો કે લોકો રીતસર પોતાની જાત પર ગુસ્સો કરતા થઈ ગયા હતા. અઢળક એવા લોકો અમેરિકા અને બ્રિટનથી પાછા આવી ગયા હતા જેઓ ત્યાં સેટલ થઈ ગયા હતા. તેમના પેરન્ટ્સ પણ તેમને બોલાવતા હતા તો પણ તેઓ પાછા આવવા તૈયાર નહોતા, પણ આ કામ આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘સ્વદેશ’એ કર્યું અને એ પણ એટલી અસરકારક રીતે કે એ માણસ લાઇફટાઇમ પછી પોતાના જ દેશમાં રહ્યા. હું પણ એવા કેટલાક લોકોને ઓળખું છું જેઓ ‘સ્વદેશ’ જોયા પછી આ દેશમાં રહેવા માટે પાછા આવી ગયા હતા.
ADVERTISEMENT
વાત છે કે તમે શું બનાવો છો એની સિરિયસનેસ તમારામાં હોવી જોઈએ. કબૂલ કે અમુક ઍક્ટર કે ડિરેક્ટર માત્ર લોકોના એન્ટરટેઇનમેન્ટનું જ કામ કરવા માટે સર્જાયા હોય અને તે એ જ કામ કરી શકે, પણ એનો અર્થ એવો નથી કે બધાએ એ કામ કરવું જોઈએ. આશુતોષ ગોવારીકર જુએ, એ જ કામ કરે છે જે કામ માટે તેમનું સર્જન થયું છે અને એવું જ કામ થવું પણ જોઈએ જે આજથી પચીસ-પચાસ કે ૧૦૦ વર્ષ પછી પણ તમને બધાની વચ્ચે ઊભા રાખે અને એ પણ તમારી ગેરહાજરીમાં. એવું કામ કરવું જોઈએ જે કામ તમને અમરત્વ આપે. આદિ શંકરાચાર્ય પરથી આપણે આ ટૉપિક પર આવ્યા છીએ અને એનું કારણ પણ છે.
એક પણ સનાતની એવો નહીં હોય જેણે આદિ શંકરાચાર્યનું નામ ન સાંભળ્યું હોય, પણ તેમણે કરેલાં કામ વિશે કે પછી તેમણે આપણા દેશમાં કરેલા પ્રદાન વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે અને એ ખબર આપવાનું કામ હવે આશુતોષ ગોવારીકર કરવાના છે. આપણા ગુજરાતી પ્રોડ્યુસર મારી દૃષ્ટિએ જો કોઈ ભૂલ કરે છે તો તે આ જ કે ગુજરાતી પાસે અઢળક સબ્જેક્ટ એવા પડ્યા છે જે વાત લોકો સુધી પહોંચે એ અનિવાર્ય છે ત્યારે એ માત્ર અને માત્ર એ જ વિષય પર કામ કરે છે જે ગુજરાતીમાં જ દસ જણ તૈયાર કરી રહ્યા છે. પછી જ્યારે બધું તૈયાર થાય ત્યારે તેમણે પછડાટ ખાવી પડે અને પછડાટ ખાધા પછી ખોટું બોલવું પડે કે ખોટા સમયે ફિલ્મ રિલીઝ થઈ ગઈ. ના, તમારી ફિલ્મ જ ખરાબ હતી, પણ તમે એ સ્વીકારવા રાજી નથી અને એટલે હજી પણ તમે તમાચો મારીને ગાલ લાલ રાખવાનું કામ કરી રહ્યા છો.
કામ થવું જોઈએ, પણ એ કામ એવું હોવું જોઈએ કે તમારી ગેરહાજરીમાં પણ એની નોંધ લેવાતી રહે અને લેવાતી એ નોંધની સાથે તમને પણ યાદ કરવામાં આવતા રહે. કામ થવું જોઈએ, પણ એ કામ એવું હોવું જોઈએ, જે તમારી સોસાયટીને વધારે એજ્યુકેટ કરીને જતું હોય અને એ એજ્યુકેશનની સાથે તમને પણ અંદરથી વધારે રિચ કરતું હોય. નહીં બનાવો એવી ફિલ્મ કે એ રિલીઝ થયા પછી તમારા ફૅમિલી મેમ્બર્સ સિવાય જોવા જવાની હિંમત પણ કોઈ કરતું ન હોય. નહીં બનાવો એવી ફિલ્મો જે રિલીઝ થયાની ગણતરીના કલાકોમાં થિયેટરમાંથી ઊતરી જવાની હોય. એક વાત યાદ રાખજો કે જેમ એક સારી ફિલ્મ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને મદદ કરી જતી હોય છે એવી જ રીતે એક ખરાબ ફિલ્મ આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને નુકસાન કરવાનું કામ પણ એટલી જ અસરકારકતા સાથે કરતી હોય છે.
યાદ રાખજો.
ફિલ્મ બનાવવી એ દેખાદેખીનો વિષય નથી, પણ ફિલ્મ બનાવવી એ એક પ્રકારના એજ્યુકેશનનો સબ્જેક્ટ છે અને એ સબ્જેક્ટમાં હંમેશાં માસ્ટરની જ બોલબાલા રહી છે.
યાદ રાખજો, ભૂલતા નહીં.

