ઍક્શન હીરો તરીકેની ઓળખ મારા માટે ખૂબ મોટી સિદ્ધિ છે: વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલનું કહેવું છે કે ઍક્શન હીરો તરીકે ઓળખાવું એ મારા માટે ખૂબ મોટી વાત છે. ૨૦૧૧માં આવેલી ઍક્શનથી ભરપૂર ‘ફોર્સ’ દ્વારા તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેણે ‘કમાન્ડો’ સિરીઝ દ્વારા પણ ખૂબ નામના મેળવી છે. બૉલીવુડમાં એક જ પ્રકારની ફિલ્મો એટલે કે ટાઇપકાસ્ટ થઈ જવા વિશે પૂછતાં વિદ્યુતે કહ્યું કે ‘આ ઇન્ડસ્ટ્રીનો પાર્ટ ન હોય એવી વ્યક્તિને પૂછો, જેઓ હજી પણ કામ શોધી રહ્યા છે. ૧૩૦ કરોડ લોકોની વસ્તીમાં ઍક્શન હીરો બનવું સહેલું છે? હું આ રીતે પોતાની જાતને જોઉં છું. હું ફક્ત એક ઍક્શન હીરો છું એવું નથી. આને હું મારી એક મોટી સિદ્ધિ તરીકે જોઉં છું. ઇન્ડસ્ટ્રી વિશે કોઈ માહિતી ન હોય એવી વ્યક્તિ ટૅલન્ટના જોરે આ સિદ્ધિ મેળવે એ મોટી વાત છે. હું એવું કોઈ દિવસ નહીં કહું કે આ ફક્ત ઍક્શન ફિલ્મ છે અથવા તો હું ઍક્શન હીરો છું. જોકે મને એના પર ગર્વ છે અને હું પોતાની જાતને હંમેશાં ઇમ્પ્રુવ કરતો રહીશ.’