ઍક્શન સીન અને મહત્ત્વપૂર્ણ દૃશ્યો દરમ્યાન સેટ પર વધારાના લોકોના પ્રવેશ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે
રિપોર્ટ પ્રમાણે હવે ‘કિંગ’નું મુંબઈના ઘોડબંદર રોડ નજીક શૂટિંગ ચાલી રહ્યું છે
શાહરુખ ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ સાથે જોડાયેલાં ઘણાં વિઝ્યુઅલ્સ અને વિડિયો પહેલેથી જ લીક થઈ ચૂક્યાં છે. હાલમાં જ એક ચાહકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ૧૫ મિનિટનો વિડિયો બનાવીને શૅર કર્યો હતો. આ બાબત ફિલ્મના નિર્માતાઓ માટે મોટી ચિંતા બની ગઈ છે. ફિલ્મની લીક અટકાવવામાં ટીમ સંપૂર્ણ સફળ રહી નથી, પરંતુ હવે એણે એક મોટું પગલું ભર્યું છે.
રિપોર્ટ પ્રમાણે હવે ‘કિંગ’નું મુંબઈના ઘોડબંદર રોડ નજીક શૂટિંગ ચાલી રહ્યું છે અને આ સ્થળે સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે. આ ફિલ્મનું મુંબઈમાં જ્યાં શૂટિંગ થઈ રહ્યું છે એ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત હોવાથી મોબાઇલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી ખાસ ફાયદો નહીં થાય. જોકે ઍક્શન સીન અને મહત્ત્વપૂર્ણ દૃશ્યો દરમ્યાન વધારાના લોકોના પ્રવેશ પર હવે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે જેથી ફિલ્મનાં દૃશ્યોને લીક થતાં અટકાવી શકાય.
ADVERTISEMENT
‘કિંગ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ચાહકોને વિનંતી કરી હતી કે ફિલ્મની કોઈ પણ લીક થયેલી સામગ્રી ફરી શૅર ન કરે છતાં પણ AIની મદદથી બનેલા ૧૫ મિનિટના ફૅન-મેડ વિડિયોએ સોશ્યલ મીડિયા પર ભારે ધ્યાન ખેંચ્યું હતું. હવે માહિતી મળી રહી છે કે ફૅન્સ અને પ્રોડક્શન ટીમે મળીને આ ફુટેજની ફરિયાદ નોંધાવી હતી જેના કારણે આ વિડિયોને અનેક પ્લૅટફૉર્મ પરથી હટાવી દેવામાં આવ્યો છે. હવે નિર્માતાઓએ વધુ કડક નિર્ણય લીધો છે.
