નાગાર્જુન સ્ટારર આ હિટ ફિલ્મ 4K ડૉલ્બી ઍટમૉસમાં ફરીથી દર્શાવવામાં આવશે
શિવા
રામ ગોપાલ વર્માની નાગાર્જુન સ્ટારર ફિલ્મ ‘શિવા’ ૩૬ વર્ષ પછી ફરી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. નાગાર્જુને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી કે તેની ફિલ્મ ફરીથી થિયેટરોમાં આવી રહી છે. નાગાર્જુન તેના પ્રોડક્શન હાઉસ અન્નાપૂર્ણા સ્ટુડિયોઝની ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘શિવા’ સહિત ઘણી જૂની હિટ ફિલ્મોને ફરીથી રિલીઝ કરી રહ્યો છે. આ ફિલ્મમાં નાગાર્જુન ઉપરાંત અમલા અને રઘુવરન પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ રીરિલીઝ વિશે ઉત્સાહિત નાગાર્જુને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘‘શિવા’ એ ફિલ્મ હતી જેણે મને આઇકૉનિક હીરોનું સ્થાન આપ્યું, મારા પાત્રને સાચા અર્થમાં અવિસ્મરણીય બનાવ્યું. ૩૬ વર્ષ પછી પણ આ ફિલ્મની ચર્ચા થાય છે, જેના કારણે મારા ભાઈ અને મેં તેને ભવ્ય રીતે ફરીથી રિલીઝ કરવાનું આયોજન કર્યું. અમને લાગ્યું કે અમે દર્શકોના ઋણી છીએ. રામગોપાલ વર્મા, મારા ભાઈ વેન્કટ અને મેં એને ફરીથી દર્શકો સમક્ષ ડૉલ્બી ઍટમૉસ સાઉન્ડ અને 4K વિઝ્યુઅલ્સ સાથે રજૂ કરવાનું નક્કી કર્યું.’
ADVERTISEMENT
નાગાર્જુને જણાવ્યું કે ‘શિવા’ના નવા 4K વર્ઝનનું ટીઝર તેની રજનીકાંત સ્ટારર આગામી ફિલ્મ ‘કૂલી’ સાથે રિલીઝ કરવામાં આવશે. ‘શિવા’ની રિલીઝ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.


