પત્ની ઉપાસના કોનિડેલાએ શનિવારે હૈદરાબાદની અપોલો હૉસ્પિટલમાં એક દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો
રામચરણે ૨૦૧૨માં ઉપાસના સાથે લગ્ન કર્યાં હતાં
અઢી વર્ષની દીકરી ક્લિન કારા કોનિડેલાનો પિતા સાઉથનો સુપરસ્ટાર રામચરણ તેજા બીજી વખત પપ્પા બન્યો છે. તેની પત્ની ઉપાસના કોનિડેલાએ શનિવારે હૈદરાબાદની અપોલો હૉસ્પિટલમાં જોડિયાં બાળકોને જન્મ આપ્યો છે. રામચરણના પિતા ચિરંજીવીએ આ વિશે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ડિલિવરી બાદ બાળકો અને માતા બન્ને સ્વસ્થ છે.
આ વાતની જાહેરાત કરતાં ચિરંજીવીએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘ખૂબ જ ખુશી અને હૃદયપૂર્વકના આભાર સાથે અમને જણાવતાં આનંદ થાય છે કે રામચરણ અને ઉપાસનાને જોડિયાં બાળકોના આશીર્વાદ મળ્યા છે, એક દીકરો અને એક દીકરી. બન્ને બાળકો અને માતા સ્વસ્થ અને ઠીક છે. દાદા-દાદી તરીકે આ નાનકડા મહેમાનોનું અમારા પરિવારમાં સ્વાગત કરવું એ અમારા માટે શુદ્ધ આનંદ અને દૈવી-આશીર્વાદની ક્ષણ છે. અમે દરેકની પ્રાર્થના, પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ... ચિરંજીવી અને સુરેખા.’
ADVERTISEMENT
રામચરણે ૨૦૧૨માં ઉપાસના સાથે લગ્ન કર્યાં હતાં. ઉપાસના અપોલો ચૅરિટીની વાઇસ પ્રેસિડન્ટ અને બી પૉઝિટિવ મૅગેઝિનની ચીફ એડિટર છે. તે ભારતની પ્રથમ કૉર્પોરેટ હૉસ્પિટલ અપોલો હૉસ્પિટલના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચૅરમૅન પ્રતાપ સી. રેડ્ડીની દોહિત્રી છે. રામચરણ અને ઉપાસનાએ નવમા ધોરણથી સાથે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. બન્નેની સગાઈ ૨૦૧૧ના ડિસેમ્બરમાં થઈ હતી અને પછી ૨૦૧૨ની ચૌદમી જૂને બન્નેએ હૈદરાબાદના ટેમ્પલ ટ્રીઝ ફાર્મ હાઉસમાં લગ્ન કર્યાં હતાં. આ પછી ૨૦૨૩ની વીસમી જૂને તેમની પહેલી દીકરી ક્લિન કારા કોનિડેલાનો જન્મ થયો હતો.


