એક વખત પોતાના ફ્રેન્ડ્સ સાથે ડ્રિન્ક કર્યા બાદ તેમણે ખુલાસો કર્યો કે તેમને સુસાઇડ કરવું છે
વિકી કૌશલ
વિકી કૌશલ આજે બૉલીવુડમાં ખૂબ જાણીતું નામ છે. જોકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં તેને નાઇન ટુ ફાઇવની જૉબ મળી હતી અને એથી તેનો પરિવાર ખૂબ ખુશ થયો હતો, કેમ કે તેમને નિરાંત થઈ કે હવે દર મહિને ફિક્સ સૅલેરી આવશે. જોકે એ પહેલાં વિકીના પિતા શામ કૌશલની લાઇફ સરળ નહોતી. તેઓ ફિલ્મોમાં સ્ટન્ટ-મૅન તરીકે કામ કરતા હતા. ત્યાર બાદ તેમને ઍક્શન-ડિરેક્ટર તરીકે બ્રેક મળ્યો હતો. તેમની લાઇફમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમની પાસે કોઈ કામ નહોતું અને તેમને સુસાઇડના વિચાર આવતા હતા. એ વિશે વિકી કહે છે, ‘પંજાબમાં અમારી નાનકડી કરિયાણાની દુકાન હતી. એક વખત પોતાના ફ્રેન્ડ્સ સાથે ડ્રિન્ક કર્યા બાદ તેમણે ખુલાસો કર્યો કે તેમને સુસાઇડ કરવું છે. એથી મારા દાદા ખૂબ ચિંતિત થઈ ગયા હતા અને તેમને મુંબઈ મોકલ્યા હતા. મુંબઈમાં મારા પિતા તો સાફસફાઈનું કામ કરવા માટે પણ રાજી થઈ ગયા હતા, કારણ કે અહીં તેમના ગામનું કોઈ ઓળખીતું નહોતું. મારા પિતાની યુવાનીના દિવસો સ્ટ્રગલમાં પસાર થયા છે. તેમના ફીલ્ડમાં જૉબની કોઈ સિક્યૉરિટી નહોતી. એક પ્રોજેક્ટમાં કામ કરતા હોય તો એની કોઈ ખાતરી નહોતી કે બીજો કોઈ પ્રોજેક્ટ મળશે કે નહીં. મને જ્યારે નોકરી મળી તો સૌને ખૂબ ખુશી થઈ કે ફાઇનલી ઘરમાં ફિક્સ ઇન્કમ આવશે, જૉબ સિક્યૉરિટી છે, રજાઓ પણ મળશે. મારા પિતાને તો એમ લાગ્યું કે ફાઇનલી તેમની સ્ટ્રગલ ખતમ થઈ.’

