અરજદારે દાવો કર્યો છે કે સોશ્યલ મીડિયા પર કોઈ પણ પ્રકારના ફિલ્ટર વગર જ ઍડલ્ટ સામગ્રી આપવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)
સુપ્રીમ કોર્ટે ઑનલાઇન અશ્લીલ કન્ટેન્ટના સ્ટ્રિમિંગ પર અંકુશ મૂકવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ મામલે કેન્દ્ર સરકાર તેમ જ ૯ OTT તેમ જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને નોટિસ ફટકારીને તેમનો જવાબ માગ્યો છે.
જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યૉર્જ મસીહની બેન્ચે જણાવ્યું છે કે ‘આ અરજી ગંભીર ચિંતા પ્રેરે છે અને કેન્દ્ર સરકારે આ મામલે કોઈ નક્કર પગલાં ભરવાની જરૂર છે. આ મામલો કારોબારી કે પછી કાયદાકીય બાબતોના અધિકારક્ષેત્રનો છે. આમ પણ અમારા પર આરોપ મૂકવામાં આવે છે કે અમે કારોબારીના અધિકારક્ષેત્રમાં દખલગીરી કરીએ છીએ છતાં અમે નોટિસ આપી રહ્યા છીએ.’
આ મામલામાં કેન્દ્ર તરફથી દલીલો રજૂ કરી રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે OTT અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કન્ટેન્ટના મામલે કેટલાંક રેગ્યુલેશન પહેલાંથી જ છે અને સરકાર નવા નિયમ લાગુ કરવા વિશે વિચારણા પણ કરી રહી છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ હતી જેમાં સોશ્યલ મીડિયા અને OTT પર અશ્લીલ વિડિયો અને તસવીરો સહિતની સામગ્રી પર રોક લગાવવાની માગણી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સોશ્યલ મીડિયા અને OTT પ્લૅટફૉર્મ પર આવતી અશ્લીલ સામગ્રીની બાળકો અને સગીરો સહિતના લોકો પર ગંભીર અસર પડી રહી છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવે અને સાથે જ નૅશનલ કન્ટેન્ટ કન્ટ્રોલ ઑથોરિટીની સ્થાપના કરવામાં આવે. આ અરજીમાં અરજદારે દાવો કર્યો છે કે સોશ્યલ મીડિયા પર કોઈ પણ પ્રકારના ફિલ્ટર વગર જ ઍડલ્ટ સામગ્રી આપવામાં આવે છે જેને કારણે દેશના યુવાઓ અને યુવા અવસ્થામાં પ્રવેશી રહેલા સગીરોના મગજ પર ગંભીર અસર પડે છે.
કોને-કોને મળી છે નોટિસ?
ADVERTISEMENT
- ઉલ્લુ ડિજિટલ
- નેટફ્લિક્સ
- ઍમૅઝૉન પ્રાઇમ
- મુબી
- ALT બાલાજી
- X કૉર્પ
- ગૂગલ
- મેટા ઇન્ક
- ઍપલ


