અક્ષયકુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ નૉન-પેમેન્ટને કારણે અટકાવવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે
અક્ષયકુમાર
અક્ષયકુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ નૉન-પેમેન્ટને કારણે અટકાવવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં ઘણાબધા સ્ટાર્સ છે અને એનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે ફેડરેશન ઑફ વેસ્ટર્ન સિને એમ્પ્લૉઈઝ દ્વારા ઍક્ટર્સને આ ફિલ્મનું શૂટિંગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. ‘વેલકમ’ સિરીઝની ત્રીજી ફિલ્મને ફિરોઝ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિરોઝ નડિયાદવાલાએ ૨૦૧૫માં આવેલી ‘વેલકમ 2’ના હજી બે કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી ચૂકવ્યું. આથી આ ફેડરેશન દ્વારા ફિલ્મનું શૂટિંગ ન કરવા માટે ઍક્ટર્સને કહેવામાં આવ્યું છે. ‘વેલકમ 2’ના ટેક્નિશ્યન અને ડિરેક્ટર અનીસ બઝ્મીનું પેમેન્ટ પણ નથી ચૂકવવામાં આવ્યું. તેમને જે ચેક આપવામાં આવ્યા હતા એ બાઉન્સ થયા છે. ‘વેલકમ 2’નું પેમેન્ટ પહેલાં ચાર કરોડ હતું. જોકે એ ઓછું કરીને બે કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. આમ છતાં એ પેમેન્ટ ક્લિયર કરવામાં ન આવ્યું હોવાથી ઍક્ટર્સને શૂટિંગ ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. જો ઍક્ટર્સ આ ફિલ્મનું શૂટિંગ ન કરે અને પેમેન્ટ ક્લિયર કરવામાં નહીં આવે તો ફિલ્મને ૨૦૨૪ની ૨૦ ડિસેમ્બરે રિલીઝ કરવી શક્ય નહીં બને.