સંદીપ રેડ્ડી વાંગાએ ઍક્ટ્રેસનું નામ લખ્યા વગર સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતાનો ઉકળાટ ઠાલવ્યો છે
દીપિકા પાદુકોણ, તૃપ્તિ ડિમરી, સંદીપ રેડ્ડી
‘કબીર સિંહ’ અને ‘ઍનિમલ’ જેવી ફિલ્મો બનાવનાર સંદીપ રેડ્ડી વાંગાએ તેની પ્રભાસ સાથેની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણની હકાલપટ્ટી તો કરી જ છે અને હવે તેનું નામ લખ્યા વગર સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેના પર ‘ગંદી PR ગેમ’ રમવાનો અને ‘સ્પિરિટ’ની વાર્તાના મહત્ત્વના ભાગનો ખુલાસો કરીને એને લીક કરી દેવાનો આરોપ લગાવ્યો છે.
સંદીપે સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘જ્યારે હું કોઈ ઍક્ટરને વાર્તા સંભળાવું છું ત્યારે હું તેના પર સો ટકા ભરોસો કરું છું. અમારી વચ્ચે એક વણલખ્યું નૉન-ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ હોય છે. પરંતુ આવું કરીને તમે બતાવી દીધું છે કે હકીકતમાં તમે કોણ છો... એક યંગ ઍક્ટરની ક્ષમતાને ઓછી બતાવવી અને મારી વાર્તાને લીક કરી દેવી? શું આ જ તમારું ફેમિનિઝમ છે? એક ફિલ્મનિર્માતા તરીકે મેં મારા ક્રાફ્ટ પાછળ વર્ષોની સખત મહેનત કરી છે અને મારા માટે ફિલ્મનિર્માણ જ બધું છે. તમને આ સમજાયું નથી અને તમને આ ક્યારેય સમજાશે નહીં. એક કામ કરો કે નેક્સ્ટ ટાઇમ આખી વાર્તા જ કહી દેજો... કારણ કે મને બિલકુલ ફરક પડતો નથી. #dirtyPRgames મને આ કહેવત ખૂબ ગમે છે... ‘ખુંદક મેં બિલ્લી ખંભા નોચે.’’
શું કામ ભડક્યો સંદીપ રેડ્ડી વાંગા?
ADVERTISEMENT
આ ઘટનાની વિગતો જોઈએ તો થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણની ‘સ્પિરિટ’માંથી હકાલપટ્ટી કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર તેને માત્ર આઠ કલાક કામ, મોટી ફી અને ફિલ્મના નફામાં હિસ્સો જેવી દીપિકાની શરતો પસંદ નહોતી પડી અને એટલે ફિલ્મમાંથી દીપિકાને કાઢીને તૃપ્તિ ડિમરીને સાઇન કરી લેવામાં આવી હતી અને એની સત્તાવાર જાહેરાત થઈ પણ ગઈ છે.
જોકે આ ફેરફાર પછી એક વેબસાઇટ પર આવેલા રિપોર્ટમાં સૂત્રોના માધ્યમથી જણાવાયું છે કે ‘‘સ્પિરિટ’ એક ‘A-રેટેડ’ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં મોટા પાયે હિંસક દૃશ્યો તો હશે જ અને સાથે લીડ ઍક્ટર્સ વચ્ચે સુપર બોલ્ડ સીન્સ પણ હશે. સંદીપ રેડ્ડી વાંગા એક એવી અભિનેત્રીને કાસ્ટ કરવા માગતા હતા જે કાગળ પર લખેલા બોલ્ડ સીન સાથે કમ્ફર્ટેબલ હોય. આ સીન્સ દીપિકા પાદુકોણને વાર્તા સંભળાવવામાં આવી ત્યારે પણ તેમની વચ્ચે ચર્ચાયા હતા, પણ એ સમયે દીપિકા અને સંદીપ રેડ્ડી આ દૃશ્યોની ઇન્ટેન્સિટી ઘટાડવા તૈયાર થયાં હતાં. જોકે હવે તૃપ્તિની એન્ટ્રી પછી એ મૂળ સ્વરૂપે જ શૂટ કરવામાં આવશે.’
આ રિપોર્ટ પછી સંદીપ રેડ્ડીને લાગ્યું હતું કે દીપિકાએ જ પોતાની હકાલપટ્ટી પછી ફિલ્મની વાર્તા અને પ્લૉટ લીક કર્યાં છે અને તેણે નામ આપ્યા વગર સોશ્યલ મીડિયા પર દીપિકા વિરુદ્ધ ઊભરો કાઢ્યો હતો.
દીપિકા કરતાં ૧૬ કરોડ રૂપિયા ઓછા મળ્યા તૃપ્તિને
‘સ્પિરિટ’ માટે તૃપ્તિ ડિમરીને ૪ કરોડ રૂપિયાનુ મહેનતાણું મળશે એવા રિપોર્ટ છે. દીપિકાને આ ફિલ્મ માટે ૨૦ કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
‘ખુંદક મેં બિલ્લી ખંભા નોચે’નો મતલબ શું છે?
આ એક કહેવત છે. આ કહેવતનો અર્થ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સો, ચીડ કે ખુન્નસ અનુભવતી હોય ત્યારે તે પોતાનો ગુસ્સો ખોટી જગ્યાએ કે ખોટી રીતે ઉતારે છે. જેવી રીતે બિલાડી જ્યારે ખુન્નસ અનુભવતી હોય ત્યારે વિચાર્યા વિના થાંભલો ખંજવાળવા લાગે છે તેમ માણસ પણ પોતાનું ખુન્નસ કે ગુસ્સો કોઈ નિર્દોષ વ્યક્તિ કે વસ્તુ પર ઉતારે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે.


