Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ રિવ્યુ: સ્ટોરીમાં જોરદાર ‘ક્રૅક’

ફિલ્મ રિવ્યુ: સ્ટોરીમાં જોરદાર ‘ક્રૅક’

25 February, 2024 09:22 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

દરેક પાત્રને લખવામાં કચાશ દેખાઈ છે, ખાસ કરીને નોરાના અને સ્ક્રીનપ્લે આઉટ ઑફ કન્ટ્રોલ હોવાથી ડિરેક્શનમાં પણ એ જોઈ શકાય છે : વિદ્યુત ઍક્શનમાં સારો લાગે છે, પરંતુ ઇમોશનલ દૃશ્ય તેને કેમ આપવામાં આવ્યાં એ સવાલ થાય છે

ફિલ્મ પોસ્ટર

Riview

ફિલ્મ પોસ્ટર


ફિલ્મ: ક્રૅક

કાસ્ટ : વિદ્યુત જામવાલ, અર્જુન રામપાલ, નોરા ફતેહી, ઍમી જૅક્સન
ડિરેક્ટઃ આદિત્ય દત્ત
  વિદ્યુત જામવાલના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ‘ક્રૅક’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિલન અર્જુન રામપાલ અને હિરોઇન નોરા ફતેહી અને ઍમી જૅક્સન છે. આદિત્ય દત્તે આ ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે રેહાન ખાન, સરિમ મોમિન અને મોહિન્દર પ્રતાપ સિંહ સાથે મળીને એને લખી પણ છે. આ ફિલ્મની સ્ટોરી એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ પર છે જેમાં મૃત્યુનો પણ ભય રહે છે.


સ્ટોરી ટાઇમ
સ્ટોરીની શરૂઆત મુંબઈની એક ચાલમાં રહેતા સિદ્ધાર્થ દીક્ષિત એટલે કે સિદ્ધુ એટલે કે વિદ્યુત જામવાલથી થાય છે. તેને એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ પસંદ હોય છે. તેના પિતા પણ ભૂતપૂર્વ એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ પર્સન હોય છે. સિદ્ધુનો ભાઈ નિહાલ એટલે કે અંકિત મોહન પણ એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સમાં હોય છે અને તેનું મૃત્યુ થાય છે. સિદ્ધુના પિતા ઇચ્છે છે કે તે દેશ માટે આ સ્પોર્ટ્સ રમે. જોકે તેની ઇચ્છા યુરોપના પોલૅન્ડની નજીક આવેલા ‘મૈદાન’માં રમવાની હોય છે. ‘મૈદાન’ને દેવ એટલે કે અર્જુન રામપાલ ચલાવતો હોય છે. આ મૈદાનમાં વધુ પૈસા હોવાથી સિદ્ધુને ત્યાં જવું હોય છે. તે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે તેના ભાઈનું મૃત્યુ અહીં કેવી રીતે થયું હતું. તે તેના ભાઈનો બદલો લે છે કે પછી આ મૈદાનમાં ભાગ લે છે એના પર ફિલ્મની સ્ટોરી છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આદિત્ય દત્તે તેના અન્ય ત્રણ સાથી સાથે મળીને આ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે. આ ફિલ્મની સ્ટોરી એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ છે કે પછી ભાઈના મૃત્યુનો બદલો કે પછી લવ સ્ટોરી કે પછી એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ પાછળ પડેલી પોલીસ. ચાર રાઇટર્સ મળીને સ્ટોરીને ચાર એન્ગલ આપવાની કોશિશ કરી છે, પરંતુ એમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ વિશે ભારતમાં ખૂબ જ ઓછી ફિલ્મો બને છે એથી વિદ્યુતે જ્યારે આ જાહેરાત કરી ત્યારે ફિલ્મને લઈને ઘણી આશા હતી. ખાસ કરીને એટલા માટે કારણ કે વિદ્યુત ઍક્શન માટે જાણીતો છે. જોકે રાઇટર્સનો સ્ટોરી પર કન્ટ્રોલ નથી રહ્યો. એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સમાં પ્લેયર્સ પર જેમ કોઈને કન્ટ્રોલ નથી હોતો એમ સ્ક્પ્ટિ પણ કન્ટ્રોલ બહાર ગઈ છે. પરિણામે આદિત્ય દત્તના ડિરેક્શનમાં પણ એ જોવા મળે છે. તેની આ ફિલ્મ ડિરેક્શનલેસ છે અને એથી જ ફિલ્મ પૂરી થયા પછી પણ સમજમાં નથી આવતું કે એ કયા પ્રકારની ફિલ્મ હતી. ઘણી વાર નેટફ્લિક્સના શો ‘સ્ક્વિડ ગેમ્સ’ની ઝલક જોવા મળે છે, પરંતુ એ લેવલ પર પહોંચવું આ ફિલ્મ દ્વારા નામુમકિન હતું. તેમ જ ફિલ્મની લંબાઈ પણ ખૂબ જ વધુ છે. વિદ્યુત અને અર્જુન વચ્ચેનો ક્લાઇમેક્સ પણ ખૂબ જ લાંબો છે.


