ફૅન્ટમ સ્ટુડિયોઝનો દાવો હતો કે ‘ક્વીન’ સાથે સંકળાયેલા ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સમાં એની પણ પચાસ ટકા ભાગીદારી છે. ફૅન્ટમ સ્ટુડિયોઝે આરોપ લગાવ્યો હતો કે એની પરવાનગી લીધા વગર કંગના અને જિયોસ્ટાર ઇન્ડિયાપ્રાઇવેટ લિમિટેડે ‘ક્વીન ફૉરેવર’ની જાહેર.
કંગના રનૌત
કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ક્વીન ફૉરેવર’ની રિલીઝ પર રોક લગાવવા માટે ફૅન્ટમ સ્ટુડિયોઝે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈ કોર્ટે આ અરજી ફગાવી દઈને કંગનાની ફિલ્મની રિલીઝ પર વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આમ ૨૦૧૪માં આવેલી કંગનાની હિટ ફિલ્મ ‘ક્વીન’ના સહનિર્માતા ફૅન્ટમ સ્ટુડિયોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને કોર્ટમાંથી રાહત મળી નથી.
આ સમગ્ર ઘટનાક્રમની વિગતો જોઈએ તો ૨૦૧૪માં આવેલી કંગનાની ફિલ્મ ‘ક્વીન’નું નિર્માણ ફૅન્ટમ સ્ટુડિયોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. બીજી તરફ તાજેતરમાં કંગનાએ જિયોસ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને ‘ક્વીન ફૉરેવર’ ફિલ્મ પર કામ શરૂ કર્યું હતું. આ પછી વિવાદ શરૂ થયો હતો. ફૅન્ટમ સ્ટુડિયોઝનો દાવો હતો કે ‘ક્વીન’ સાથે સંકળાયેલા તમામ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સમાં એની પણ પચાસ ટકા ભાગીદારી છે. ફૅન્ટમ સ્ટુડિયોઝે આરોપ લગાવ્યો હતો કે એની પરવાનગી લીધા વગર કંગના અને જિયોસ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ‘ક્વીન ફૉરેવર’ની જાહેરાત કરી દીધી અને એના પર કામ પણ શરૂ કરી દીધું હતું. સ્ટુડિયોઝનો એવો પણ આરોપ હતો કે એણે ક્યારેય ‘ક્વીન’ની સીક્વલ બનાવવા કે તેના આધારે કોઈ અન્ય કામ કરવા માટે સંમતિ આપી નહોતી.
ADVERTISEMENT
જોકે પછી જિયોસ્ટારે એક નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે ‘ક્વીન ફૉરેવર’ એ ‘ક્વીન’ની સીક્વલ નથી પણ એક નવી ફ્રેશ સ્ટોરી છે જેનો મૂળ ફિલ્મ ‘ક્વીન’ સાથે કોઈ સંબંધ નથી.
આ પછી આ વર્ષે એપ્રિલમાં જિયોસ્ટારને ફૅન્ટમ સ્ટુડિયોઝ તરફથી નોટિસ પણ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ ફૅન્ટમ સ્ટુડિયોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે જિયોસ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે ૨૫૦ કરોડ રૂપિયાનો દાવો માંડ્યો હતો. સાથે જ જિયોસ્ટારની ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગણી કરતી અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જોકે હવે બૉમ્બે હાઈ કોર્ટે અરજી ફગાવી દેતાં ફૅન્ટમ સ્ટુડિયોઝને ઝટકો લાગ્યો છે. કોર્ટે ફિલ્મની રિલીઝ પર વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કર્યો છે.
