રામાયણની સીતા એટલે દીપિકા ચિખલિયાએ ફરીથી કર્યાં રામલલાનાં દર્શન; મુંબઈ આવી ગયો શાહરુખ ખાન અને વધુ સમાચાર
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રાહાના નામનું ટી-શર્ટ પહેર્યું રણબીરે
રણબીર કપૂરનો એક ફોટો વાઇરલ થયો છે જેમાં તેણે દીકરી રાહાના નામનું ટી-શર્ટ પહેર્યું છે. આ ફોટો ‘રામાયણ’ના સેટ પરનો છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેણે આ ટી-શર્ટ પહેર્યું હતું. આ ફોટો કૉસ્ચ્યુમ-ડિઝાઇનર રિમ્પલ નરુલાએ શૅર કર્યો છે. તેણે પહેરેલા ટી-શર્ટ પર હિન્દીમાં રાહા લખ્યું છે. તેમ જ નામની પાછળ પાન્ડા દેખાઈ રહ્યો છે. આ ફોટો ‘રામાયણ’ના શૂટિંગના ૨૫મા દિવસનો છે.
ADVERTISEMENT
OTT પર શું આવી રહ્યું છે?
કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનનની ‘ક્રૂ’ આજે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ ૨૯ માર્ચે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવની વેબ-સિરીઝ ‘પંચાયત 3’ ૨૮ મેએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. રણદીપ હૂડાની ‘સ્વાતંયવીર સાવરકર’ ૨૮ મેએ ZEE5 પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ૨૨ માર્ચે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. નેહા શર્મા, પીયૂષ મિશ્રા અને અક્ષય ઑબેરૉયની વેબ-સિરીઝ ‘ઇલ્લીગલ 3’ જિયો સિનેમા પર ૨૯ મેએ રિલીઝ કરવામાં આવશે.
આલિયા પર ફિદા ઍકૅડેમી અવૉર્ડ્સ : ઘર મોરે પરદેસિયા ગીતને તેમણે સોશ્યલ મીડિયા પર કર્યું પોસ્ટ

આલિયા ભટ્ટની ‘કલંક’ ફિલ્મના ‘ઘર મોરે પરદેસિયા’ ગીતને ઑસ્કર અવૉર્ડ્સનું આયોજન કરતી ઍકૅડેમીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું. એથી આલિયાની ખુશી ક્યાંય સમાતી નથી. આલિયા માટે આ ગર્વની ક્ષણ છે. આલિયાએ પણ એ પોસ્ટને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી. ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘કલંક’ ફિલ્મને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં સંજય દત્ત, વરુણ ધવન, સોનાક્ષી સિંહા અને માધુરી દીક્ષિત નેને પણ જોવા મળ્યાં હતાં.
વાઇરલ થયેલું ગજગામિની વૉકને ફ્રાન્સમાં રીક્રીએટ કર્યો અદિતિએ

અદિતિ રાવ હૈદરીએ ફ્રાન્સમાં ચાલી રહેલા ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં વાઇરલ થયેલું ગજગામિની વૉક રીક્રીએટ કર્યું હતું. સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં અદિતિએ બિબ્બોજાનનું પાત્ર ભજવ્યું છે. આ શોના ગીત ‘સૈંયા હટો જાઓ’માં તેણે ગજગામિની વૉક કર્યું હતું. ગજગામિની વૉક માદા હાથી પરથી પ્રેરિત છે. ફીમેલ હાથી મેલ હાથીને આકર્ષવા માટે એની નૉર્મલ સ્ટાઇલથી અલગ સેન્સ્યુઅસ સ્ટાઇલમાં ચાલે છે. આથી એ ચાલવાની સ્ટાઇલને ગજગામિની વૉક કહેવામાં આવે છે. આ વૉકને ખૂબ જ ગ્રેસફુલ અને સેન્સ્યુઅસ ગણવામાં આવ્યું છે. અદિતિ પણ આ ગીતમાં પુરુષને આકર્ષવા માટે ગજગામિની વૉક કરતી જોવા મળી હતી અને સોશ્યલ મીડિયામાં આ ખૂબ જ ટ્રેન્ડમાં છે.
મુંબઈ આવી ગયો શાહરુખ ખાન


