Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ નામ અને એની સાથે ત્રણગણી સફળતા પણ

ત્રણ નામ અને એની સાથે ત્રણગણી સફળતા પણ

14 March, 2023 12:41 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઇન્ડિયન પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કમ્પોઝર દ્વારા તૈયાર કરવામાં આવેલા સૉન્ગને આૅસ્કર અવૉર્ડ મળ્યો છે એ સમયે ફિલ્મના મ્યુઝિક કમ્પોઝરની કેટલીક એવી અજાણી વાતો જાણવી જોઈએ, જે તમારી આંખોમાં તાજ્જુબ આંજી દેશે

‘RRR’ના સૉન્ગ નાટુ નાટુ અને એમ.એમ.કીરાવાણી (ડાબે) અને ચંદ્રબોઝ

‘RRR’ના સૉન્ગ નાટુ નાટુ અને એમ.એમ.કીરાવાણી (ડાબે) અને ચંદ્રબોઝ


કોડુરી મરાકથામની કીરાવાણી. એમ. એમ. કીરાવાણી અને એમ. એમ. ક્રીમ.

આ ત્રણ નામ છે અને આ ત્રણ નામ ધરાવતી વ્યક્તિ છેલ્લા ચોવીસ કલાકથી ઇન્ડિયામાં જબરદસ્ત ડિમાન્ડમાં છે. એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના સૉન્ગ નાટુ નાટુ...ને ઑસ્કર મળ્યા પછી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મ્યુઝિક ડિરેક્ટરની ડિમાન્ડ એ લેવલ પર વધી ગઈ કે ગઈ કાલના એક જ દિવસમાં તેમને ૧૪ ફિલ્મ ઑફર થઈ અને એ તમામ ફિલ્મ માટે બ્લૅન્ક ચેક મોકલવાની તૈયારી પણ પ્રોડ્યુસરે દર્શાવી.



‘RRR’ સાથે આ મ્યુઝિક-ડિરેક્ટર કઈ રીતે જોડાયા એની વાત કરતાં પહેલાં વાત કરવાની થાય છે ફિલ્મની. કિરાવાણીને આ ફિલ્મ કરવાનું મન માત્ર એક જ કારણે હતું, કોમરામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુની એમાં વાત હતી અને એ વાત કહેવામાં ક્યાંક ને ક્યાંક ભગવાન રામ અને સીતાને પ્રતીકાત્મક રીતે જોડી દેવામાં આવ્યાં હતાં. ફિલ્મની વાર્તા જ્યારે તેમને સંભળાવવામાં આવી ત્યારે જ મ્યુઝિક-ડિરેક્ટર ક્રીમે રાજામૌલીને પૂછ્યું હતું કે લિબર્ટી કેટલી મળશે અને રાજામૌલીએ જવાબ આપ્યો હતોઃ રિજેક્શનની જેટલી તૈયારી રાખી શકો એટલી...


ત્રણ નામ, એક કામ

કોડુરી મરાકથામની કીરાવાણી. એમ. એમ. કીરાવાની અને એમ. એમ. ક્રીમ; આ જે ત્રણ નામ છે એ ત્રણેત્રણ નામ ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બહુ રિસ્પેક્ટેબલ નામ છે. હા, આ ત્રણેત્રણ નામ અને એ જ તો આ આખી વાતની સૌથી મોટી બ્યુટી છે. માણસ એક નામથી ફેમસ થાય એ તો આપણે જોયું હોય, પણ જેટલાં નામ હોય એ બધાં નામે તે લોકચાહના મેળવે એવું ભાગ્યે જ બને, પણ એવું કીરાવાણી સાથે બન્યું છે.


