ઍક્ટર વિશાલ જેઠવા તેની મમ્મી સાથે ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી ગયો છે.
ઍક્ટર વિશાલ જેઠવા તેની મમ્મી સાથે
ઍક્ટર વિશાલ જેઠવા તેની મમ્મી સાથે ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી ગયો છે. તેણે ત્યાં પહોંચવાના પોતાના પ્રવાસની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. હકીકતમાં વિશાલની ફિલ્મ ‘હોમબાઉન્ડ’નું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થવાનું છે અને વિશાલ એમાં જ હાજરી આપવા માટે પહોંચ્યો છે. ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘હોમબાઉન્ડ’માં ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકાઓમાં છે.
વિશાલે આ ફેસ્ટિવલમાં પોતાની મમ્મી સાથે હાજરી આપવાનું પ્લાનિંગ કર્યું છે. તેણે શૅર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘બાળપણથી મારું સપનું હતું કે એક દિવસ હું ફ્લાઇટમાં બેસીશ. પછી મેં સપનું જોયું કે એક વખત હું વિદેશ જરૂર ફરીશ અને આ બધાથી પણ મોટું એક સપનું હતું કે એક દિવસ હું મારી મમ્મીને ફ્લાઇટમાં લઈને વિદેશ ફરવા જઈશ. આજે મારા માટે ખૂબ મોટો દિવસ છે, કારણ કે હું આ સપનું જીવી રહ્યો છું. કાનમાં હાજરી આપવાની ખુશી કરતાં પણ મોટી ખુશી એ છે કે હું મારી મમ્મી સાથે કાનમાં હાજરી આપી રહ્યો છું. તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે હૃદયથી ખૂબ-ખૂબ આભાર. આ બધું તમારા પ્રેમ વિના ક્યારેય શક્ય ન હોત.’
ADVERTISEMENT
વિશાલ પોતાની માતાની બહુ નજીક છે. તેણે પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મારા પોતાના જીવનમાં દુર્ભાગ્યવશ પરિવારના પુરુષો વધુ જીવી શક્યા નથી. મારા પિતા કે મારા દાદાને મેં જોયા નથી. તેઓ મારા બાળપણમાં જ અવસાન પામ્યા હતા. મારા નાનાને પણ મેં બહુ ઓછા સમય માટે જોયા હતા. તેથી મારા પરિવારનાં સૂત્રો સ્ત્રીઓએ સંભાળ્યાં હતાં. બધાએ બહાદુરીથી તમામ જવાબદારીઓ નિભાવી. હું ૧૩ વર્ષનો હતો ત્યારે મારા પિતા અવસાન પામ્યા. પિતાના અવસાન બાદ મારી મમ્મીએ ઘરે-ઘરે જઈને વાસણ ધોવાનું, ઝાડુ-સફાઈનું કામ કર્યું. એક સમય એવો પણ હતો જ્યારે મારી મમ્મી સુપરમાર્કેટમાં સૅનિટરી પૅડ વેચતી હતી. મારી મમ્મીએ અમારા માટે ઘણું કષ્ટ સહન કર્યું છે. હું મારી મમ્મીની દરેક ઇચ્છા પૂરી કરવા ઇચ્છું છું.’


