Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું આજે જે કંઈ પણ છું એ મારી મમ્મીના આશીર્વાદને કારણે

હું આજે જે કંઈ પણ છું એ મારી મમ્મીના આશીર્વાદને કારણે

Published : 10 January, 2026 09:18 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ઍક્ટર વરુણ શર્માનાં મમ્મી વીણા ગુલશને પોતાના દીકરાનાં સપનાં પૂરાં કરવા માટે ફક્ત આર્થિક નહીં, સામાજિક અને માનસિક રીતે તેને પૂરો સાથ આપ્યો એટલે પહેલી ફિલ્મ ફુકરેમાં ચુચાના કિરદાર સાથે પ્રખ્યાત થયેલો આ ઍક્ટર તેની સફળતાનું પૂરું શ્રેય તેની માને આપે છે.

વરુણ શર્મા મમ્મી વીણા ગુલશન સાથે.

વરુણ શર્મા મમ્મી વીણા ગુલશન સાથે.


પરિવાર અને મિત્રોએ ઘણી ના પાડી છતાં ઍક્ટર વરુણ શર્માનાં મમ્મી વીણા ગુલશને પોતાના દીકરાનાં સપનાં પૂરાં કરવા માટે ફક્ત આર્થિક નહીં, સામાજિક અને માનસિક રીતે તેને પૂરો સાથ આપ્યો એટલે પહેલી ફિલ્મ ફુકરેમાં ચુચાના કિરદાર સાથે પ્રખ્યાત થયેલો આ ઍક્ટર તેની સફળતાનું પૂરું શ્રેય તેની માને આપે છે. હાલમાં તેની નવી ફિલ્મ રાહુ-કેતુ રિલીઝ થઈ રહી છે ત્યારે જાણીએ આ જાણીતા ઍક્ટર વિશે કેટલુંક જાણવા જેવું

અંદાજિત ૨૦૧૨નો સમય. જલંધરથી આવેલો વરુણ શર્મા એક કાસ્ટિંગ એજન્સીમાં બે વર્ષથી કામ કરી રહ્યો હતો. જુદી-જુદી જગ્યાએ ઑડિશન આપી રહ્યો હતો. ઍડ, ટીવી, થિયેટર, ફિલ્મો બધી જ જગ્યાએ પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. જે મુંબઈની નથી, આ ફીલ્ડમાં કોઈને ઓળખતી નથી, ફિલ્મો કેવી રીતે બને છે એ સમજવા માટે છેલ્લાં કેટલાંય વર્ષોથી જેના પ્રયત્ન ચાલુ છે એવી વ્યક્તિના જીવનમાં દરેક ઑડિશન તેની ‘હું ઍક્ટર બનીશ’ એ આશાને જીવંત રાખવા માટે ઑક્સિજનનું કામ કરતું હોય છે. તેની પાસે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના એક્સેલ એન્ટરટેઇનમેન્ટની એક ફિલ્મનું ઑડિશન આવે છે. વરુણ એ ઑડિશન આપે છે. પછી ફરી તેને બોલાવવામાં આવે છે. સતત ૨-૩ વાર અલગ-અલગ રીતે ચકાસીને વરુણને ઇન્ડસ્ટ્રીના ક્લાસિક સ્ટેટમેન્ટ ‘વી વિલ ગેટ બૅક’ સાથે છોડી દેવામાં આવે છે. વચ્ચે ખબર પડી કે તેને રિજેક્ટ કરવામાં આવ્યો છે. એ પછી ફરી એક વખત તેને બોલાવીને ઑડિશન થયાં અને લગભગ ૯ મહિના આ ઑડિશન-પ્રોસેસ ચાલી. એ પછી જુહુની એક હોટેલમાં તેને બોલાવવામાં આવ્યો જ્યાં તેને કહેવામાં આવ્યું કે ફિલ્મનું રીડિંગ કરી રહ્યા છીએ તો તમે આવી જાઓ. વરુણ ત્યાં પહોંચ્યો. ફિલ્મના લેખક વિપુલ વિજ અને તેમની સાથે લેખક-ડિરેક્ટર મૃગદીપ સિંહ લામ્બા પણ ત્યાં હાજર હતા. રીડિંગ પત્યું એટલે તેમણે વરુણને કહ્યું કે અમને તમારું ઑડિશન ગમ્યું છે, તમે આ પ્રોજેક્ટ પર અમારી સાથે કામ કરશો? આ ફિલ્મ હતી ‘ફુકરે’. આ ક્ષણ યાદ કરતાં વરુણ શર્મા કહે છે, ‘આ સાંભળીને હું રડી પડ્યો. આંખમાંથી આંસુ રોકાતાં જ નહોતાં. તેમણે મને પૂછ્યું કે ફિલ્મ તો એકદમ ફની છે તો તમે કેમ રડો છો? મેં તેમને કહ્યું કે ખબર નહીં, છેલ્લા કેટલા સમયથી હું આ સાંભળવા માટે તરસતો હતો. હું બધાને કહેતો કે મારે તમારી સાથે કામ કરવું છે પણ આજે કોઈ મને પૂછી રહ્યું છે કે તમે આ કામ કરશો? આ ક્ષણ મારા માટે ખૂબ મોટી હતી. આ ક્ષણને લીધે મારું જીવન ઑડિશનથી નરેશન સુધી પહોંચ્યું.’
