આમિરે હાલમાં સ્ટાર્સ દ્વારા મૂકવામાં આવતી જાતજાતની ડિમાન્ડ સામે આક્રોશ ઠાલવ્યો
આમિર ખાન
હાલમાં આમિર ખાને પ્રોડ્યુસર્સ પાસે સ્ટાર્સ દ્વારા મૂકવામાં આવતી જાતજાતની ડિમાન્ડ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું હતું કે નિર્માતાઓએ ફક્ત એ જ ખર્ચ ઉઠાવવો જોઈએ જે સીધેસીધો ફિલ્મ સાથે જોડાયેલો હોય. એક ઇન્ટરવ્યુમાં આમિરે જણાવ્યું હતું કે ‘સ્ટાર્સને સગવડ મળવી જોઈએ, પરંતુ એટલી હદે નહીં કે તેઓ નિર્માતાઓને પરેશાન કરવા માંડે. નિર્માતાઓએ ફક્ત એટલો જ ખર્ચ ઉઠાવવો જોઈએ જે સીધો ફિલ્મ સાથે જોડાયેલો હોય. આમાં મેકઅપ, હેરસ્ટાઇલ, કૉસ્ચ્યુમ્સનો સમાવેશ થાય છે, પરંતુ ઍક્ટરના પ્રાઇવેટ ડ્રાઇવર કે હેલ્પરનો ખર્ચ આપવો યોગ્ય નથી. ફિલ્મમાં તેમનું શું યોગદાન છે? તેઓ સ્ટાર માટે કામ કરે છે. તેમની ચુકવણી કરવાની જવાબદારી સ્ટારની પોતાની છે. મેં સાંભળ્યું છે કે આજકાલના સ્ટાર્સ તેમના ડ્રાઇવરોને પણ પગાર આપતા નથી. તેઓ તેમના નિર્માતાઓને તેમની ચુકવણી કરવાનું કહે છે. એટલું જ નહીં, નિર્માતા સ્ટારના સ્પૉટબૉયની ચુકવણી પણ કરે છે. તેઓ નિર્માતા પાસેથી તેમના ટ્રેઇનર્સ અને રસોઇયાઓનો ખર્ચ પણ વસૂલે છે. મેં સાંભળ્યું છે કે હવે તેઓ સેટ પર લાઇવ કિચન રાખે છે અને નિર્માતા પાસેથી જ એની ચુકવણીની અપેક્ષા રાખે છે. તેઓ કિચન અને જિમ માટે અનેક વૅનિટી વૅનની માગણી પણ કરે છે. આ સ્ટાર્સ કરોડો રૂપિયા કમાય છે છતાં પોતાની જરૂરિયાતો પૂરી નથી કરી શકતા? મને આ ખૂબ વિચિત્ર લાગે છે. આ ઉદ્યોગ માટે ખૂબ દુખદ અને નુકસાનકારક છે.’


