શક્તિ કપૂરે પોતાનાં લગ્ન અને પત્ની શિવાંગી કોલ્હાપુરે સાથેની એક અંગત હકીકતનો ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે
શક્તિ-શિવાંગી
શક્તિ કપૂરે પોતાનાં લગ્ન અને પત્ની શિવાંગી કોલ્હાપુરે સાથેની એક અંગત હકીકતનો ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શક્તિ કપૂરે કહ્યું હતું કે તે ઇચ્છતો હતો કે તેની પત્ની ગૃહિણી બની રહે. એ માટે તેણે લગ્ન પહેલાં શિવાંગી સામે લગ્ન પછી કામ ન કરવાની શરત મૂકી હતી. શક્તિ કપૂરે ૧૯૮૨માં પદ્મિની કોલ્હાપુરેની બહેન શિવાંગી સાથે લગ્ન કર્યાં હતાં. શક્તિ કપૂર કરતાં ૧૨ વર્ષ નાની શિવાંગી લગ્ન સમયે અભિનેત્રી અને ગાયિકા હતી. પહેલાં શિવાંગીના પરિવારે જમાઈ તરીકે શક્તિનો સ્વીકાર નહોતો કર્યો, પણ જ્યારે તેઓ સિદ્ધાંતના પેરન્ટ્સ બન્યાં ત્યારે પરિવારે તેમના સંબંધોને સ્વીકારી લીધા હતા. એ પછી ૧૯૮૭માં તેઓ શ્રદ્ધાનાં મમ્મી-પપ્પા બન્યાં હતાં. શ્રદ્ધા બૉલીવુડની મોટી સ્ટાર છે, પણ સિદ્ધાંત ઍક્ટિંગમાં ખાસ કાંઈ કરી શક્યો નથી.
શક્તિ કપૂરે એક પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે લગ્ન પહેલાં મેં મારી ગર્લફ્રેન્ડ શિવાંગીને તેની ઍક્ટિંગ અને સિન્ગિંગ કરીઅર છોડી દેવાની વિનંતી કરી હતી જેને શિવાંગીએ સ્વીકારી લીધી હતી. શક્તિએ કહ્યું કે આટલું મોટું બલિદાન આપવા બદલ હું જીવનભર શિવાંગીનો આભારી રહીશ. આજે પણ તે એ માટે શિવાંગી સામે હાથ જોડીને આભાર માને છે.
ADVERTISEMENT
શક્તિ-શિવાંગીની લવસ્ટોરી
પોતાની લવસ્ટોરી વિશે શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘હું તેને મળ્યો હતો ત્યારે તે બાળકલાકાર હતી અને હું તેની જ ફિલ્મમાં એક વયસ્ક વ્યક્તિના રોલમાં હતો. તે મારાથી ૧૨ વર્ષ નાની છે. અમે મળ્યાં, પ્રેમ થયો અને મેં મનમાં વિચાર્યું કે પત્ની તરીકે આવી સુંદર છોકરી ક્યાં મળે? એક દિવસ મેં તેને કહ્યું કે તારા કારણે મારા કામમાં વિક્ષેપ પડી રહ્યો છે અને મારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. મારી આ વાત સાંભળીને તે ગુસ્સે થઈ હતી. મેં માફી માગીને તેને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું, પણ મારી શરત છે કે તું લગ્ન પછી કામ નહીં કરે. એ પછી અમે કોર્ટ-મૅરેજ કર્યાં અને બધાએ અમારા સંબંધોને સ્વીકારી લીધા. મારા માટે તેણે તેની સિન્ગિંગ કરીઅર અને બીજું ઘણું બધું છોડી દીધું. આજ સુધી હું એ માટે હાથ જોડીને તેનો આભાર માનું છું.’