કરીઅરની ગાડી
‘ફુકરે’ના ‘ચુચા’ તરીકે પ્રખ્યાત વરુણ શર્માની આ ફિલ્મના ત્રણ ભાગ બન્યા છે : ‘ફુકરે’, ‘ફુકરે રિટર્ન્સ’ અને ‘ફુકરે 3’. ત્રણેય ખાસ્સી હિટ મૂવી રહી હતી જેના માટે તેને કેટલાક અવૉર્ડ્‍સ પણ મળી ચૂક્યા છે. ‘ફુકરે’ સિવાય ‘કિસ કિસકો પ્યાર કરું’, ‘દિલવાલે’, ‘રાબતા’, ‘ખાનદાની શફાખાના’, ‘છિછોરે’, ‘રુહી’, ‘ચુત્ઝપા’, ‘સર્કસ’, ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’ જેવી જાણીતી ફિલ્મો વરુણે કરી છે. હવે તેની 
‘રાહુ-કેતુ’ આવી રહી છે. એ પણ એક કૉમેડી ફિલ્મ છે. વરુણ એક કૉમિક ઍક્ટર તરીકે પ્રખ્યાત છે. તેનું 
કૉમિક-ટાઇમિંગ અને સહજતા લોકોને ખૂબ ગમે છે પણ આ વિશે વાત કરતાં વરુણ કહે છે, ‘‘ફુકરે’ પહેલાં મેં કોઈ દિવસ કૉમેડી કરી જ નહોતી. થિયેટરમાં પણ મેં ખૂબ ગંભીર રોલ કરેલા, પરંતુ ‘ફુકરે’ના સેટ પર પહેલી જ વાર કૉમેડી કરી. મેં નહોતું વિચાર્યું કે આ કૅરૅક્ટરને આટલો પ્રેમ મળશે. લોકોને લાગ્યું કે ‘ચુચા’ તેમનો મિત્ર છે. આજે પણ લોકો એવા જ ભાવ સાથે મળે છે.’ 
‘ફુકરે’ના જ લેખક વિપુલ વિજ સાથે વરુણે એની નવી ફિલ્મ ‘રાહુ-કેતુ’ કરી છે. એક વખત સફળ કામ સાથે કરીએ તો બીજી વખત આંખ બંધ કરીને કામ કરી શકાય? આ પ્રશ્નના જવાબમાં વરુણ કહે છે, ‘આંખ બંધ જેવું તો નથી હોતું. પણ તમને ખબર હોય છે કે શું થવાનું છે. કયા પ્રકારનું લેખન હશે, તેમનું વિઝન શું છે, એ શું વિચારે છે એટલે તમને શું એક્સ્પેક્ટ કરવું એ ખબર હોય છે. ‘રાહુ-કેતુ’ ખૂબ સરસ વિષય પર બનેલી ફિલ્મ છે. ફક્ત કૉમેડી નથી પણ સમાજને એ કંઈક આપીને જાય એવી ફિલ્મ છે. એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર છે. ‘ફુકરે’ પછી લોકોની મારી પાસે અપેક્ષા એ છે કે હું આવીશ ફિલ્મ લઈને તો મજા જ આવશે. બે વર્ષ પછી મારી ફિલ્મ આવી રહી છે તો તેમની અપેક્ષા પર ખરો ઊતરી શકું એટલી જ મને મારી પાસેથી અપેક્ષા છે.’
