Shweta Tripathi returns on stage: અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ આ જ મહિનામાં ફરી એકવાર સ્ટેજ પર પરત ફરવાની તૈયારીઓ વચ્ચે પોતાની થિયેટરની યાદગાર સફરને તાજી કરી; જુના મિત્રો અને સાથી કલાકારો અલી ફઝલને નિમ્રત કૌરને કર્યા યાદ
થિયેટરની યાદો વાગોળતાં શ્વેતા તિવારીએ જુના મિત્રો અલી ફઝલ અને નિમ્રત કૌરને કર્યા યાદ
અભિનેત્રી શ્વેતા ત્રિપાઠી (Shweta Tripathi) પોતાની થિયેટરની સફરને યાદ કરીને અત્યંત ભાવુક અને કૃતજ્ઞતાની લાગણી અનુભવી રહી છે, કારણ કે આ મંચે જ તેના જીવન અને કારકિર્દી બંનેને એક નવો આકાર આપ્યો છે. પોતાના શરૂઆતના દિવસોમાં બેકસ્ટેજ પ્રોડક્શન (Production)માં કામ કરવાથી લઈને અલી ફઝલ (Ali Fazal) અને નિમ્રત કૌર (Nimrat Kaur) જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે સર્જનાત્મક સ્પેસ શેર કરવા સુધી, શ્વેતાનું માનવું છે કે થિયેટરે તેને માત્ર તકો જ નથી આપી પરંતુ જીવનભરના સંબંધોની ભેટ પણ આપી છે. આ જ મહિનાના અંતમાં જ્યારે શ્વેતા ફરી એકવાર સ્ટેજ પર પરત ફરવાની તૈયારી કરી રહી છે, ત્યારે તેણે થિયેટરમાંથી મળેલા પાઠ, અતૂટ મિત્રતા અને પોતાનાપણાના અહેસાસ વિશે ખુલીને વાત કરી છે.
થિયેટરમાં બેકસ્ટેજ પ્રોડક્શનમાં કામ કર્યું હતું શ્વેતા ત્રિપાઠીએ
ADVERTISEMENT
અભિનેત્રી શ્વેતા ત્રિપાઠી આ દિવસોમાં પોતાની થિયેટરની સફરને યાદ કરી (Shweta Tripathi returns on stage) રહી છે અને જણાવી રહી છે કે સ્ટેજ અને ત્યાં મળેલા લોકોએ તેના જીવન અને કારકિર્દી પર કેટલી ઊંડી અસર કરી છે.
પોતાના થિયેટરના શરૂઆતના દિવસોને યાદ કરતા શ્વેતાએ જણાવ્યું કે, તેણે અભિનય કરતા પહેલા બેકસ્ટેજ પ્રોડક્શનમાં કામ કર્યું હતું. આ દરમિયાન તેની પહેલી મુલાકાત અભિનેતા અલી ફઝલ સાથે `થેસ્પો` (Thespo ના સ્ટેજ પર થઈ હતી. શ્વેતાના જણાવ્યા મુજબ, થેસ્પો તેની આ સફરનો એક અત્યંત મહત્વનો ભાગ રહ્યો છે.
થેસ્પોએ તેની સર્જનાત્મક સફરને પણ એક નવી દિશા આપી હતી. શ્વેતાએ શેર કર્યું કે તેની થિયેટર કંપની `ઓલ માય ટી` (AllMyTea) ની શરૂઆત પણ ત્યાં મળેલા લોકો અને અનુભવોને કારણે જ થઈ હતી. આ જ સમયગાળામાં તેની મુલાકાત આકર્ષ જેવા લોકો સાથે થઈ હતી, જેમણે આગળ જતાં કંપની બનાવવામાં અને તેને સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
થેસ્પોમાં અભિનેત્રીના નાટકની પસંદગી
થેસ્પો સાથેનો તેનો સંબંધ ત્યારે વધુ મજબૂત બન્યો જ્યારે તેનું નાટક "કૉક" (Cock) આ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રતિષ્ઠિત પૃથ્વી થિયેટર ફેસ્ટિવલ (Prithvi Theatre Festival)માં પણ તેનું મંચન થયું. પોતાની થિયેટર સફર દરમિયાન તેણે નિમ્રત કૌર અને નીલ ભૂપાલમ (Neil Bhoopalam) જેવા કલાકારોને પહેલીવાર પૃથ્વી થિયેટરના સ્ટેજ પર પર્ફોર્મ કરતા જોયા હતા. આજે તેને એ વાતનો ગર્વ થાય છે કે આ તમામ કલાકારો ઇન્ડસ્ટ્રીમાં એક નજીકની ક્રિએટિવ કમ્યુનિટીની જેમ સાથે મળીને આગળ વધ્યા છે.
નાનપણથી જ શ્વેતાનો થિયેટર સાથે ખાસ સંબંધ
શ્વેતાએ ખૂબ જ નાની ઉંમરથી સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું શરૂ કરી દીધું હતું. કિન્ડરગાર્ટનના સમયથી જ તે થિયેટર સાથે જોડાયેલી રહી અને ઉનાળાના વેકેશનમાં થિયેટર વર્કશોપ્સમાં ભાગ લેતી હતી. તેની શરૂઆતી યાદોમાંની એક અભિનેતા યશપાલ શર્માને લાઈવ પર્ફોર્મ કરતા જોવાની છે, જેમની સાથે પાછળથી તેણે `કાલકૂટ` સીરીઝમાં સ્ક્રીન શેર કરી હતી.
શ્વેતા માને છે કે થિયેટરે માત્ર તેના અભિનયને જ નહીં, પરંતુ તેના આખા વ્યક્તિત્વને ઘડ્યું છે. તેણે જણાવ્યું કે, “મને સાચે જ એવું લાગે છે કે થિયેટરે મને માત્ર એક અભિનેતા તરીકે જ નહીં, પરંતુ એક માણસ તરીકે પણ ઘડી છે. તેણે મને શિસ્ત, સંવેદનશીલતા અને લોકો સાથે સાચા દિલથી જોડાતા શીખવ્યું છે. હું થિયેટરને ખૂબ પ્રેમ કરું છું, તેનો ખૂબ આદર કરું છું અને આજે પણ તે મને એટલી જ ઉત્સાહિત કરે છે, પછી ભલે હું તેનો એક અભિનેતા, નિર્માતા કે માત્ર એક દર્શક તરીકે અનુભવ કરું.”
શ્વેતા માટે સ્ટેજ માત્ર એવી જગ્યા નથી જ્યાંથી બધું શરૂ થયું હતું, પરંતુ તે એક એવું સ્થાન છે જ્યાં તે વારંવાર પરત ફરવાનું પસંદ કરે છે. એક એવી જગ્યા, જે દર વખતે તેને પોતાનાપણું, શાંતિ અને કંઈક નવું શોધવાનો અહેસાસ કરાવે છે.
