આ ફિલ્મને કંગનાએ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવાની સાથે એમાં ઍક્ટિંગ પણ કરી છે
આ છે ‘ઇમર્જન્સી’ના જગજીવન રામ
કંગના રનોટની ‘ઇમર્જન્સી’માં જગજીવન રામના રોલમાં સતીશ કૌશિક જોવા મળશે. આ ફિલ્મ દેશમાં લાગેલી ઇમર્જન્સી પર આધારિત છે. આ ફિલ્મને કંગનાએ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવાની સાથે એમાં ઍક્ટિંગ પણ કરી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તળપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ અને વિશાક નાયર પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મમાં સતીશ કૌશિકની એન્ટ્રી વિશે કંગનાએ કહ્યું કે ‘જગજીવન રામ ખૂબ પ્રખ્યાત નેતા હતા. તેઓ એ વખતના ખૂબ પ્રેમાળ અને સન્માનનીય નેતા હતા. ઇમર્જન્સીમાં થોડી રાહત આપવાની તેમની માગણી મિસિસ ગાંધીએ જ્યારે નકારી દીધી ત્યારે તેમણે કૉન્ગ્રૅસ છોડી દીધી હતી. એને કારણે ખૂબ ગંભીર પરિણામ જોવા મળ્યાં હતાં. એવો તેમનો પ્રભાવ હતો. હું એ રોલ માટે એવા વ્યક્તિને શોધી રહી હતી જેમાં તેમના જેવી સ્ટ્રેંગ્થ, બુદ્ધિમત્તા અને કટાક્ષ હોય. આ જ કારણ છે કે સતીશજીની આ રોલ માટે પસંદગી કરવામાં આવી. એક ઍક્ટર તરીકે હું તેમની સાથે સીન્સ શૂટ કરવા માટે આતુર છું. ફિલ્મમાં કેટલાક મનોરંજક અને સ્ટ્રૉન્ગ સીન્સ છે.’
તો બીજી તરફ પોતાના આ રોલ વિશે સતીશ કૌશિકે કહ્યું કે ‘તમે જ્યારે ઐતિહાસિક અને રાજકીય હસ્તીનો રોલ કરો તો તમારે ભરપૂર સ્ટડી અને એ વ્યક્તિને લઈને રિસર્ચ કરવું પડે છે. ‘ઇમર્જન્સી’માં દેશના ભૂતપૂર્વ રક્ષાપ્રધાન બાબુ જગજીવન રામના રોલને ભજવવાની મને ખૂબ ખુશી છે.’