તોફાની બાળપણ 
વરુણ મૂળ જલંધરનો છે. તે ખૂબ જ તોફાની બાળક હતો પણ ઘરમાં બધાનો અતિશય લાડકો. ભણતરની શરૂઆત જલંધરની જ લૉરેન્સ સ્કૂલથી થયેલી. તોફાન ઓછાં થાય એટલે પાંચમા ધોરણમાં તેને હૉસ્ટેલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ મમ્મી વગર કોઈ દિવસ ન રહેલા આ બાળકને હૉસ્ટેલમાં એક વર્ષ ખૂબ તકલીફ પડી. એ દિવસો યાદ કરતાં તે કહે છે, ‘પાંચમા ધોરણમાં ભણતા બાળક માટે ચૉકલેટ અને કુકીઝ કેટલી મહત્ત્વની હોઈ શકે? પણ મેં આખું એક વર્ષ એ ખાધી નહોતી કારણ કે હૉસ્ટેલમાં અમને ઘરે ફોન કરવા માટેની કૂપન મળતી. મને ત્યાંથી મળતી ચૉકલેટ અને કુકીઝ જેવી ટ્રીટ્સ હું મારા મિત્રોને આપીને તેમના ફોનની કૂપન એના બદલે એક્સચેન્જ કરી લેતો જેથી મને ઘરે ફોન પર વધુ સમય વાત કરવા મળે. હું ઘરને ખૂબ મિસ કરતો અને રડતો રહેતો. એટલે એક વર્ષ પછી મને પાછો ઘરે લઈ આવેલા. છઠ્ઠું ધોરણ મેં ફરી જલંધરમાં જ કર્યું. જોકે સાતથી ૧૦ ધોરણ માટે હું ફરી હૉસ્ટેલ જતો રહ્યો. એનું કારણ છે કે ઉંમર ઉંમરનું કામ કરે છે. એ સમયે મારા પેરન્ટ્સ ના પડતા હતા, પણ મેં તેમને મનાવેલા કારણ કે મારી એક ક્રશ એ જ સ્કૂલમાં શિફ્ટ થઈ ગયેલી. મને યાદ છે કે મેં તેમને મનાવેલા કે હું એકદમ સારી રીતે ભણીશ, પણ મને પ્લીઝ હૉસ્ટેલ મોકલો. જોકે ફરી હું ત્યાં ગયો તો ઘર મિસ કરતો, પણ હવે કયા મોઢે કહું કે મને પાછો બોલાવી લો? એટલે એટલાં વર્ષો તો ત્યાં પૂરાં કર્યાં જ. ઘરથી દૂર રહેનારા લોકોનું ઘર સાથેનું કનેક્શન વધુ મજબૂત હોય છે. એવું જ કંઈક મારી સાથે થયું છે.’ 
તોતડાપણું
નાનપણમાં ઘણાં વર્ષો સુધી વરુણ તોતડી ભાષામાં વાત કરતો હતો. તોતડાપણાને લીધે સ્કૂલમાં ફ્રેન્ડ્સ ખૂબ મસ્તી કરે, ચીડવે અને એ બાળકના મનમાં એ વાતો ઘર કરી જાય એવું બનતું હોય છે. તેના પર એ વાતની અસર થઈ કે નહીં એ વિશે વાત કરતાં વરુણ કહે છે, ‘આજે આ ટૉપિકને જે સેન્સિટિવિટી સાથે જોવામાં આવે છે એ સમયે આવું નહોતું. કદાચ બીજા છોકરાઓએ મારી મશ્કરી ઉડાડી પણ હશે પણ એ વાતને મેં ગંભીરતાથી ક્યારેય જોઈ નહોતી. તોતડાપણા માટે ઘરની બાજુમાં એક ENT ડૉક્ટર હતા તેમણે મને અમુક એક્સરસાઇઝ કહેલી જે હું કરતો હતો. આ સિવાય જે બાળકો તોતડાં હતાં એ બધાની અમારી એક ગૅન્ગ બની ગઈ હતી. અમે સાથે ખૂબ મસ્તી કરતા. લોકો અમારા પર હસતા તો અમે તેમના પર હસી લેતા એટલે આ વાતનો કોઈ ટ્રૉમા રહ્યો નથી. એ સમયે કોઈ પણ વાત સરળ અને સહજ હતી. કોઈ વાત ન ગમે તો પણ એને હસવામાં ઉડાવી દેતા. એને એટલું મહત્ત્વ નહોતા આપતા. આજે સમય જુદો છે. એ સમયે આવી બાબતો માટે કોઈ ખાસ ગંભીરતા નહોતી એટલે જ આ બાબતનો કોઈ ટ્રૉમા મનમાં ઘર કરી ગયો હોય એવું થયું નથી.’ 
