તેણે કરીઅરમાં અત્યાર સુધી ૭ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ એક પણ સુપરહિટ કે હિટ નથી રહી
સલમાન ખાન, ચિત્રાંગદા સિંહ
સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ‘સિકંદર’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી હતી, જેની વાર્તા અને સલમાનની ઍક્ટિંગ દર્શકોને પસંદ નહોતી પડી. આ પછી સલમાન પણ પોતાની આગામી ફિલ્મો માટે ખૂબ સાવધાનીથી પસંદગી કરી રહ્યો છે જેથી તે એક શાનદાર કમબૅક કરી શકે. માનવામાં આવે છે કે સલમાન ખાનની આગામી ફિલ્મ ૨૦૨૦માં ગલવાન વૅલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પર આધારિત હશે. આ ફિલ્મનું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરી રહ્યો છે. આ ફિલ્મ માટે લાંબા સમયથી લીડ ઍક્ટ્રેસની શોધખોળ ચાલી રહી હતી અને હવે રિપોર્ટ પ્રમાણે સલમાનની હિરોઇન તરીકે ચિત્રાંગદા સિંહને ફાઇનલ કરવામાં આવી છે. સલમાન અને ચિત્રાંગદા વચ્ચે દસેક વર્ષ જેટલો વયનો તફાવત છે.
જો આ વાત સાચી હશે તો ચિત્રાંગદા અને સલમાન પહેલી વાર મોટા પડદા પર સાથે કામ કરતાં જોવા મળશે. જોકે એક રિપોર્ટ પ્રમાણે ચિત્રાંગદાએ અત્યાર સુધી ૭ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેની એક પણ ફિલ્મ સુપરહિટ કે હિટ નથી રહી. તેના ખાતામાં ફ્લૉપ ફિલ્મો વધુ છે, જ્યારે બે ફિલ્મો સરેરાશ રહી હતી. ચિત્રાંગદા માટે આ ફિલ્મ તેની કરીઅર માટે એક મોટી તક સાબિત થઈ શકે છે. સલમાન આ ફિલ્મમાં આર્મી ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે, પરંતુ ચિત્રાંગદાના પાત્ર વિશે હજી કોઈ માહિતી સામે આવી નથી. આ ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં શરૂ થઈને ઑક્ટોબર સુધીમાં પૂરું થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ ૨૦૨૬ના પ્રજાસત્તાક દિને રિલીઝ થઈ શકે છે.