લૂ લાગવાને કારણે હૉસ્પિટલમાં ઍડ્મિટ થયેલા શાહરુખ ખાનને ડિસ્ચાર્જ મળતાં તે ગઈ કાલે મુંબઈ આવી ગયો હતો. તેને છત્રીમાં સંતાડીને કારમાં બેસાડવામાં આવ્યો હતો. સુહાના ખાન અને અબરામ પણ તેની સાથે જોવા મળ્યાં હતાં. શાહરુખને ડીહાઇડ્રેશનને કારણે અમદાવાદમાં કુસુમ ધીરજલાલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની પ્લે-ઑફ મૅચ માટે શાહરુખ બે દિવસ માટે અમદાવાદ આવ્યો હતો. ગરમીને કારણે તેને ડીહાઇડ્રેશન થઈ ગયું હોવાથી તેની પત્ની ગૌરી ખાન તેની પાસે પહોંચી ગઈ હતી. તેઓ ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ આવ્યાં હતાં. તેને આરામ કરવાની સલાહ આપી હતી. શાહરુખની મૅનેજરે કહ્યું હતું કે તે હવે સ્વસ્થ છે. જુહી ચાવલાએ પણ કહ્યું હતું કે શાહરુખ ખાન હવે સ્વસ્થ છે અને તે ફાઇનલ મૅચમાં પણ હાજરી આપશે.
રામાયણની સીતા એટલે દીપિકા ચિખલિયાએ ફરીથી કર્યાં રામલલાનાં દર્શન

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના અવસરને દેશ-વિદેશમાં માણવામાં આવ્યો હતો. મંદિરમાં રામલલાનાં દર્શન કરવા માટે લોકો આજે પણ પહોંચે છે. ઉદ્ઘાટનના દિવસે વિવિધ ક્ષેત્રના લોકો હાજરી આપીને એના સાક્ષી બન્યા હતા. એ વખતે ‘રામાયણ’ સિરિયલમાં રામ, લક્ષ્મણ અને સીતાની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ, સુનીલ લાહિરી અને દીપિકા ચિખલિયા પણ પહોંચ્યાં હતાં. હવે ફરીથી અયોધ્યામાં રામલલાનાં દર્શન દીપિકાએ કર્યાં છે. મંદિરની મુલાકાતની નાનકડી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકા ચિખલિયાએ કૅપ્શન આપી, ‘ફરી એક વખત અયોધ્યા પહોંચી છું. હું જેટલી વખત આવી, અદ્ભુત અનુભવ થયો છે. જય સિયારામ.’
ડાયમન્ડ જ્વેલરી અને સ્લીવલેસ ગાઉનમાં ગજબની ગૉર્જિયસ દેખાઈ પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં ઇટલીના રોમમાં બુલ્ગારીની ઇવેન્ટમાં સામેલ થઈ છે. બુલ્ગારી એની ૧૪૦મી ઍનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે અને એના માટે ભવ્ય ઇવેન્ટ યોજવામાં આવી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ એ ઇવેન્ટમાં ૧૪૦ કૅરૅટનો નેકલેસ પહેર્યો હતો. હવે પોતાના નવા ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. એમાં તેણે બુલ્ગારીનો ડાયમન્ડ નેકલેસ, ડાયમન્ડ ઇઅર-રિંગ્સ અને બ્રેસલેટ પહેર્યાં છે. આ ફોટો જોઈને તેનો અમેરિકન સિંગર હસબન્ડ નિક જોનસ પણ ફિદા થઈ ગયો છે.