માનો સપોર્ટ 
નાનપણમાં જલંધરમાં ‘બાઝીગર’ ફિલ્મ ટીવી પર વરુણે જોઈ હતી અને શાહરુખ ખાનને જોઈ-જોઈને તે ડાન્સ કરતો. પોતાના તોતડા અંદાજમાં ક્યુટ રીતે તે ‘તાલી-તાલી આંખે દોલે-દોલે દાલ’ (કાલી-કાલી આંખેં ગોરે-ગોરે ગાલ) ગીત ગાતો અને કહેતો કે મમ્મી, હું મોટો થઈને હીરો બનીશ. કોઈ પણ માની જેમ વરુણનાં મમ્મીએ પણ કહ્યું હતું કે હા બેટા, ચોક્કસ; પણ પહેલાં તું જમી લે. એનાં કેટલાં વર્ષો પછી બારમું ધોરણ પાસ કર્યા પછી વરુણે ફરી કહ્યું કે મમ્મી, મારે તો ઍક્ટર જ બનવું છે. ત્યારે વગર કોઈ સંકોચ રાખ્યે મમ્મીએ કહ્યું કે ચોક્કસ, હું તારી સાથે છું. એ સમયને યાદ કરતાં વરુણ કહે છે, ‘એ સમયે એવા કેટલાય લોકો હતા જેમણે મમ્મીને કહ્યું કે તમે આ ખોટું કરો છો, આ લાઇન સારી નથી, એમાં તે કંઈ નહીં કમાઈ શકે, ઍક્ટિંગ પણ કોઈ પ્રોફેશન છે? આ બધા વચ્ચે મને એક પણ પ્રશ્ન પૂછ્યા વગર મારા પર પૂરેપૂરો વિશ્વાસ રાખીને મમ્મીએ મને આગળ વધવા દીધો. ફક્ત આર્થિક સપોર્ટ નહીં, માનસિક રીતે પણ દરેક પડાવે તે મારો મજબૂત સ્તંભ બનીને ઊભી હતી જેના ટેકે હું આજે પણ ઊભો છું. એક હોય સપોર્ટ અને બીજો હોય નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ સપોર્ટ. તેણે હંમેશાં મને એ આપ્યો છે. ભગવાને પપ્પાને ખૂબ જલદી બોલાવી લીધા તેમની પાસે. મારી એક બહેનનું પણ મૃત્યુ થઈ ગયું. અમે બધાએ ઘણું સહન કર્યું છે, પણ અમારા બધામાં મમ્મીએ સૌથી વધુ સહન કર્યું છે. આજ મૈં જો કુછ ભી હૂં વો મેરી માં કી દુઆઓં કી વજહ સે હી હૂં. મારી માએ મારા બધા જ આર્ટિકલ કટ કરીને સાચવ્યા છે. તે જલંધરની ફાઇન આર્ટ્સ કૉલેજમાં હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યરત હતાં અને હવે રિટાયર થયા પછી પણ મારી દરેક ફિલ્મનું સ્ક્રીનિંગ તેઓ જલંધર જઈને કરે છે અને તેમના બધા મિત્રોને બોલાવીને ફિલ્મ દેખાડે છે. નિવૃત્ત થયા પછી હવે તે અહીં જ મારી સાથે રહે છે. મારી એક બહેન છે જે મુંબઈ પરણી છે. એટલે તે તેના પરિવાર સાથે અહીં જ રહે છે. હું પહેલાં હૉસ્ટેલમાં રહ્યો, પછી ચંડીગઢ અને એ પછી મુંબઈ. તો અત્યારે બેસ્ટ સમય છે, કેમ કે આટલાં વર્ષો પછી હું અને મમ્મી સાથે રહીએ છીએ.’ 
વરુણની ઉંમર ૩૫ વર્ષની છે. લગ્નના પ્લાન શું છે એ પ્રશ્નનો જવાબ આપતાં તે કહે છે, ‘લગ્ન ચોક્કસ કરવાં છે, પણ ઉતાવળ નથી. બધું એના સમયે થઈ જશે.’
ભણતર કેવું?
