ઝાયેદ ખાને ધ સ્વૉર્ડ ઑફ ટીપુ સુલતાનની દુર્ઘટના પછીનો પારિવારિક સંઘર્ષ જણાવ્યો
ઝાયેદ ખાન પિતા સાથે
પોતાના સમયના સ્ટાર ઍક્ટર સંજય ખાનના દીકરા ઝાયેદ ખાને પણ બૉલીવુડમાં ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત કરી હતી. ઝાયેદે પોતાની કરીઅરમાં ‘મૈં હૂં ના’, ‘દસ’ અને ‘શબ્દ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આમ છતાં તેની ગણતરી નોંધપાત્ર સ્ટાર તરીકે નથી થતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઝાયેદ ખાને પોતાના પરિવાર સાથે સંકળાયેલા એક આઘાતજનક પ્રકરણ વિશે ખુલાસો કર્યો. ૧૯૮૯માં ઝાયેદ ખાનના પિતા સંજય ખાનની ફિલ્મ ‘ધ સ્વૉર્ડ ઑફ ટીપુ સુલતાન’ના સેટ પર મોટી આગ લાગી હતી અને બાવન ક્રૂ-મેમ્બર્સના જીવ ગયા હતા. આ અકસ્માતમાં સંજય ખાન થર્ડ ડિગ્રી બર્નનો ભોગ બન્યા હતા અને તેમણે ૭૪ શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી.
એક ઇન્ટરવ્યુમાં આ સમયગાળા વિશે વાત કરતાં ઝાયેદે કહ્યું કે ‘આ સમયે ઘરમાં ખૂબ જ સમસ્યાઓ હતી અને એ સમયગાળા દરમ્યાન મારી માતા અને બહેનોની હાલત બહુ દુખદ હતી. એ સમયે પરિવારને ભારે આર્થિક સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું. આ આગમાં ઘણા લોકોના જીવ ગયા હતા અને એ સમયે કોઈ વીમો નહોતો. મેં મારી માતા અને બહેનોને દુઃખમાંથી પસાર થતાં જોયા છે. એ સમયે અમારું ઘર ગિરવી રાખવામાં આવ્યું હતું અને ગાડીઓ વેચી નાખી હતી. એ સમયે અમે ઑટોમાં પ્રવાસ કરતા હતા. આવા સમયમાં તમને ખરેખર ખબર પડે છે કે તમારા સાચા મિત્રો કોણ છે. અમે કોઈની સામે ક્યારેય રોષ રાખ્યો નથી. એ પછી અમે વધુ સારી ગાડીઓ ખરીદી અને ઘર પાછું મેળવ્યું.’