આ ત્રણ નામ શું કામ એની વાત સમજતાં પહેલાં જાણી લઈએ કે કીરાવાણીએ તામિલ અને મલયાલમ ફિલ્મોમાં કોડુરી મરકતમણિ કીરાવાણી તરીકે કામ કર્યું તો તેલુગુ ફિલ્મોમાં એમ. એમ. કીરાવાણી તરીકે મ્યુઝિક આપ્યું અને તો હિન્દી ફિલ્મોમાં તેમણે એમ. એમ. ક્રીમ તરીકે મ્યુઝિક કમ્પોઝ કર્યું. પહેલાં બન્ને નામ પર તો સમજી શકાય, પણ જો મનમાં એવો પ્રશ્ન જાગે કે હિન્દી ફિલ્મોમાં તેમણે કેમ ક્રીમ તરીકે પોતાની જાતને દાખલ કરી તો એની પાછળની સ્ટોરી પણ અદ્ભુત છે. વાંચો...

સંન્યાસીપણાની નવી ઓળખ

કીરાવાણીનાં વાઇફ પ્રેગ્નન્ટ હતાં એ સમયની આ વાત છે. એ સમયે કીરાવાણીના ગુરુએ ફૅમિલીમાં એવું કહ્યું કે આ બાળકનો જન્મ થશે એ પહેલાં કીરાવાણીનું કમોત થઈ શકે છે. જો એવા કમોતથી તેમણે બચવું હોય તો કીરાવાણીએ સંન્યાસીની જેમ જીવવું પડશે, માંસાહાર અને મદિરાપાન ત્યજી દેવાં પડશે અને ફૅમિલીથી દૂર રહેવા ચાલ્યા જવું પડશે. આ બધું કરવાનું અને એ પણ દોઢ વર્ષ સુધી. 

ભગવાન શિવના પ્રખર ભક્ત એવા કીરાવાણીએ ગુરુનો આદેશ તો માની લીધો પણ તેમણે બહુ સરસ દુન્યવી વાત ગુરુ સામે મૂકી. પોતે ફૅમિલીથી દૂર ભલે રહે, પણ જવાબદારીઓથી કેવી રીતે છટકી શકે? આજીવિકાથી માંડીને એ લોકોનો ખર્ચ કેવી રીતે નિભાવવાનો અને એ સમયે તેમને ગુરુએ સલાહ આપી કે જો સંન્યાસી બન્યા પછી પણ કીરાવાણીએ કામ કરવું હોય તો તેમણે નવા નામ સાથે કામ કરવું પડશે અને એ પણ સાવ જ નવા લોકો સાથે. કીરાવાણીએ શરત માન્ય રાખી અને ઘરબાર છોડીને નીકળી ગયા, પણ કામ તો શોધવાનું હતું અને આ જ દિવસોમાં તેમને સિંગર કુમાર શાનુ પાસેથી ખબર પડી કે મહેશ ભટ્ટ એક ફિલ્મ બનાવે છે, જેની માટે તે નવા મ્યુઝિક-ડિરેક્ટર શોધે છે. ક્રીમે ભટ્ટને અપ્રોચ કર્યો અને મહેશ ભટ્ટે એવી શરતે કામ સોંપ્યું કે મને ગમશે તો હું મ્યુઝિક લઈશ.

મજાની વાત જુઓ, આ આખી વાત દરમ્યાન ક્રીમે પોતાના એક પણ અગાઉનાં સૉન્ગ મહેશ ભટ્ટને સંભળાવ્યાં નહોતાં અને કુમાર શાનુને પણ એવું કરવાની ના પાડી હતી! ક્રીમ કામ કરતા ગયા અને સ્ક્રૅચ મહેશ ભટ્ટ તો ઠીક, ટી-સિરીઝને પણ ગમવા લાગ્યાં. તપાસ કરતાં તેમને સાચી વાતની ખબર પડી અને પછી છેક ખબર પડી કે અત્યારે જે કામ કરે છે એ માણસ સાઉથનો બહુ પૉપ્યુલર મ્યુઝિક-ડિરેક્ટર છે!

