સંજય કપૂરની બહેન મંદિરા કપૂરે કર્યો મોટો ખુલાસો
સંજય કપૂરની બહેન મંદિરા કપૂરે કર્યો મોટો ખુલાસો
કરિશ્મા કપૂર અને તેના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરે ૨૦૧૬માં ડિવૉર્સ લઈને અલગ પડી જવાનું પસંદ કર્યું હતું. સંજય કપૂરે ડિવૉર્સ પછી પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યાં હતાં. હવે સંજય કપૂરના આકસ્મિક અવસાન પછી તેના વારસાની લડાઈ ચાલી રહી છે ત્યારે સંજય કપૂરની બહેન મંદિરા કપૂરે મોટો ખુલાસો કર્યો છે. હાલમાં એક પૉડકાસ્ટમાં મંદિરાએ દાવો કર્યો છે કે સંજય અને કરિશ્માનાં લગ્ન તૂટ્યાં એમાં પ્રિયા સચદેવનો મોટો હાથ હતો.
મંદિરાએ પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘મને બહુ પહેલાં ખબર પડી ગઈ હતી કે સંજય અને પ્રિયા વચ્ચે નિકટતા વધી રહી છે. કરિશ્મા અને સંજય તેમના જીવનના બહુ સારા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમને બે બાળકો પણ હતાં અને સંજય પોતાનાં બાળકોને લઈને બહુ ઇમોશનલ પણ હતો. જોકે તેના જીવનમાં પ્રિયાના આવવાથી બધું બદલાઈ ગયું હતું. કોઈક પરિવારમાં આવીને એમાં તિરાડ પાડવાનું વર્તન ખોટું છે. થોડા સમય પહેલાં માતા બનેલી મહિલાનું જીવન બગાડવું અને તેનાં લગ્ન તોડવાં એ કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય ન કહી શકાય. કરિશ્મા આવા વર્તનને લાયક નહોતી.’
ADVERTISEMENT
પરિવારના પ્રિયા સાથેના સંબંધો વિશે મંદિરાએ કહ્યું હતું કે ‘મારા પિતાએ પણ સંજય અને પ્રિયાના સંબંધને ક્યારેય મંજૂરી નહોતી આપી. તેઓ સ્પષ્ટ કહેતા કે આ સંબંધ ખોટો છે અને આને આગળ વધારવો ન જોઈએ. મેં અને મારી બહેને તો ૨૦૧૭માં થયેલાં સંજય-પ્રિયાનાં લગ્નમાં હાજરી પણ નહોતી આપી. અમે સ્પષ્ટ હતાં કે આ સંબંધનું સમર્થન નહીં કરીએ. મારા પિતાએ સ્પષ્ટ કહ્યું હતું કે આ લગ્નથી પરિવારમાં વધુ મુશ્કેલીઓ આવશે. કરિશ્મા મારી બહુ સારી મિત્ર હતી, પણ જ્યારે તેનો અને સંજયનો સંબંધ તૂટ્યો ત્યારે હું કરિશ્મા સાથે ઊભી ન રહી શકી એનો મને આજે પણ પસ્તાવો થાય છે.’


