બન્નેના અફેરની ચર્ચા ચાલી રહી છે. સાથે જ ટૂંક સમયમાં તેઓ લગ્ન કરશે એવું પણ જાણવા મળ્યું હતું.
વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાએ વિજય દેવરાકોન્ડાને તેની લાઇફનો સૌથી મોટો સપોર્ટર ગણાવ્યો છે. બન્નેના અફેરની ચર્ચા ચાલી રહી છે. સાથે જ ટૂંક સમયમાં તેઓ લગ્ન કરશે એવું પણ જાણવા મળ્યું હતું. જોકે એ વિશે તેમણે કદી ચોખવટ નથી કરી. બન્નેએ ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’માં સાથે કામ કર્યું હતું. વિજયની પ્રશંસા કરતાં રશ્મિકાએ કહ્યું કે ‘વિજુ અને હું સાથે આગળ આવ્યાં છીએ, એથી મારી લાઇફમાં હું જેકાંઈ કરું છું એમાં તેનું યોગદાન હોય છે. હું જેકાંઈ કરું એમાં તેની સલાહ લઉં છું. મને તેના મંતવ્યની જરૂર હોય છે. તે હામાં હા મિલાવનારો નથી. તે કહે છે શું સારું છે અને શું સારું નથી. તેણે મને મારી લાઇફમાં અન્ય કરતાં વધુ સપોર્ટ કર્યો છે, એથી તે એક એવી વ્યક્તિ છે જેને હું ખરેખર માન આપું છું.’
પોતાનો ડીપફેક વિડિયો આવતાં અન્ય યુવતીઓની ચિંતા થવા લાગી રશ્મિકાને
રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડિયો થોડા સમય પહેલાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ કાજોલ, આલિયા ભટ્ટ અને કૅટરિના કૈફનો પણ આવો વિડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો. રશ્મિકાનો વિડિયો બનાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે, પોતાનો ડીપફેક વિડિયો આવતાં રશ્મિકાને અન્ય યુવતીઓની ચિંતા થવા માંડી હતી. એ વિશે રશ્મિકાએ કહ્યું કે ‘ઘણી વખત આવું થતાં તમે જ્યારે એની ચર્ચા કરો ત્યારે લોકો એમ કહે કે તેં જ આ પ્રોફેશન પસંદ કર્યું હતું. લોકો એમ કહે છે કે તમે શું કામ એ વિશે ચર્ચા કરો છો. મારા દિમાગમાં માત્ર એક જ વાત ભમ્યા કરે છે કે આવું મારી સાથે કૉલેજમાં થયું હોત તો શું થાત? મારા સપોર્ટમાં કોઈ ન આવ્યું હોત, કારણ કે આપણો સમાજ આપણા વિશે જેવું ધારે છે એવું જ આપણે બનવાનું હોય છે. એથી મને વિચાર આવ્યો કે ધારો કે કૉલેજ જતી યુવતી સાથે આવું થયું હોત તો એવું વિચારતાં જ મને ડર લાગી ગયો હતો. જો હું એ વિશે વાત કરીશ તો ઓછામાં ઓછા ૪૧ મિલ્યન લોકોને એ વિશે જાણ થશે કે ડીપફેક જેવી પણ કોઈ વસ્તુ હોય છે અને એથી લોકોમાં આ બાબતે જાગરૂકતા લાવવી જરૂરી હતી.’


