અદા શર્માએ કહ્યું કે ‘મને પણ અન્ય યુવતીઓ જેવી ફીલિંગ આવી રહી છે જેનો નંબર અને મૉર્ફ્ડ ઇમેજિસ લીક થાય છે

અદા શર્મા
‘ધ કેરલ સ્ટોરી’માં જોવા મળતી અદા શર્માએ જણાવ્યું છે કે તેનો ફોન-નંબર લીક થયો છે અને તેને ધમકીઓ મળી રહી છે. સાથે જ તેનો મૉર્ફ કરેલો ફોટો પણ સોશ્યલ મીડિયામાં લીક થયો છે. તેને અચાનકથી અઢળક કૉલ્સ અને મેસેજિસ આવવા માંડ્યા છે. એથી તેને શંકા ગઈ છે કે તેનો નંબર લીક થયો છે. એ વ્યક્તિ વિરુદ્ધ તે કાયદાકીય પગલાં લેવાની છે. એ વિશે અદા શર્માએ કહ્યું કે ‘મને પણ અન્ય યુવતીઓ જેવી ફીલિંગ આવી રહી છે જેનો નંબર અને મૉર્ફ્ડ ઇમેજિસ લીક થાય છે. એ વ્યક્તિની હલકી માનસિકતા દેખાડે છે જે આટલો નીચે પડી જાય છે અને આવું કરવામાં તેને મજા આવે છે. મને ‘ધ કેરલ સ્ટોરી’નો એક સીન યાદ આવી ગયો છે જેમાં એક યુવતીનો ફોન-નંબર લીક કરીને જાહેરમાં તેને હેરાન કરવામાં આવે છે. જે વ્યક્તિએ મારો નંબર લીક કર્યો છે તે અન્ય પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલો હશે એવું પોલીસને જાણવા મળ્યું છે. એ વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકેલીને મારે તો માત્ર નંબર જ બદલવાનો રહેશે.’