ફાઇનલ ક્રેડિટની વાત આવી ત્યારે કીરાવાણીએ એમ. એમ. ક્રીમ નામ આપ્યું, જેની સામે મહેશ ભટ્ટ અને ટી-સિરીઝને કોઈ પ્રૉબ્લેમ નહોતો.

તુમ મિલે દિલ ખિલે...

કુમાર શાનુ મુંબઈમાં જ્યારે ક્રીમને મળવા ગયા હતા ત્યારે કીરાવાણીનો તો સંન્યાસવાસ ચાલતો હતો એટલે હાથ મિલાવવા જેવી પ્રવૃત્તિથી પણ તેમણે પોતાની જાતને દૂર રાખી હતી. કુમાર શાનુએ પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે હું કીરાવાણીસાહેબને મળ્યો અને મેં તેમની સામે હાથ લંબાવ્યો એટલે તેમણે મને બે હાથ જોડીને નમસ્તે કર્યા. મને બહુ વિચિત્ર લાગ્યું, પણ એ વાતનો ખુલાસો તેમણે બે વર્ષ પછી કર્યો ત્યારે મને સમજાયું કે ગુરુની આજ્ઞાનું પાલન લોકો કેવી રીતે કરતા હોય છે.

આ પણ વાંચો: Oscar 2023:હવે નાચો! ગોલ્ડન ગ્લોબ બાદ ઑસ્કર, RRRના નાટુ નાટુ ગીતે સર્જયો વિક્રમ

કુમાર શાનુએ આ જ ફિલ્મનું તુમ મિલે, દિલ ખિલે... સૉન્ગ ગાયું હતું જે નેવુંના દશકમાં બૉલીવુડનું ચાર્ટબસ્ટર સૉન્ગ બન્યું હતું. સાઉથના જ નાગાર્જુન સાથેની આ ફિલ્મ હૉલીવુડની ‘ધી ફ્યુજિટિવ’ નામની ફિલ્મની બેઠી નકલ હતી, પણ એ ફિલ્મને બચાવી લેવાનું કામ ક્રીમસાહેબના મ્યુઝિકે કર્યું હતું. આ ગીતમાં ફીમેલ વૉઇસમાં હમિંગ વાપરવામાં આવ્યું છે, જે હમિંગ ક્રીમસાહેબે ચિત્રા પાસે કરાવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે પણ સત્ય હકીકત એ છે કે ચિત્રાને હમિંગ માટે પેમેન્ટ આપવાની ના પાડવામાં આવી ત્યારે એ પેમેન્ટના બદલામાં ક્રીમસાહેબે પોતાની અડધી ફી આપી દીધી હતી. એવા ભાવથી કે અડધી ફી પોતાના ઘરે મોકલશે અને બાકીના અડધા પૈસા ચિત્રાને મળશે. હું તો સંન્યાસી છું, મારે તો પૈસા રાખવાના નથી.

‘ક્રિમિનલ’ અને એ પછીની ‘ઇસ રાત કી સુબહ નહીં’ ફિલ્મ વખતે ક્રીમસાહેબે નવા નામ સાથે જ રહેવાનું હતું પણ ત્યાં સુધીમાં બૉલીવુડમાં એસ્ટાબ્લિશ થઈ જવાને કારણે તેમણે એ નામ કન્ટિન્યુ કર્યું અને ‘ઝખ્મ’, ‘જિસ્મ’, ‘સૂર’, ‘રોગ’, ‘ધોખા’ જેવી અનેક ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું; જેમાંનાં અમુક ગીતો જબરદસ્ત હિટ થયાં અને આજે પણ એ તમારા કાને પડે તો રુંવાડાં ઊભાં કરી દે છે તો હિન્દી ‘બાહુબલી’ના જિયો બાહુબલી... અને કૌન હૈ વો... જેવાં ગીતો અત્યારે પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઇનથિંગ્સ છે.

