આ ફિલ્મ સોમનાથ મંદિરને આક્રમણખોરોથી બચાવવા માટે લડનાર અને પોતાના પ્રાણની આહુતિ આપનાર લડવૈયાઓની સ્ટોરી છે
ફિલ્મ ‘કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથ’ પોસ્ટર
સુનીલ શેટ્ટીની આગામી ફિલ્મ ‘કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથ’ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. હાલમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ફિલ્મના પ્રોડ્યુસર કનુ ચૌહાણે આ નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી સિવાય સૂરજ પંચોલી, વિવેક ઑબેરૉય અને આકાંક્ષા શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મ ૧૬ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે.
પોતાના નિર્ણય વિશે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યુસરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં મારા ફૉરેન ડિસ્ટ્રિબ્યુટર્સને કહી દીધું છે કે કોઈ પણ કિંમતે મારી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ ન થવી જોઈએ. હું નથી ઇચ્છતો કે પહલગામ અટૅક પછી મારી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થાય. આ નિર્ણય પહલગામ હુમલાનો ભોગ બનેલા લોકો પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ છે. આ મારો નૈતિક અભિગમ છે.’
ADVERTISEMENT
‘કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથ’માં ૧૪મી સદીમાં સોમનાથ મંદિરને આક્રમણખોરોથી બચાવવા માટે લડનાર અને પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર લડવૈયાઓની પ્રેરક સ્ટોરી છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટીએ યોદ્ધા વેગડાજીનો અને સૂરજ પંચોલીએ રાજકુમાર હમીરજી ગોહિલનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર ૨૯ એપ્રિલે મુંબઈમાં લૉન્ચ થશે.


