Shefali Jariwala died: ‘કાંટા લગા’ ગર્લ તરીકે પ્રખ્યાત અભિનેત્રી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે નિધન થયું છે; હાર્ટ એટેકને કારણે ગયો અભિનેત્રીનો જીવ; અકાળ અવસાનના સમાચારથી ચાહકો અને મનોરંજન જગત આઘાતમાં
શેફાલી જરીવાલા
લોકપ્રિય મ્યુઝિક વિડીયો `કાંટા લગા` (Kaanta Laga)થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલા (Shefali Jariwala)નું શુક્રવારે મુંબઈ (Mumbai)માં અવસાન થયું. તેમની ઉંમર ૪૨ વર્ષની હતી. અભિનેત્રીના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું અહેવાલ છે. જોકે અભિનેત્રીના પરિવાર તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું.
વર્ષ ૨૦૦૨ના હિટ મ્યુઝિક વિડીયો `કાંટા લગા`માં પોતાના અભિનય માટે જાણીતી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે અવસાન થયું છે. શુક્રવારે રાત્રે અભિનેત્રીને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ (Shefali Jariwala died) થયું હતું. અભિનેત્રી શેફાલી જરીવાલાને તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી (Parag Tyagi) અને અન્ય ત્રણ લોકોને તાત્કાલિક મુંબઈના અંધેરી (Andheri)માં આવેલી બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ અભિનેત્રીને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, શેફાલી જરીવાલા શુક્રવાર ૨૭ જૂનના રોજ ઘરે હતી ત્યારે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યાની થોડી મિનિટોમાં જ તેનું નિધન થયું હતું. હોસ્પિટલના સ્ટાફે તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘શેફાલીને હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલાં જ તેનું અવસાન થઈ ગયું હતું. તેના પતિ અને કેટલાક અન્ય લોકો મૃતદેહ સાથે હતા.’
શેફાલી જરીવાલાના અચાનક નિધનથી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ઝટકો લાગ્યો છે. આ સમાચાર સાંભળીને ફેન્સ પણ આઘાતમાં છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, શેફાલી જરીવાલા ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં રિમિક્સ વિડિયો `કાંટા લગા`થી ઘરઘરમાં લોકપ્રિય બની હતી. આ ગીતની કારણે જ અભિનેત્રી શેફાલી જરીવાલાને `કાંટા લગા ગર્લ`નું ઉપનામ મળ્યું હતું. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમર પર પેટનું બટન, પિયર્સિંગ અને આધુનિક પોશાક પહેરવાથી તે `કાંટા લગા ગર્લ` તરીકે જાણીતી થઈ ગઈ હતી. આ મ્યુઝિક વિડીયો ફેમસ થયા બાદ, દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો. જોકે તે સમયે આ ગીતને લઈને કેટલાક વિવાદો થયા હતા, પરંતુ શેફાલીને આ ગીતે ખુબ લોકપ્રિયતા અપાવી હતી. બાદમાં તેણે સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’ (Mujhse Shaadi Karogi)માં કામ કર્યું હતું. શેફાલી જરીવાલાએ રિયાલીટી શો ‘નચ બલિયે’ (Nach Baliye)ની સિઝન ૫ અને ૭માં ભાગ લીધો હતો. અભિનેત્રી ‘બિગ બોસ 13’ (Bigg Boss 13) દ્વારા ફરીથી ખુબ ચર્ચામાં આવી હતી. આ ઉપરાંત પણ અભિનેત્રીએ અનેક ટિવી સિરિયલમાં કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કે, શેફાલી જરીવાલાનો જન્મ ૧૫ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં થયો હતો. તેના પિતાનું નામ સતીશ જરીવાલા અને માતાનું નામ સુનીતા જરીવાલા છે. શેફાલીએ વર્ષ ૨૦૧૪માં ટીવી જગતના લોકપ્રિય અભિનેતા પ્રયાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા.


