‘સૈયારા’માં ૬ ગીતો છે અને બધાં ગીતો સ્પૉટિફાય ટૉપ 50 ઇન્ડિયાનાં ટૉપ ટેનમાં હતાં
ફિલ્મ ‘સૈયારા’ પોસ્ટર
ફિલ્મ ‘સૈયારા’ની સફળતામાં એનાં સુમધુર ગીતોનો પણ મોટો ફાળો છે. આ ફિલ્મનું મ્યુઝિક આલબમ સોશ્યલ મીડિયામાં બહુ લોકપ્રિય બન્યું છે. આ ફિલ્મનાં ગીતો દુનિયાભરમાં સાંભળવા મળી રહ્યાં છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું ટાઇટલ-સૉન્ગ સ્પૉટિફાય પર ગ્લોબલ વાઇરલ 50ની યાદીમાં નંબર વન છે.
‘સૈયારા’ના સંગીતકાર તનિષ્ક બાગચીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સ્પૉટિફાયનો સ્ક્રીનશૉટ શૅર કરતાં લખ્યું છે, ‘અમે એ કરી બતાવ્યું. ‘સૈયારા’ હવે સ્પૉટિફાયના ગ્લોબલ વાઇરલ ચાર્ટમાં નંબર વન છે. આ ક્ષણ દરેક હૃદયના ધબકારાની છે જેણે આ ગીતને અનુભવ્યું. આભાર મોહિત સૂરિ સર, તમારા વિચાર અને દૃષ્ટિ વિના આ શક્ય નહોતું. ઇર્શાદભાઈ, તમારા શબ્દો દિલને સ્પર્શી ગયા. અર્સલાન અને ફહીમ, તમારા સૂર અને અવાજે આ ગીતને આકાશમાં પહોંચાડ્યું. યશરાજ, અમારામાં વિશ્વાસ કરવા બદલ આભાર. ભારતીય સંગીત ઊભરી નથી રહ્યું, એ પહેલાંથી જ ઊડી રહ્યું છે. ‘સૈયારા’ આનો પુરાવો છે.’
ADVERTISEMENT
‘સૈયારા’માં ૬ ગીતો છે અને બધાં ગીતો સ્પૉટિફાય ટૉપ 50 ઇન્ડિયાનાં ટૉપ ટેનમાં હતાં. સૌથી ખાસ વાત એ છે કે ‘સૈયારા’ના ટાઇટલ-ટ્રૅકે હૉલીવુડનાં ગીતોને પાછળ છોડીને પોતાનું સ્થાન બનાવ્યું છે. ‘સૈયારા’નું ટાઇટલ-સૉન્ગ ઇર્શાદ કામિલે લખ્યું છે અને એને કાશ્મીરી સિંગર ફહીમ અબદુલ્લાએ અવાજ આપ્યો છે.