નામના ગોટાળા અપરંપાર

ગીતકાર નિદા ફાઝલીને એક વખત કીરાવાણીએ ચેન્નઈ બોલાવ્યા. નિદા ફાઝલીની ઇચ્છા નવા કોઈ મ્યુઝિક-ડિરેક્ટર સાથે કામ કરવાની નહોતી એટલે તેમણે ના પાડી દીધી અને એ પછી એક મહિના સુધી તે ફોન પર આવ્યા નહીં. ત્યાર પછી છેક તેમને ખબર પડી કે જે કીરાવાણી તેમને બોલાવે છે એ કીરાવાણી હકીકતમાં એમ. એમ. ક્રીમ છે! જેના તે પોતે બહુ મોટા ફૅન છે અને પછી નિદાસાહેબે સામેથી તેમનો કૉન્ટૅક્ટ કર્યો અને ચેન્નઈ રૂબરૂ મળવા ગયા.

આવું જ રામોજીરાવ સાથે બન્યું હતું.

રામોજી સ્ટુડિયોના માલિકે તેમને એક ફિલ્મમાં સાઇન કર્યા પણ રામોજીરાવના પાર્ટનરને કીરાવાણીસાહેબ સાથે ક્રીએટિવ ડિફરન્સ થયો એટલે રામોજીરાવે કહી દીધું કે કીરાવાણીને હટાવીને બીજા કોઈને લઈ લો. એ જ સાંજે તેમણે પ્રોડક્શનના માણસને નામ મોકલ્યું કે બૉલીવુડમાં અત્યારે એમ. એમ. ક્રીમ બહુ ચાલે છે, એમને અપ્રોચ કરો!

મીટિંગની પાંચ મિનિટ પહેલાં કીરાવાણીસાહેબે રામોજીરાવને ચિઠ્ઠી મોકલી કે આ બન્ને વ્યક્તિ એક જ છે, જો તમે હા પાડતા હો તો હું અંદર આવું!

ઇન્ટરવ્યુઅર બની લિરિસિસ્ટ

આમ તો કીરાવાણી બહુ લો-પ્રોફાઇલ છે પણ એક ફિલ્મના પ્રમોશનમાં તેમણે જવું પડ્યું અને એવા સમયે તેને આરજે રિયા મુખરજી મળી. રિયાનો જે વાત કરવાનો ફ્લો હતો અને ફ્લોમાં જે પોએટિક સેન્સ હતી એ જોઈને કીરાવાણીસાહેબને એ છોકરીમાં લિરિસિસ્ટ દેખાઈ અને તેમણે તેને ગીતકાર તરીકે બ્રેક આપ્યો. અલબત્ત, એ ‘ગુડમૉર્નિંગ સનશાઇન’ તો ખાસ ચાલી નહીં પણ રિયાનું કામ કીરાવાણીસાહેબને બહુ ગમ્યું એટલે તેમણે જ રાજામૌલીને રિયાનું નામ સજેસ્ટ કર્યું અને રિયા પાસે ‘દોસ્તી’ સૉન્ગ લખાવ્યું અને એ પછી જે સૉન્ગ ઑસ્કર જીતી આવ્યું છે એનું હિન્દી વર્ઝન ‘નાચો નાચો’ પણ તેની પાસે જ લખાવ્યું. રિયા કહે છે, ‘નરેશન મને રાજામૌલીએ આપ્યું પણ એ નરેશનને મારે મીટરમાં સેટ કરવાનું હતું, જે રાજામૌલી સરને તો ગમ્યું અને કીરાવાણીસરને પણ ગમ્યું.’

સાતમાં ત્રણ સૉન્ગ રિયાએ લખ્યા પછી ફિલ્મના હિન્દી ડાયલૉગ્સ રિયા પાસે લખાવવાનું સજેશન પણ કીરાવાણીએ જ રાજામૌલીને કર્યું અને પોતાના કઝિનની વાત માનીને રાજામૌલીએ રિયા મુખરજીને જ ‘RRR’ના ડાયલૉગ્સ લખવાનું કહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2023 12:41 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK