Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાના પાટેકરના નિધનના પગલે શેખર સુમને રદ કરી શેખર ટુનાઇટની ફિનાલે

નાના પાટેકરના નિધનના પગલે શેખર સુમને રદ કરી શેખર ટુનાઇટની ફિનાલે

Published : 12 October, 2026 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રથમ સીઝનના આખરી એપિસોડમાં નાના પાટેકર મહેમાન બનવાના હતા

શેખર સુમનની તસવીર

શેખર સુમનની તસવીર


નાના પાટેકરનું ગુરુવારે નિધન થતા સમગ્ર ફિલ્મજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધનને પગલે શેખર સુમને પોતાના શો ‘શેખર ટુનાઇટ’નો ફિનાલે એપિસોડ રદ કરી દીધો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે લીધો છે.

શેખર સુમને માહિતી આપી હતી કે નાના પાટેકર તેમના શોના અંતિમ મહેમાન બનવાના હતા. તેઓ ‘શેખર ટુનાઇટ’માં હાજરી આપવાના હતા, પણ એ પહેલાં જ તેમના નિધનના સમાચાર આવ્યા હતા જેના કારણે શેખર સુમને શોનો ફિનાલે એપિસોડ રદ કરવાનો નિર્ણય લીધો છે. શેખર સુમને કહ્યું હતું કે હું નથી ઇચ્છતો કે શોમાં અન્ય કોઈ મહેમાન આવે અને નાના પાટેકરની જગ્યા લે.



નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપતાં શેખર સુમને લખ્યું હતું કે ‘નાના... તમે મારી સામે બેસવાના હતા. તમારે અમને આ રીતે છોડીને જવું જોઈતું નહોતું. મને જે સમાચાર મળ્યા છે એનો સ્વીકાર કરવો હજી પણ મારા માટે મુશ્કેલ છે. નાના પાટેકર ‘શેખર ટુનાઇટ’ની પ્રથમ સીઝનના અંતિમ મહેમાન બનવાના હતા. મેં વિચાર્યું હતું કે અમે હસીશું, હળવાશભરી વાતો કરીશું, વચ્ચે ક્યારેક મૌન છવાશે અને તેમના નિખાલસ તથા સાચા જવાબો સાંભળવા મળશે, નાના પોતાની આગવી શૈલી અને ઉત્સાહ સાથે હાજર રહેશે, આ બધાની વચ્ચે કદાચ બે જૂના સાથીઓ જીવન કેટલી ઝડપથી પસાર થઈ રહ્યું છે એની વાત કરશે... પણ હવે એ ખુરશી ખાલી રહેશે અને કોઈક રીતે એ ખાલીપણું કોઈ પણ વાતચીત કરતાં ઘણું વધારે કહી જશે. નાના માત્ર એક અભિનેતા નહોતા. તેઓ અદ્ભુત શક્તિ ધરાવતા વ્યક્તિત્વ હતા. કોઈ પણ દેખાડા વિના, સીધા હૃદયની ઊંડાઈમાંથી જીવવાની અને વાત કરવાની તેમની રીત અદ્ભુત હતી. તેમનામાં ગુસ્સો, રમૂજ, મસ્તી, લાગણી, બળવો અને સૌથી મહત્ત્વની વાત સચ્ચાઈ હતી.


નાના, મને આશા છે કે તમને ખ્યાલ હશે કે તમને કેટલો પ્રેમ કરવામાં આવતો હતો, કેટલું સન્માન મળતું હતું અને લોકો તમને કેટલા પસંદ કરતા હતા. આવનારી પેઢીઓ તમારા અભિનય, તમારા સંવાદો અને તમારા શાનદાર અવાજને યાદ રાખશે. ‘શેખર ટુનાઇટ’ની પ્રથમ સીઝનનો અંત તમારા અવાજ સાથે થવાનો હતો. એના બદલે હવે એનો અંત તમારા મૌન સાથે થઈ રહ્યો છે અને આ મૌન લાંબા સમય સુધી, ખૂબ લાંબા સમય સુધી મારી સાથે રહેશે. અલવિદા, નાના. અમારી સ્ટોરીમાં તમારું સ્થાન હંમેશાં રહેશે. ઓમ શાંતિ.’


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK