રવિ શાસ્ત્રીની આ શરતને કારણે તેની અને અમ્રિતા સિંહની રિલેશનશિપ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું
રવિ શાસ્ત્રીની અને અમ્રિતા સિંહની ફાઇલ તસવીર
અમ્રિતા સિંહે ૧૯૮૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેતાબ’થી બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મની સફળતા પછી ૧૯૮૬ના સમયગાળામાં તેનું નામ ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે સંકળાયું હતું અને મૅગેઝિન ‘સિનેબ્લિટ્ઝ’ના કવર પર તેમની નિકટતાના પુરાવા જેવી તસવીર છપાઈ હતી. એ સમયે રવિ શાસ્ત્રી અને અમ્રિતા સિંહ ગળાડૂબ પ્રેમમાં હતાં અને લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં, પરંતુ એક શરતે તેમના સંબંધને તોડી નાખ્યો હતો.
રવિ શાસ્ત્રી અને અમ્રિતા સિંહની પહેલી મુલાકાત મુંબઈની એક રેસ્ટોરાંમાં થઈ હતી. રિપોર્ટ પ્રમાણે શરૂઆતમાં તેઓ ૧૦ મિનિટ સુધી વાત પણ નહોતાં કરી શક્યાં, કારણ કે રવિ શાસ્ત્રી ખૂબ શરમાઈ રહ્યો હતો અને અમ્રિતાએ જ વાતની શરૂઆત કરી હતી. જોકે પછી રવિ શાસ્ત્રીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે કોઈ અભિનેત્રીને પત્ની બનાવવા માગતો નથી અને તેના પાર્ટનરની પ્રાથમિકતા ઘર સંભાળવાની હોવી જોઈએ. અમ્રિતા એ સમયે કરીઅરની ટોચ પર હતી અને તેને રવિ શાસ્ત્રીની આ શરત પસંદ નહોતી પડી. અમ્રિતાએ જણાવ્યું કે તે થોડાં વર્ષો પછી હાઉસવાઇફ બની શકે છે, પણ રવિ એ બાબતે સમાધાન કરવા તૈયાર નહોતો. આખરે આ શરતને કારણે તેમની રિલેશનશિપ લગ્ન સુધી પહોંચી નહોતી શકી.


