સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દીકરીની દીકરી માટે મેં ફિટનેસ-રૂટીન બદલી નાખ્યું છે. હાલમાં સુનીલે એક ઇન્ટરવ્યુમાં પોતાના નાના બનવાના અનુભવ વિશે વાત કરી.
સુનીલ શેટ્ટી, અથિયા શેટ્ટી, કે. એલ. રાહુલ અને ઇવારા
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ હાલમાં દીકરી ઇવારાને જન્મ આપ્યો છે. દીકરી અથિયા અને જમાઈ ક્રિકેટર કે. એલ. રાહુલના ઘરે સંતાનનું આગમન થતાં નાના સુનીલ શેટ્ટીના જીવનમાં બહુ પરિવર્તન આવી ગયું છે. હાલમાં સુનીલે એક ઇન્ટરવ્યુમાં પોતાના નાના બનવાના અનુભવ વિશે વાત કરી. સુનીલે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘હું હવે મારો શક્ય એટલો વધારે સમય દોહિત્રી સાથે પસાર કરવા ઇચ્છું છું અને આ માટે મેં મારા ફિટનેસ-રૂટીનમાં પણ ફેરફાર કર્યો છે. હું ઇચ્છું છું કે જીવતો રહું ત્યાં સુધી તેની સાથે ઍક્ટિવ લાઇફ પસાર કરી શકું.’
ઇવારાના જન્મ પછી પોતાના જીવનમાં આવેલા ફેરફાર વિશે વાત કરતાં સુનીલે જણાવ્યું કે ‘હું હંમેશાં ઇવારાની આસપાસ રહેવા ઇચ્છું છું. હું જ્યારે કામ કરતો હોઉં ત્યારે દરરોજ મારો ફોન ચેક કરતો રહું છું અથવા ઘરે દોડી જાઉં છું. સૌથી ખાસ વાત તો એ છે કે તે ટૂંક સમયમાં મારા જ બિલ્ડિંગમાં શિફ્ટ થવાની છે. હું તેની સૌથી વધુ રાહ જોઈ રહ્યો છું. ઇવારા સાથે શક્ય એટલો વધારે સમય પસાર કરવા માટે હું મારા વર્કઆઉટ શેડ્યુલમાં પણ ફેરફાર કરી રહ્યો છું. હવે હું સવારે સાડાછ વાગ્યા સુધીમાં મારાં તમામ દૈનિક કામ આટોપી લઉં છું જેથી ઘરના બીજા લોકો હજી આરામ કરતા હોય ત્યારે હું નાના તરીકેની મારી ફરજ નિભાવી શકું. હવે મેં મારી ટ્રેઇનિંગમાં પણ ફેરફાર કર્યો છે. હવે હું બેન્ડિંગ અને લિફ્ટિંગ જેવી ઍક્ટિવિટી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરું છું કારણ કે એ મારી પીઠને મજબૂત રાખવામાં મદદ કરશે. બાળકોને વારંવાર ઊંચકવાં પડે છે. લોકોને લાગે છે કે હું મજાક કરું છું, પરંતુ મારી ટ્રેઇનિંગ ઇવારાના જન્મ પછી ખરેખર બદલાઈ છે. ઉંમર વધવાની સાથે લોઅર પોર્શન નબળો પડે છે અને પગની સ્ટ્રેન્ગ્થ ઓછી થાય છે. હું હવે એવી ટ્રેઇનિંગ પર ધ્યાન આપું છું જે મને હું જીવું ત્યાં સુધી બાળકો સાથે ઍક્ટિવ લાઇફ જીવવામાં મદદ કરે.’