બારમા ધોરણ પછી વરુણ ચંડીગઢ ગયો અને ત્યાંની મીડિયા, એન્ટરટેઇનમેન્ટ ઍન્ડ ફિલ્મ ટેક્નૉલૉજી ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્‍મિશન લઈ લીધું. ત્યાં જવાનું એક બીજું કારણ એ હતું કે એ કૉલેજ તેના ઘરેથી અઢી-ત્રણ કલાકને રસ્તે હતી એટલે દર શનિ-રવિવારે તે ઘરે જઈ શકે એ સવલત તેને મનગમતી હતી. ભણતરની સાથે-સાથે તેણે થિયેટર જૉઇન કરી લીધું. દિવસે કૉલેજ અને રાત્રે થિયેટર. એમાં તેણે થિયેટરના પાટ ઉપાડવાથી લઈને બૅકસ્ટેજનાં બધાં જ કામ કર્યાં, કારણ કે થિયેટર શીખવાની તો આ જ રીત છે. ધીમે-ધીમે તેને એક-બે લાઇન બોલવાવાળા રોલ મળવાનું શરૂ થયું. એ પછી ‘અશ્વથામા’ અને ‘અંધા યોગ’ જેવાં ગંભીર નાટકોમાં તેણે કામ કર્યું. એ સમયને યાદ કરતાં વરુણ કહે છે, ‘પંજાબના એક લાઇન પ્રોડ્યુસરની એક કંપની હતી, બૉલીવુડથી જે લોકો પંજાબ શૂટિંગ માટે જતા તેમનું શૂટિંગ મૅનેજ એ કંપની કરતી હતી. ફિલ્મો કઈ રીતે બને છે એ તો ખબર પડે એવા આશયથી એ કંપનીમાં હું જોડાઈ ગયો. એમાં રિક્વાયરમેન્ટનું નાનું-સૂનું કામ કરવાના બહાને એક પ્રોડક્શન-રનર તરીકે કામ કરીને મને શાહિદ કપૂરની ફિલ્મ ‘મૌસમ’ અને ઓમ પુરીની ‘ઈસ્ટ ઇઝ ઈસ્ટ’ ફિલ્મનું નિર્માણ જોવા-સમજવાનો મોકો મળ્યો. ગ્રૅજ્યુએશન જેવું પત્યું કે ઇન્ટર્નશિપ શરૂ થઈ. ઇન્ટર્નશિપ તો મુંબઈમાં જ કરીશ એવું નક્કી કરીને મેં બૅગ ઉપાડી અને મુંબઈ આવી ગયો. ત્યારે હું માત્ર ૨૧ વર્ષનો હતો.’ 
કાસ્ટિંગનો અનુભવ
મુંબઈ આવીને વરુણને નંદિની શ્રીકાંત નામનાં કાસ્ટિંગ ડિરેક્ટર હેઠળ ઇન્ટર્નશિપ કરવાનો ચાન્સ મળ્યો. એ સમયે તેઓ આમિર ખાનની ‘તલાશ’ ફિલ્મનું કાસ્ટિંગ કરી રહ્યાં હતાં. એ વિશે વાત કરતાં વરુણ કહે છે, ‘મને ઍક્ટર બનવું હતું પણ બહારથી મુંબઈ આવેલા છોકરાને કોણ કામ આપવાનું હતું? વળી કામ મેળવવા માટે કામની પ્રોસેસ તો સમજવી જ પડે. એટલે મને લાગ્યું કે કાસ્ટિંગમાં જો કામ કરીશ તો કઈ રીતે કાસ્ટ થઈ શકાય એ તો ખબર પડી જ જશે, પછી હું મારા માટે કોશિશ કરીશ. ૬ મહિના ઇન્ટર્નશિપ કર્યા પછી મને નંદિની શ્રીકાંતને ત્યાં જ જૉબ મળી ગઈ. મેં એ પછી બે વર્ષ ‘યે જવાની હૈ દીવાની’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘ધ રિલક્ટન્ટ ફન્ડામેન્ટલિસ્ટ’ જેવી ઘણી ફિલ્મોના કાસ્ટિંગમાં કામ કર્યું. એ સમય દરમિયાન મેં ખુદ ઘણાં ઑડિશન આપ્યાં. ઍડ, નાની ફિલ્મો, સિરિયલો, ગીતો જે કામ મળે એ બધી જગ્યાએ મેં ઑડિશન આપ્યાં. થોડુંઘણું નાનું-સૂનું કામ પણ મળતું રહેતું. એ સમયે મનમાં સતત એ ચાલતું કે મને કામ કરવું છે; બસ, તક મળી જાય. મારી જેમ કેટલાય ઍક્ટર બસ એક તકની રાહ જોતા હોય છે. હું જ્યારે સમય મળ્યે જલંધર પોતાના મિત્રોને મળવા જતો તો તે પૂછતા કે ૬ મહિના શું કર્યું. હું કહેતો કે એક ઍડ કરી. એ સમયે તેઓ પૂછતા કે ઍડનું શૂટિંગ તો એક જ દિવસમાં પતી ગયું હશેને? તો બાકીના ૬ મહિના શું કર્યું? તો હું તેમને સમજાવી ન શકતો કે ૬ મહિના આ એક ઍડ શોધવામાં ગયા. અહીં કામ શોધવું પણ એક કામ છે એ લોકોને સમજાવવું અઘરું છે.’ 



