રશ્મિકાએ જપાનની કેટલીક ઝલક સોશ્યલ મીડિયામાં ફૅન્સ સાથે શૅર કરી હતી અને સાથે એક લાંબી કૅપ્શન લખીને ત્યાંના લોકોએ આપેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો
‘પુષ્પા 2 : ધ રૂલ’ ફિલ્મનું પ્રીમિયર ૧૬ જાન્યુઆરીએ જપાનમાં યોજાયું હતું
૨૦૨૪માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’નો ક્રેઝ હજી પણ યથાવત્ છે. આ ફિલ્મનું પ્રીમિયર ૧૬ જાન્યુઆરીએ જપાનમાં યોજાયું હતું. આ ખાસ અવસરે અલ્લુ અર્જુન સાથે ઍક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ હતી. રશ્મિકાએ જપાનની કેટલીક ઝલક સોશ્યલ મીડિયામાં ફૅન્સ સાથે શૅર કરી હતી અને સાથે એક લાંબી કૅપ્શન લખીને ત્યાંના લોકોએ આપેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રશ્મિકા મંદાનાએ પોતાના સોશ્યલ મીડિયામાં એક સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તે ટેબલ પર રાખેલા અનેક પત્રો વાંચતી જોવા મળી રહી છે. આ પત્રો રશ્મિકાના ફૅન્સે તેને મોકલ્યા હતા. તસવીર સાથે રશ્મિકાએ લખ્યું હતું, ‘હું એક દિવસ માટે જપાન ગઈ હતી અને માત્ર એક જ દિવસમાં જેટલો પ્રેમ મળ્યો એ દિલને સ્પર્શી ગયો. મને અહીં ઘણા પત્રો અને ઘણી ગિફ્ટ્સ મળી હતી. મેં એ બધા પત્રો વાંચ્યા. બધી ગિફ્ટ્સ હું ઘરે લઈ આવી છું. હું કહી પણ નથી શકતી કે આ બધું જોઈને હું કેટલી ભાવુક થઈ ગઈ છું. આ પ્રેમ બદલ દિલથી આભાર જપાન. આઇ લવ યુ. હું ફરીથી આવવાની રાહ જોઈ રહી છું, પરંતુ બીજી વખત લાંબા સમય માટે આવીશ એવું હું વચન આપું છું. હવે જપાન આવતાં પહેલાં હું વધુ જપાની ભાષા શીખવાનો પ્રયાસ કરીશ.’
ADVERTISEMENT

આ સિવાય રશ્મિકાએ કેટલીક તસવીરો અને વિડિયો પણ શૅર કર્યાં છે જેમાં તે અલ્લુ અર્જુન અને ફિલ્મના પ્રોડ્યુસર્સ સાથે જોવા મળે છે. આ તસવીરો સાથે કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘જપાન, તમે હંમેશાં મારા દિલને ખુશીથી ભરી દો છો. અહીંનો પ્રેમ અને લોકોની ભીડ ક્યારેય બદલાતી નથી. જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે પાછી ફરતી વખતે વધુ કૃતજ્ઞતા લઈને જાઉં છું.’


