મેથડ ઍક્ટિંગની નવી વ્યાખ્યા આપતાં રણદીપે કહ્યું...
રંદીપ હૂડા
રણદીપ હૂડાએ મેથડ ઍક્ટિંગની નવી વ્યાખ્યા આપી છે. તેનું કહેવું છે કે ઍક્ટર્સનાં નખરાંને મેથડ ઍક્ટિંગનું નામ આપવામાં આવે છે. રણદીપની ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ બાવીસ માર્ચે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ઍક્ટિંગ કરવાની સાથે તેણે એને ડિરેક્ટ પણ કરી છે. મેથડ ઍક્ટિંગ વિશે રણદીપ કહે છે, ‘મેથડ ઍક્ટિંગને અલગ-અલગ રીતે વ્યક્ત કરવામાં આવે છે. ઍક્ટર્સ કે ચોચલે દૂસરે લોગ ઝેલેં ઉસે મેથડ ઍક્ટિંગ કા નામ દિયા જાતા હૈ. ઍક્ટર્સ હંમેશાં એમ કહે છે કે ‘હું આ કામ નહીં કરું કે પછી હું તે કામ નહીં કરું. સાથે જ અમુક આર્ટિસ્ટ સાથે વાત નહીં કરું કેમ કે અગાઉ તેની સાથે લડાઈ થઈ હતી.’ આ વસ્તુને હું સાદું ઉદાહરણ આપીને સમજાવું છું. જો તમે કોઈ એક સીન કરી રહ્યા હો કે જેમાં તમે કારમાં બેઠા છો અને ઍરપોર્ટ પર જઈ રહ્યા હો. આટલો જ તમારો શૉટ છે. ન તો તમે ખરેખર કાર ડ્રાઇવ કરીને ઍરપોર્ટ જઈ રહ્યા છો અને ન તો ઍરપોર્ટ સુધીની તમારી જર્નીને કૅમેરામાં શૂટ કરવામાં આવે છે. શૉટ ત્યાં પૂરો થાય છે. આમ છતાં જો ડિરેક્ટરને ફર્સ્ટ ટેક યોગ્ય ન લાગે તો તમે રીટેક માટે કારને પાછી વાળો છો. ડિરેક્ટરને તો માત્ર સીન અને ઇમોશન્સ સચોટ જોઈતાં હોય છે. એને ઍક્ટર કઈ રીતે ભજવે છે એ ઍક્ટરની જવાબદારી છે.’