બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મની ટક્કર પરમ સુંદરી સાથે થાય એવી શક્યતા
`સન ઑફ સરદાર`ની સીક્વલનું પોસ્ટર
અજય દેવગનની ૨૦૧૨માં રિલીઝ થયેલી ‘સન ઑફ સરદાર’ની સીક્વલ હવે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મનું સત્તાવાર નામ ‘ધ રિટર્ન ઑફ ધ સરદાર’ રાખવામાં આવ્યું છે. હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને રિલીઝ-ડેટ ૨૫ જુલાઈ જાહેર કરવામાં આવી છે. અજયે સોશ્યલ મીડિયા પર સીક્વલનું ફર્સ્ટ-લુક પોસ્ટર શૅર કર્યું છે જેમાં તેનો એ જ જૂનો અંદાજ જોવા મળી રહ્યો છે. અજયે આ પોસ્ટર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું છે, ‘ધ રિટર્ન ઑફ ધ સરદાર. #SOS2 તમારા નજીકનાં સિનેમાઘરોમાં. ૨૫ જુલાઈએ.’ ફૅન્સ આ પોસ્ટર પર ખૂબ રીઍક્ટ કરી રહ્યા છે.
પોસ્ટર જોયા બાદ કેટલાક ફૅન્સને મુકુલ દેવની યાદ આવી રહી છે. તેણે પહેલા પાર્ટમાં ટોનીનું પાત્ર ભજવ્યું હતું અને બીજા પાર્ટનું શૂટિંગ પણ કરી લીધું હતું. આ વર્ષે ૨૩ મેએ ૫૪ વર્ષની વયે તેનું અવસાન થયું હતું. ‘સન ઑફ સરદાર 2’નું પોસ્ટર જોઈને મુકુલના ફૅન્સને તેની યાદ આવી ગઈ હતી અને તેમણે આ લાગણી પોસ્ટ પર અભિવ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
બૉક્સ-ઑફિસ પર સન આૅફ સરદાર 2 અને પરમ સુંદરીની ટક્કર
અજય દેવગને સોશ્યલ મીડિયા પર તેની આગામી ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ની રિલીઝ-ડેટની જાહેરાત કરી છે અને આ ફિલ્મ ૨૫ જુલાઈએ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. એ દિવસે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરને ચમકાવતી ફિલ્મ ‘પરમ સુંદરી’ પણ રિલીઝ થશે. આમ બૉક્સ-ઑફિસ પર અત્યારે તો ‘સન ઑફ સરદાર 2’ અને ‘પરમ સુંદરી’ની ટક્કર થશે એવું લાગી રહ્યું છે.

