આ ફિલ્મને એની ડિમાન્ડ પ્રમાણે સ્ક્રીન નથી મળી રહી એટલે મોટા પાયે રિલીઝ કરવામાં સમસ્યા સર્જાઈ શકે છે
સન ઑફ સરદાર 2
અજય દેવગનને લીડ રોલમાં ચમકાવતી ‘સન ઑફ સરદાર 2’ પહેલાં ૨૫ જુલાઈએ રિલીઝ થવાની હતી, પણ ‘સૈયારા’ની ધમાકેદાર સફળતાને કારણે આ ફિલ્મની રિલીઝને પાછળ ઠેલીને ૧ ઑગસ્ટ કરવામાં આવી. જોકે આટલા પ્રયાસો કરવા છતાં ‘સન ઑફ સરદાર 2’ની સમસ્યા ઓછી થવાનું નામ નથી લેતી અને હવે એની સામે સ્ક્રીન-શૅરિંગની અણધારી મુશ્કેલી આવી ગઈ છે.
રિપોર્ટ મુજબ ‘સૈયારા’ અને ‘મહાવતાર નરસિંહા’ને બૉક્સ-ઑફિસ પર સારી એવી સફળતા મળી હોવાને કારણે ‘સન ઑફ સરદાર 2’ને સ્ક્રીન-શૅરિંગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ‘સૈયારા’ ત્રીજા અઠવાડિયામાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને એક્ઝિબિટર્સ આ લવસ્ટોરીને જ પ્રમોટ કરવા ઇચ્છે છે. આ સિવાય ‘મહાવતાર નરસિંહા’ની પણ લોકપ્રિયતા વધી રહી છે. આ સંજોગોમાં એક્ઝિબિટર્સ ‘સન ઑફ સરદાર 2’ને ૩૫ ટકાથી વધુ શો આપવા તૈયાર નથી. જોકે મેકર્સને આટલી ઓછી સ્ક્રીન મંજૂર નથી. આને કારણે વધુ શો મેળવવા માટે ચર્ચા ચાલુ છે.
‘સન ઑફ સરદાર 2’ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી હતી કે નિર્માતાઓ ‘સન ઑફ સરદાર 2’ને ૩૫૦૦થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવા માગતા હતા, પરંતુ હાલના શોકેસિંગ પ્લાનમાં નૉન-નૅશનલ ચેઇન્સ અને સિંગલ સ્ક્રીન્સ ‘સૈયારા’ અને ‘મહાવતાર નરસિંહા’ને પ્રાથમિકતા આપી રહ્યાં છે. પરિણામે આ ફિલ્મ ૨૫૦૦ સ્ક્રીન્સ સુધી જ મર્યાદિત થઈ શકે છે.
ADVERTISEMENT
પહેલી ઑગસ્ટે ‘સન ઑફ સરદાર 2’ની સાથે ‘ધડક 2’ પણ રિલીઝ થઈ રહી છે, પણ રિપોર્ટ પ્રમાણે ‘ધડક 2’ની ટીમે અલગ રણનીતિ અપનાવી છે. આ ફિલ્મ પહેલા દિવસે ફક્ત ૧૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થશે, જે મુખ્યત્વે અર્બન ઑડિયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.


