ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીની પ્રોડ્યુસર એકતા કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે સ્મૃતિ ઈરાનીનું સિલેક્શન મારી મમ્મીના આગ્રહને કારણે થયું હતું
સ્મૃતિ ઈરાની
ઍક્ટ્રેસમાંથી રાજકારણી બનેલાં સ્મૃતિ ઈરાની તેમના આઇકૉનિક શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝન સાથે ટીવી પર પાછાં ફર્યાં છે. હાલમાં આ શોની પ્રોડ્યુસર એકતા કપૂરે એક લાઇવ સેશનમાં જણાવ્યું હતું કે તુલસીના રોલ માટે સ્મૃતિ ઈરાનીની પસંદગી તેની મમ્મી શોભા કપૂરના આગ્રહને કારણે થઈ હતી. ઘણા લોકો માને છે કે એકતા કપૂરે જ સ્મૃતિ ઈરાનીને તુલસીના રોલ માટે પસંદ કર્યાં હતાં, પરંતુ નિર્માતાએ તાજેતરમાં જાહેર કર્યું હતું કે તુલસી વીરાણીના રોલ માટે સ્મૃતિ ઈરાનીને કોણે સજેસ્ટ કર્યાં હતાં.
એકતા કપૂરે લાઇવ સેશનમાં જણાવ્યું હતું કે ‘મારી મમ્મીએ સ્મૃતિ ઈરાનીને બીજા શોમાં જોયાં હતાં અને તેમની સુંદરતાથી પ્રભાવિત થઈ હતી. મારી મમ્મી ટ્વિન્કલ ખન્નાની ખૂબ મોટી ફૅન છે અને તેણે મને ફોન કરીને કહ્યું કે એક છોકરી છે જે ટ્વિન્કલ ખન્ના જેવી દેખાય છે, ખૂબ સુંદર છે એટલે પ્લીઝ તેને કાસ્ટ કર; મને આ છોકરી ખૂબ ગમે છે, શું ચહેરો છે. આ પછી સ્મૃતિ ઈરાની ઑડિશન માટે આવ્યાં. તેઓ ખૂબ પાતળાં, શાંત અને શરમાળ હતાં. તેમણે ઑડિશન આપ્યું અને પછી સરસ સ્માઇલ આપ્યું. આમ તેમનું સિલેક્શન થયું.’