જલદી ફાઇવ
 પ્રથમ પ્રેમ - ફિલ્મો. હું એક ઍક્ટર છું પણ ફિલ્મોને એક દર્શકની જેમ ચાહું છું. નાનપણથી જ ફિલ્મો પ્રત્યે અપાર પ્રેમ રહ્યો છે મને.
 શોખ - મને મ્યુઝિક સાંભળવાનો ખૂબ શોખ છે. ખાસ કરીને પંજાબી મ્યુઝિક. એમાં પણ મીનિંગફુલ સૉન્ગ્સ મને વધુ ગમે છે. એટલે જ કદાચ કવ્વાલીનો ચાહક હું પહેલેથી રહ્યો છું. 
 યાદગાર ક્ષણ - હું નાનપણમાં ‘બાઝીગર’ જોઈને ઍક્ટર બનીશ એમ કહેતો હતો એ વ્યક્તિ સાથે હું કામ કરી શક્યો. શાહરુખ સર સાથે મેં ‘દિલવાલે’ કરી. આનાથી મોટું શું હોઈ શકે કોઈ વ્યક્તિ માટે કે જે તમારા ઇન્સ્પિરેશન છે તે તમારી સાથે કામ કરી રહ્યા છે. 
 બકેટ લિસ્ટ - મને ટ્રાવેલ કરવું ખૂબ ગમે છે. હું આજ સુધીમાં ૨૦-૨૨ દેશો ફરી ચૂક્યો છું અને મને હજી વધુ ફરવું છે. દુનિયા જોવી છે. આમ મારા બકેટ લિસ્ટમાં ટ્રાવેલ મુખ્ય છે. 
 ડર - માણસ તરીકે તમને જુદા-જુદા ડર હોય, જીવનમાં પણ એક ઍક્ટર તરીકે સૌથી મોટો ડર એ હોય છે કે લોકોની અપેક્ષાએ તમે ખરા ઊતરી શકશો કે નહીં. એને તમે નર્વસનેસ કહો કે ડર, એ રહે છે. જનતા જનાર્દન જે તમને પ્રેમ આપે છે એ પ્રેમને ટકાવી રાખવાની જે મહેનત અમે લોકો કરીએ છીએ એમાં ઊણપ ન આવે એ જીવનની પ્રાથમિકતા છે.


અદ્ભુત ગુણ  
વરુણ જ્યારે નાનો હતો ત્યારથી તે મૂવી-બફ હતો. મન પડે ત્યારે ડાયલૉગ બોલ્યા કરતો. એક કિસ્સામાં તે જણાવે છે કે એ સમયે અમારી ગાડી છબીલાલ ભૈયા ચલાવતા જેમની સામે હું ડાયલૉગ્સ બોલતો. આ કિસ્સામાં તે એમ પણ કહી શક્યો હોત કે હું મારા ડ્રાઇવર સામે ડાયલૉગ્સ બોલતો, પણ તેણે એવું ન કહ્યું કારણ કે વરુણના ઘરમાં જે પણ લોકો કામ કરે છે એ બધાને વરુણ તેમના નામ સાથે ભૈયા, દીદી કે મૌસી જેવાં સંબોધન જોડીને જ બોલાવે છે. તેમના જન્મદિવસે ઘરના કોઈનો જન્મદિવસ હોય એવી ઉજવણી થાય છે. આ વાતનું શ્રેય પણ મમ્મીને આપતાં વરુણ શર્મા કહે છે, ‘તમારા માટે જે લોકો કામ કરે છે તેમને અઢળક પ્રેમ અને માન આપવું એ સંસ્કાર પણ મને મા તરફથી જ મળેલા છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2026 09:18 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK