શ્રીલીલાએ પોતાની પોસ્ટમાં ફૅન્સ અને ફૉલોઅર્સને AIને સપોર્ટ ન કરવાની અપીલ કરી છે અને લખ્યું છે...
શ્રીલીલા
સાઉથની ઍક્ટ્રેસ શ્રીલીલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર કરવામાં આવેલી પોતાની નકલી અને અશ્ળીલ તસવીરોને કારણે ભારે પરેશાન છે અને આ બાબતે તેણે એક ચિંતાજનક પોસ્ટ શૅર કરી છે. શ્રીલીલાએ જાણકારી આપી છે કે તેને આ વાતની ખબર પડી એટલે તરત જ આ મામલાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શ્રીલીલાએ પોતાની પોસ્ટમાં ફૅન્સ અને ફૉલોઅર્સને AIને સપોર્ટ ન કરવાની અપીલ કરી છે અને લખ્યું છે, ‘હું હાથ જોડીને દરેક સોશ્યલ મીડિયા યુઝરને વિનંતી કરું છું કે AIથી બનેલી બકવાસને સપોર્ટ ન કરો. ટેક્નૉલૉજીનો ઉપયોગ અને દુરુપયોગ બન્નેમાં ફરક હોય છે. મારી નજરે ટેક્નૉલૉજીમાં પ્રગતિ જીવનને સરળ બનાવવા માટે થવી જોઈએ, ન કે એને મુશ્કેલ બનાવવા માટે. દરેક મહિલાનો એક પરિવાર હોય છે અને કોઈને પણ તેની તસવીરો મૉર્ફ કરવાનો અધિકાર નથી. દરેક છોકરી કોઈની દીકરી, પૌત્રી, બહેન, મિત્ર અથવા સહકર્મી હોય છે. અમે એવી ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવા માગીએ છીએ જે ખુશી ફેલાવે અને જ્યાં અમે સુરક્ષિત વાતાવરણમાં હોવાનો વિશ્વાસ રાખી શકીએ. મારા વ્યસ્ત શેડ્યુલને કારણે ઑનલાઇન ચાલી રહેલી ઘણી બાબતો વિશે મને જાણ નહોતી અને મારા શુભેચ્છકોનો હું આભાર માનું છું જેમણે આ વાત તરફ મારું ધ્યાન દોર્યું.’


