આ મામલે પુણે ગ્રામીણ પોલીસનું કહેવું છે કે આ ઘટના એક સુનિયોજિત કાવતરું હોય એવું લાગે છે
સંગીતા બિજલાણી
સંગીતા બિજલાણીના પુણે જિલ્લાના માવળ ખાતે આવેલા ફાર્મહાઉસમાં અજાણ્યા લોકોએ તોડફોડ અને ચોરી કરી છે એવી માહિતી પુણે ગ્રામીણ પોલીસના અધિકારીએ શુક્રવારે આપી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચોરોએ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તોડી નાખ્યા હતા, ફાર્મહાઉસમાં તોડફોડ કરી હતી અને ઘણી કીમતી વસ્તુઓ ચોરી ગયા હતા.
આ મામલે પુણે ગ્રામીણ પોલીસનું કહેવું છે કે આ ઘટના એક સુનિયોજિત કાવતરું હોય એવું લાગે છે અને ઘટના બની એ સમયે સંગીતા ફાર્મહાઉસમાં હાજર નહોતી.
ADVERTISEMENT
સંગીતાએ આ મામલે પુણે ગ્રામીણ પોલીસ-સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. સંગીતા બિજલાણી મુંબઈમાં રહે છે અને છેલ્લા ચાર મહિનાથી તેના પિતાની બીમારીને લીધે ફાર્મહાઉસમાં જઈ શકી નહોતી. સંગીતાની ફરિયાદ મુજબ જ્યારે તે ૧૮ જુલાઈએ સવારે ૧૧.૩૦ વાગ્યે ઘરકામ કરતી બે મહિલાઓ સાથે તિકોના ગામમાં આવેલા પોતાના ફાર્મહાઉસ પહોંચી ત્યારે તેણે જોયું કે ફાર્મહાઉસનો મુખ્ય દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો અને અંદર જઈને જોયું તો ઘરમાં તોડફોડ થઈ હતી અને કીમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે ફાર્મહાઉસની બારીઓની ગ્રિલ તૂટેલી હતી, એક ટીવી ચોરાઈ ગયું હતું અને બીજું ઘણું નુકસાન થયું હતું. ઘણી કીમતી વસ્તુઓ ગાયબ હતી. એ સિવાય ફાર્મહાઉસના પ્રવેશદ્વાર પહેલાં પરિસરમાં લગાવેલા તમામ CCTV કૅમેરા તોડી નાખવામાં આવ્યા હતા જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક સુનિયોજિત કાવતરું હતું.