પર્ફોર્મન્સ
વિદ્યુત જામવાલે સિદ્ધુનું પાત્ર ભજવ્યું છે. તે ઍક્શનમાં પહેલેથી માહેર છે. આ ફિલ્મમાં પણ તેણે ઘણી ઍક્શન દેખાડી છે. કેટલાંક એવાં દૃશ્યો પણ છે જે કરવાં ખૂબ જ મુશ્કેલ છે. જોકે ઇમોશનલ દૃશ્યમાં તે માર ખાઈ જાય છે. ઇમોશન્સ તેના ચહેરા પર જામતાં નથી. અર્જુન રામપાલે દેવના ઇમોશનલેસ કૅરૅક્ટરને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેની બૉડી અને તેનાં ઇમોશન્સને જોઈને તેણે તેના પાત્ર પર ઘણું કામ કર્યું છે એ જોઈ શકાય છે. ઍમી જૅક્સને આ ફિલ્મમાં પેટ્રિસિયાનું પાત્ર ભજવ્યું છે. તે પોલીસ હોય છે અને દેવની પાછળ પડી હોય છે. આથી દેવ તેનો એક અલગ દેશ બનાવવા માગતો હોય છે જેથી તેને પોલીસ હેરાન ન કરે. ઇન્ટરેસ્ટિંગ. ઍમી જૅક્સનને હિન્દી બોલવામાં ખૂબ જ તકલીફ પડતી જોવા મળી રહી છે. સૌથી કમજોર પાત્ર કોઈ હોય તો એ નોરા ફતેહીનું છે. આ સ્ટોરીમાં વિદ્યુત અને નોરા વચ્ચેની લવ સ્ટોરી ખૂબ જ વિચિત્ર લાગે છે. નોરાનું પાત્ર શું કામ લખવામાં આવ્યું એ એક સવાલ છે. તેને થોડી ઍક્શન કરવા મળી છે, પરંતુ એમ તેને વેડફી કાઢવામાં આવી છે. આ પાત્ર પહેલાં જૅકલિન ફર્નાન્ડિસ ભજવવાની હતી, પરંતુ તેણે ના પાડી હતી. હવે સમજી શકાય એમ છે કે તેણે શું કામ ના પાડી હતી. નોરાના જ નહીં, પરંતુ દરેક પાત્રની ખૂબ જ વેઠ ઉતારવામાં આવી છે.

મ્યુઝિક

આ ફિલ્મનું મ્યુઝિક મિથુન, એમસી સ્ક્વેર, તનિષ્ક બાગચીએ આપ્યું છે. ફિલ્મની સ્ટોરીની જેમ એનું મ્યુઝિક પણ એ જ પ્રકારનું છે. વિક્રમ મોન્ટ્રોસનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઍક્શન દૃશ્યને થોડું વધુ થ્રિલિંગ જરૂર બનાવે છે.

આખરી સલામ
વિદ્યુત જામવાલે એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સના નામ પર આ કન્ફ્યુઝિંગ ફિલ્મ શું કામ બનાવી એ એક સવાલ છે. આ ફિલ્મમાં જો કંઈ સારું હોય તો એ છે જૅમી લિવરના ડાયલૉગ અને એ પણ તેના ટાઇમિંગને કારણે.

 

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2024 09:22 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK